Home Blog Page 1250

સુરતઃ સરકારી હોસ્પિટલમાં ઈન્જેક્શનની અછત, ભાજપ કાર્યલય પર લાગી છે લાંબી લાઈનો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-04-2021

કોરોનાની સારવારમાં ઉપયોગી રેમડેસિવિર ઈન્જેક્શન સીઆર પાટિલ ક્યાથી લાવ્યા તે મુખ્યમંત્રીને પણ ખબર નથી

કોરોનાને કારણે દર્દીઓની સાથે તેના સગા સંબંધીઓની હાલત કફોડી બની છે. તેઓ કોરોનાની સારવારમાં ઉપયોગી રેમડેસિવિર ઈન્જેક્શન લેવા માટે આમ તેમ દોડી રહ્યા છે. એક તરફ સરકાર કહી રહી છે કે પુરતા પ્રમાણમાં ઈન્જેક્શન ઉપલબ્ધ છે બીજી તરફ દર્દીઓને મળી રહ્યા નથી. આ વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખે કાલે સુરત સિવિલ હોસ્પિટલમાં જાહેરાત કરી હતી કે ભાજપ દર્દીઓને 5 હજાર ફ્રીમાં રેમડેસિવર ઈન્જેક્શન આપશે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર, પાટીલ દ્વારા ઉધના ભાજપ કાર્યાલય ખાતેથી 1000 જેટલાં ઈન્જેક્શનો દર્દીને આપવા માટેની જાહેરાત કરતાંની સાથે જ મોટી સંખ્યામાં લોકો ભાજપ કાર્યાલય ખાતે ઈન્જેક્શન લેવા માટે ઊમટી પડ્યા છે. ભાજપ કાર્યાલયની બહાર લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે.

સીઆર પાટિલ દ્વારા આ ઈન્જેક્શનની જાહેરાત કરવામાં આવતા જ ઈન્જેક્શન મુદ્દે રાજકારણ ગરમાઈ ગયું છે. એક તરફ સરકાર પાસે ખાનગી હોસ્પિટલમાં રેમડેસિવિર ઈન્જેક્શન આપવા માટે જથ્થો નથી તેવી જાહેરાત કરી છે બીજી તરફ ભાજપ દ્વારા લોકોને ફ્રીમાં આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી. આ મુદ્દે જ્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ‘સી.આર. પાટિલે ઈન્જેક્શનની વ્યવસ્થા ક્યાંથી કરી તે તેમને જઈને પુછો. અમે સરકાર તરફથી તેમને એક પણ ઈન્જેક્શન આપ્યું નથી.’

આ મુદ્દો હવે ગરમાયો છે અને કોંગ્રેસ દ્વારા પણ પ્રહારો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહે આક્ષેપ કર્યા મુજબ ગુજરાતની જનતા પરિવારના સભ્યનો જીવ બચાવવા માટે 6 ઈન્જેકશન મેળવવા એક શહેરથી બીજા શહેરમાં સંપર્ક કરતા લોકો માટે રેમડેસિવિર મેળવવાં મુશ્કેલ છે. રિપોર્ટ અને ડોક્ટરની ભલામણ સિવાય તેમજ દર્દીના ઓળખપત્ર વગર આ ઈન્જેકશન મળે જ નહીં એવી સ્થિતિમાં પાટીલ પાંચ હજાર ઈન્જેકશન ક્યાંથી લાવ્યા તે સૌથી મોટો સવાલ છે.

