કાલથી વડાપ્રધાન મોદી ગુજરાતમાં : સૌરાષ્ટ્રમાં ત્રણ જંગી જાહેર સભા ગજવશે

કાલે ડિસા અને હિંમતનગર તેમજ ગુરૂવારે આણંદ, જુનાગઢ, જામનગર અને સુરેન્દ્રનગરમાં જાહેર સભા : રૂપાલાના વિરોધ અને ક્ષત્રિય વિવાદના પગલે વડાપ્રધાનની સભા માટે રાજયના ટોચના ત્રણ આઇપીએસ અધિકારીઓને સોંપાતી જવાબદારી : તૈયારીઓને આખરી ઓપ

રાજયની લોકસભાની 26 અને વિધાનસભાની પાંચ બેઠકોની તા.7 મેના આયોજીત કરાયેલ પેટા ચૂંટણીના આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આ ચૂંટણીમાં હવે મોદી ઇફેકટ સર્જવા માટે તૈયારીઓને આખરી ઓપ અપાઇ ચૂકયો છે. વડાપ્રધાન મોદી આવતીકાલથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારની કમાન સંભાળનાર છે. તેઓ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છ જનસભાથી લોકસભાની સૌરાષ્ટ્ર ઉતર અને મધ્ય ગુજરાતની 15 બેઠકોને આવરી લેશે.

જેમાં આવતીકાલે તા.1 બુધવારના ડિસા અને હિંમતનગરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની જનસભા આયોજીત કરવામાં આવી છે જે બાદ તા. રને ગુરૂવારના તેઓ સવારના આણંદ ત્યારબાદ વઢવાણ, જુનાગઢ અને જામનગરમાં  વિરાટ જનસભાને સંબોધીત કરનાર છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે, રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના  વિરોધના પગલે વિવાદના મંડાણ થયા છે ત્યારે સૌરાષ્ટ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની જનસભા માટે સુરક્ષાની જવાબદારી રાજયના ત્રણ ટોચના આઇપીએસ અધિકારીઓને સોંપવામાં આવી છે જેમાં રાજકુમાર પાંડેયનને જામનગર,  સુભાષ ત્રિવેદીને જુનાગઢ તેમજ અભયસિંહ ચુડાસમાને સુરેન્દ્રનગર ખાતે યોજાનાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની જાહેર સભાની જવાબદારી સોંપવામાં આવી છે. વડાપ્રધાનની આ જાહેર સભા પૂર્વે રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ જુનાગઢ, જામનગર, સુરેન્દ્રનગરની મુલાકાત લેવામાં આવી હતી.

જુનાગઢ

આગામી તા. 2 મેના જુનાગઢ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં જાહેર સભાને  સંબોધન કરશે. આગામી 7મેના લોકસભા અને માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થનાર છે. હાલ ચૂંટણી પ્રચાર અંતિમ તબકકામાં છે.  તમામ રાજકીય પક્ષો સહિતના મત માટે દોડધામ કરી રહ્યા છે.

આગામી તા. 2-5ને ગુરૂવારના બપોરેના 3 કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં જુનાગઢ, પોરબંદર, અમરેલી બેઠકના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરશે. સભા માટે 60 હજાર જેટલા લોકોનો ટાર્ગેટ છે.

બે દિવસ બાકી હોય ત્યારે ગઇકાલથી પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આસપાસના મકાનો બિલ્ડીંગોમાં પણ બંદોબસ્ત રહેશે. વડાપ્રધાનની તા.2-5ને ગુરૂવારની સભા કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં યોજાશે. તેની વ્યવસ્થામાં સુરક્ષા માટે એસપીજી, કેન્દ્રીય એજન્સીના અધિકારીઓ જુનાગઢ આવી રહ્યા છે. હેલીકોપ્ટરના મોટા ફેરા બે દિવસથી શરૂ થઇ ચુકયા છે. સભા સ્થળ છાવણીમાં ફેરવાઇ ચુકયું છે.