રેમડેસિવિર ઈન્જેક્શન લેવા માટે છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદ સ્થિત ઝાયડસ હોસ્પિટલ બહાર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. પરંતુ આજે હોસ્પિટલ તરફથી પણ આ વેચાણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

સરકારે હાથ ખંખેરી નાંખ્યા; હવે જીવવા માટે લોકો આત્મસૂઝ વાપરે…

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-04-2021

સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક નીવડી રહી છે. હાલ 4500 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. જેને પગલે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, મોરબી સહિત 20 જેટલા શહેરોમાં રાત્રિ કફર્યૂ લાદવામાં આવ્યો છે. જોકે શહેરોની સાથે સાથે નગરો અને ગામોમાં પણ કોરોનાએ કાળો કેર વર્તાવતાં હવે લોકો સ્વયંભૂ લોકડાઉનનું પાલન કરવા તરફ આગળ વધી રહ્યાં છે. પહેલેથી જ સમજુ એવી ગુજરાતી પ્રજા જાણે છે કે સ્વએ જાગ્યા વિના ઉદ્ધાર નથી, જેને પગલે આજે એટલે કે શનિ અને રવિવારે અંશત:લોકડાઉનનું પાલન કરીને ઘરમાં રહેવાના છે. આ બે દિવસ સુધી અનેક ગામ, શહેર અને નગરોમાં લોકડાઉન જેવો માહોલ જોવા મળશે.

શહેરો બાદ ગામડાં અને નગરોએ ક્યાંક પૂર્ણ તો ક્યાંક અંશત: લોકડાઉનનો અમલ કરવાની ફરજ પડી છે. સંક્રમણને આગળ વધતું અટકાવવા માટે રાજ્યનાં 100થી વધુ ગામો અને નગરોમાં સ્થાનિક તંત્ર, વેપારીઓ દ્વારા જુદા જુદા સમયે કોરોના કર્ફ્યૂ લાગુ કરવાનો નિર્ણય કરાયો છે.

સરકારે આર્થિક અને વેક્સિનેશન જેવા અનેક કારણોસર ભલે લોકડાઉન જાહેર કર્યું નથી, પરંતુ જનતા કર્ફ્યૂનો માહોલ ફરી જમાવીને કોરોનાને ઘર ભેગો કરવાનું આપણે નિર્ણય લઈ લીધો છે. જેથી આજે દૂધ-શાકભાજી અને દવા જેવી જીવન જરૂરી વસ્તુઓ લેવા જ લોકો બહાર નીકળશે. આ સિવાય ક્યાંય પણ ખોટી રીતે લોકો બહાર દેખાશે નહીં. જો સ્વયં શિસ્તમાં આવીને આપણે જાતને લોકડાઉન કરીએ અને તેની સાથે સાથે માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખીએ તો કોરોના મહામારી તો શું માનવજાત સામે ગમે એવી મહામારી કેમ ન આવે આપણે તેની સામે અચૂક વિજય મેળવી શકીએ એવા કાળા માથાનામાનવી છીએ.

આ શનિ-રવિ મોટા ભાગના ગામડાઓમાં તો બજારો બંધ જ રહેવાની છે. પરંતુ તેની સાથે સાથે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં પણ લોકો કામ સિવાય બહાર આવશે નહીં. જો કામ સિવાય બહાર જઈશું તો ચેપનો ભોગ બની શકીએ. જેથી સૌ કોઈએ કોરોનાને ખોખરો કરવા જાતે જ સોશિયલ ગેધરિંગ ટાળવાનું છે.

ગુજરાત પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ સંજય જોશીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી જણાવ્યું કે આગામી એક મહિના સુધી સમગ્ર ગુજરાતના દરેક પાન-મસાલાના ગલ્લા માલિકો દ્વારા દર શનિ-રવિ સ્વયંભૂ બંધ પાળી લોકોના આરોગ્ય હેતુસર સરકારને સહયોગ આપશે.

રાજકોટ શહેરમાં સતત વધતા કોરોના સંક્રમણને ધ્યાને રાખી શહેરમાં પાન એસોસિયેશન દ્વારા આગામી શનિ અને રવિવાર એમ કુલ બે દિવસ માટે બંધ પાડી સ્વયંભૂ લોકડાઉન કરવા નિર્ણય કર્યો છે. જેમાં એસોસિએશન સાથે જોડાયેલ 1100 દુકાનદારો જોડાઇ બે દિવસ સ્વયંભૂ લોકડાઉનમાં જોડાશે. આ ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સ અને પેલેસ રોડના ખ્યાતનામ જ્વેલર્સ પણ શનિ-રવિ બંધ પાડી સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે. જ્યાં ચેમ્બર સાથે 28 થી 30 એસોસિએશન જોડાઈને તમામ વેપાર ઉદ્યોગ બંધ રાખશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

લોકોની ભીડ હોય તેવામાં કોરોનાથી બચવામાં સર્જીકલ માસ્ક અસરદાર નથીઃ ફેસશીલ્ડ પણ કામ નથી આવતાઃ ચોંકાવનારો અભ્યાસ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-04-2021

કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે અને રોજેરોજ નવા નવા કેસ અને નવા નવા મૃત્યુઆંક ચિંતા ઉપજાવી રહ્યા છે. તેવામા સરકારે પણ કોરોનાને કાબુમાં લેવા પગલા લીધા છે. કોરોનાથી બચવા માટે  માસ્ક અને હાથ ધોવાનું સૌથી આવશ્યક પગલુ છે. તો વેકસીન લગાવવી એ પણ એક યોગ્ય પગલુ છે. આઈઆઈટી ભુવનેશ્વરના એક અભ્યાસમાં એવુ સામે આવ્યુ છે કે ભીડભાડવાળી જગ્યામાં અને સામાન્ય વાતચીત દરમિયાન સર્જીકલ માસ્ક સંપૂર્ણ રીતે અસરકારક નથી હોતો. એવી સ્થિતિમાં ડ્રોપલેટનો લીકેજ થઈ શકે છે જે કોરોનાનુ કારણ બની શકે છે. અભ્યાસમાં જણાવાયુ છે કે સામાન્ય રીતે ઉપયોગમા આવતા માસ્ક અને ફેસશીલ્ડ શ્વાસ લેવા દરમિયાન બહાર નિકળતા ડ્રોપલેટથી બચાવ કરવામાં સક્ષમ નથી હોતા.

આ અભ્યાસને આઈઆઈટી ભુવનેશ્વરના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. વેણુગોપાલ અરૂમરૂ અને તેમની ટીમે અંતિમ ઓપ આપ્યો છે. આ દરમિયાન શ્વાસ લેવાની પેટર્નનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં શાંત ઉભા રહેતી વખતે શ્વાસ લેવા અને ચાલતી વખતે સ્વસ્થ વ્યસ્ક દ્વારા શ્વાસ લેવાનો અભ્યાસ થયો હતો. અભ્યાસમાં સામે આવ્યુ કે નાના ડ્રોપલેટ શ્વાસ લેવા દરમિયાન બહાર નિકળે છે અને ૫ સેકન્ડ અંદર ૪ ફુટ સુધી પહોંચે છે. આવી સ્થિતિમાં સર્જીકલ માસ્ક સામાન્ય વાતચીત દરમિયાન અસરકારક નથી રહેતા. આ અભ્યાસમાં સલાહ આપવામાં આવી છે કે આ સ્થિતિમા સર્જીકલ માસ્કનો ઉપયોગ ન કરો તો હોસ્પીટલોમાં પણ સર્જીકલ માસ્ક અને ફેસશીલ્ડને સાથે લગાવવાનુ પણ યોગ્ય નથી હોતુ. એવી સ્થિતિમાં ડ્રોપલેટ લીકેજની સંભાવના રહે છે.

અભ્યાસમાં જણાવ્યુ છે કે ઘરમાં બનેલા ટૂ-લેયરના કોટન માસ્ક પણ અસરકારક નથી હોતા. પાંચ-લેયરનો માસ્ક લીકેજ રોકવા માટે સૌથી અસરકારક છે. રીપોર્ટમાં જણાવાયુ છે કે ૪ ફુટનુ અંતર રાખવુ જરૂરી છે. આ સિવાય એકલા ફેસશીલ્ડ પહેરવાથી બચાવ થઈ ન શકે.