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર લોકસભાની બેઠક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર માટે સુરેન્દ્રનગરમાં સભા ગજવશે. આગામી તા.2 મેએ મોદી સુરેન્દ્રનગર આવવાના હોવાની ભાજપ આગેવાનોએ જાહેરાત કરી દીધી છે. ત્યારે આગામી તારીખ 2 5 ના રોજ નરેન્દ્રભાઈ મોદી સુરેન્દ્રનગર શહેરમાં ત્રિમંદિર સામે આવેલ વિશાળ ગ્રાઉન્ડમાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટેની સભા કરવામાં આવનાર છે ત્યારે સુરેન્દ્રનગરની બેઠક ભાજપ માટે એ ગ્રેડની મનાય છે. છતાં ચૂંટણીમાં ક્ષત્રિય સમાજનો રોષ, કોંગ્રેસના તળપદા કોળી જ્ઞાતિના ઉમેદવાર અને ભાજપના ઉમેદવારને લઇને ભાજપ કચાસ રાખવા માંગતુ નથી. શહેરના ત્રિમંદિર સામે ભાજપે સભાની જાહેરાત કરી છે.

સુરેન્દ્રનગર લોકસભાની બેઠકના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તા.2ના રોજ સુરેન્દ્રનગરમાં સભા ગજવનાર છે. ત્યારે ત્રિમંદિર સુરેન્દ્રનગર-મૂળી રોડ પર સભાસ્થળે હાલ ડોમ તૈયાર કરવા સહિત તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તા.2મેએ વડાપ્રધાન સુરેન્દ્રનગરમાં સભા માટે આવી રહ્યા છે. સુરેન્દ્રનગર-મૂળી રોડ પર આવેલી ત્રિમંદિર પાસેની જગ્યાએ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લોકસભાની ચૂંટણીમાં ઝાલાવાડની આ બેઠક પર છેલ્લા 2 ટર્મથી વડાપ્રધાનની સભા બાદ સમીકરણો બદલાતા હોય છે. ત્યારે આ વખત શું થાય તે જોવું રહ્યું.

જામનગરમાં વડાપ્રધાનની જાહેર સભા પૂર્વે ગૃહ  રાજ્યમંત્રી ઓચિંતા જામનગરની મુલાકાતે પહોંચ્યા

સભા સ્થળની મુલાકાત લઇ ભાજપ આગેવાનો સાથે પરામર્શ કર્યો

ગુરૂવારે જામનગરમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા નિર્વિઘ્ને સંપન્ન થાય અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેના આયોજન માટે રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી ગઇરાત્રે જામનગર આવી પહોંચ્યા હતા અને તેઓ સભા સ્થળની મુલાકાત કરવા ઉપરાંત ભાજપ અગ્રણીઓ સાથે પરાર્મશ કર્યો હતો.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે 7મે ના રોજ મતદાન યોજાનાર છે. આ સ્થિતિમાં જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમના ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.2ને ગુરૂવારના રોજ જામનગર આવી રહ્યા છે. શહેરના પ્રદર્શન મેદાન ખાતે યોજાયેલી ચૂંટણી સભાને તેઓ સંબોધન કરશે. આ સભાના આયોજનને સફળતા મળે અને કોઇ વિરોધ પ્રદર્શન કે ખલેલ ન થાય તે માટે આયોજનની જાણકારી મેળવવા અને સમીક્ષા કરવા ગઇરાત્રે ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીનું જામનગરમાં આગમન થયું હતું.

તેઓએ આઇજી, એસ.પી. અને સ્થાનિક નેતાઓને સાથે રાખી પ્રદર્શન મેદાન ખાતે જાહેર સભા માટે થઇ રહેલી તૈયારીનું જાતનિરિક્ષણ કર્યુ હતું. વડાપ્રધાનની સભામાં કોઇ વિરોધ પ્રદર્શન ન થાય તે માટે તમામ તકેદારી રાખવા તેઓએ પોલીસ વિભાગને સૂચના આપી હતી.

વડાપ્રધાનની સભામાં બહોળી સંખ્યામાં જનસમુદાય ઉપસ્થિત રહે તે માટે તેઓએ ભાજપના પ્રમુખ ડો.વિમલ કગથરા, ધારાસભ્યો સહિતના જવાબદાર નેતાઓ સાથે પરાર્મશ કર્યો હતો.