ડો. વેણુગોપાલે કહ્યુ હતુ કે અત્યાર સુધી કરવામાં આવેલા અભ્યાસમાં કફ અને છીંક દ્વારા ફેલાતા વાયરસને લઈને અભ્યાસ થયો હતો પરંતુ શ્વાસ દરમિયાન વાયરસના ફેલાવા અંગે અભ્યાસ થયો નહોતો એવામાં આ અભ્યાસ ઘણો મહત્વનો બનશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ગુજરાતમાં આવતીકાલથી પાનના ગલ્લાઓ એક મહિનો દર શનિ-રવિ રહેશે સ્વયંભૂ બંધ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-04-2021

રાજ્યમાં વકરતી જતી કોરોનાની સ્થિતિને જોતાં ગુજરાત પાન-મસાલા ઓનર્સ એસોસિએશન દ્વારા 10 એપ્રિલથી એક મહિના સુધી દર શનિ-રવિ પાનના ગલ્લા સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ થઈ ગયું છે. રાજ્યમાં સ્થિતિ દિવસેને દિવસે વધુ વિકટ બની રહી છે. એક પછી એક શહેરો અને ગામો સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી રહ્યા છે. ઘણા શહેરો અને ગામોના વેપારીઓએ પણ શનિ-રવિ સ્વયંભૂ બંધ પાડવાની જાહેરાત કરી છે, ત્યારે હવે પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિએશને પણ રાજ્યમાં આગામી એક મહિનો દર શનિ-રવિ પાનના ગલ્લા સ્વયંભૂ બંધ રાખવાની જાહેરાત કરી છે.

ગુજરાત પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ સંજય જોશીએ મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, આગામી એક મહિના સુધી સમગ્ર રાજ્યના દરેક પાનના ગલ્લાના માલિકો દર શનિ-રવિ સ્વયંભૂ બંધ પાળી લોકોના આરોગ્ય હેતુસર સરકારને સહયોગ આપશે. આ જાહેરાત થતાની સાથે જ પાન-મસાલા અને સિગારેટના વ્યસનીઓને બે દિવસનો સ્ટોક કરવા દોડાદોડી કરી દીધી હતી.

જણાવી દઈએ કે, ગત લોકડાઉનમાં પાન-મસાલા અને સિગારેટના ભાવ આસમાને પહોંચી ગયા હતા. લોકડાઉનનો લાભ લઈ જેમની પાસે સ્ટોક હતો તે લોકો મનફાવે તેમ ભાવ લેતા હતા. પાંચ-દસ રૂપિયામાં મળતી વસ્તુઓના ભાવ 50-100 રૂપિયા સુધી પહોંચી ગયા હતા. આ વખતે જોકે, શનિ-રવિ બે દિવસ જ પાનના ગલ્લા બંધ રહેવાના છે, પરંતુ વ્યસનીઓને ભાવ વધારો થવાના ભયે અત્યારથી જ સ્ટોક કરવાનું શરૂ કરી દીધું છે.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં કોરોનાની વિસ્ફોટક સ્થિતિને જોતાં ત્યાં 7 દિવસ માટે લારી-ગલ્લા બંધ રાખવાનો તંત્રએ મૌખિક આદેશ આપી દીધો છે. આ ઉપરાંત રાજકોટમાં તો શનિ-રવિ પાનના ગલ્લા સ્વૈચ્છિક બંધ રાખવાનો રાજકોટ પાન એસોસિએશને પહેલા જ નિર્ણય લઈ લીધો હતો.

અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે કોરોના સંક્રમણની ચેન તોડવા માટે અનેક શહેરોમાં વેપારી સહિત અનેક સંગઠનો જાતે જ આગળ આવ્યા છે અને સ્વયંભૂ બંધની જાહેરાત કરી છે. જેમાં મહેસાણા, સિદ્ધપુર, ઊંઝા, ભિલોડા, રાજકોટ, મહિસાગર, સુરત સહિતના અનેક શહેરોમાં શનિ-રવિ સ્વયંભૂ બંધની જાહેરાતો કરવામાં આવી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

વોટ્સએપ હવે કોરોના વેક્સિન અંગે જાગૃતિ ફેલાવશે : લોન્ચ કર્યું સ્ટીકર પેક

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-04-2021

વોટ્સએપના જણાવ્યા મુજબ વિશ્વ આરોગ્ય સંગઠન (World health organization) સાથે મળીને વેકસીન ફોર ઓલ નામનું સ્ટીકર પેક લોન્ચ કરાઈ રહ્યું છે.આ સ્ટીકર પેકના માધ્યમથી લોકો એકબીજા સાથે જોડાઇ શકશે.

ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ (WhatApp) દ્વારા મેસેજને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે અવનવા પ્રયોગો કરવામાં આવે છે. દરમિયાન વોટ્સએપ દ્વારા નવું સ્ટીકર પેક (Stickers Pack) લોન્ચ કરવામાં આવ્યું છે. આ સ્ટીકર પેકના માધ્યમથી વેક્સિન અંગે જાગૃતતા (Corona vaccine awareness) ફેલાવવાનો પ્રયત્ન થશે. આ પેકને વેક્સિન ફોર ઑલ (Vaccine for all) નામ આપવામાં આવ્યું છે. વિશ્વભરના સ્વાસ્થ્યકર્મીઓના પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે વોટ્સએપ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. વોટ્સએપના જણાવ્યા મુજબ વિશ્વ આરોગ્ય સંગઠન (World health organization) સાથે મળીને વેકસીન ફોર ઓલ નામનું સ્ટીકર પેક લોન્ચ કરાઈ રહ્યું છે. અમને આશા છે કે, આ સ્ટીકર પેકના માધ્યમથી લોકો એકબીજા સાથે જોડાઇ શકશે.

વોટ્સએપે પોતાના બ્લોગમાં જણાવ્યું છે કે, વર્તમાન મુશ્કેલ સમયમાં લોકોના જીવ બચાવનાર સ્વાસ્થ્યકર્મીઓ પ્રત્યે સન્માન દાખવવા માટે પણ સ્ટીકરનો ઉપયોગ કરવામાં આવશે.

કોરોના વાયરસ અંગે 2 અબજથી વધુ યુઝર્સને કોવિડ 19 માટે હેલ્પલાઇન સપોર્ટ અને સાચી જાણકારી અને સ્રોત મળે તે માટે કોરોના મહામારીના પ્રારંભથી જ વોટ્સએપ દ્વારા 150થી વધુ રાષ્ટ્રીય, ક્ષેત્રીય અને સ્થાનિક સરકાર તથા વિશ્વ આરોગ્ય સંગઠન, યુનિસેફ જેવી સંસ્થાઓ સાથે મળી કામ કર્યું છે. ગયા વર્ષે ગ્લોબલ હેલ્પલાઇન ઉપર અંદાજીત 3 અરબથી વધુ મેસેજ મોકલાયા હતા.

વોટ્સએપના આ સ્ટીકર ફોર ઓલ પેકમાં અલગ-અલગ 23 સ્ટીકર જોવા મળશે. જેને વિશ્વ આરોગ્ય સંગઠનની ભાગીદારીથી બનાવવામાં આવ્યા છે. એન્ડ્રોઇડ અને આઈઓએસ એમ બંને ઓપરેટિંગ સિસ્ટમમાં સ્ટીકર ડાઉનલોડ કરી શકાશે. લોકોમાં કોરોનાની રસીથી આશા, ખુશી અને રાહત જેવી લાગણીઓ પ્રદર્શિત કરવા આ સ્ટીકર પેક કામ આવશે.

વોટ્સએપે બ્લોગમાં વધુમાં જણાવ્યું છે કે, અનેક દેશોમાં લોકો એકબીજા સાથે રૂબરૂ ખૂબ ઓછા મળી રહ્યા છે. પરંતુ આશા છે કે, વોટ્સએપના માધ્યમથી લોકો પરિવારજનો તથા મિત્રો સાથે પોતાના વિચારો, અનુભવો અને અપેક્ષાઓ કોઇપણ ખચકાટ વગર શેર કરી શકશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

LATEST NEWS

error: Content is protected !!