સુરતઃ સરકારી હોસ્પિટલમાં ઈન્જેક્શનની અછત, ભાજપ કાર્યલય પર લાગી છે લાંબી લાઈનો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-04-2021

કોરોનાની સારવારમાં ઉપયોગી રેમડેસિવિર ઈન્જેક્શન સીઆર પાટિલ ક્યાથી લાવ્યા તે મુખ્યમંત્રીને પણ ખબર નથી

કોરોનાને કારણે દર્દીઓની સાથે તેના સગા સંબંધીઓની હાલત કફોડી બની છે. તેઓ કોરોનાની સારવારમાં ઉપયોગી રેમડેસિવિર ઈન્જેક્શન લેવા માટે આમ તેમ દોડી રહ્યા છે. એક તરફ સરકાર કહી રહી છે કે પુરતા પ્રમાણમાં ઈન્જેક્શન ઉપલબ્ધ છે બીજી તરફ દર્દીઓને મળી રહ્યા નથી. આ વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખે કાલે સુરત સિવિલ હોસ્પિટલમાં જાહેરાત કરી હતી કે ભાજપ દર્દીઓને 5 હજાર ફ્રીમાં રેમડેસિવર ઈન્જેક્શન આપશે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર, પાટીલ દ્વારા ઉધના ભાજપ કાર્યાલય ખાતેથી 1000 જેટલાં ઈન્જેક્શનો દર્દીને આપવા માટેની જાહેરાત કરતાંની સાથે જ મોટી સંખ્યામાં લોકો ભાજપ કાર્યાલય ખાતે ઈન્જેક્શન લેવા માટે ઊમટી પડ્યા છે. ભાજપ કાર્યાલયની બહાર લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે.

સીઆર પાટિલ દ્વારા આ ઈન્જેક્શનની જાહેરાત કરવામાં આવતા જ ઈન્જેક્શન મુદ્દે રાજકારણ ગરમાઈ ગયું છે. એક તરફ સરકાર પાસે ખાનગી હોસ્પિટલમાં રેમડેસિવિર ઈન્જેક્શન આપવા માટે જથ્થો નથી તેવી જાહેરાત કરી છે બીજી તરફ ભાજપ દ્વારા લોકોને ફ્રીમાં આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી. આ મુદ્દે જ્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ‘સી.આર. પાટિલે ઈન્જેક્શનની વ્યવસ્થા ક્યાંથી કરી તે તેમને જઈને પુછો. અમે સરકાર તરફથી તેમને એક પણ ઈન્જેક્શન આપ્યું નથી.’

આ મુદ્દો હવે ગરમાયો છે અને કોંગ્રેસ દ્વારા પણ પ્રહારો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહે આક્ષેપ કર્યા મુજબ ગુજરાતની જનતા પરિવારના સભ્યનો જીવ બચાવવા માટે 6 ઈન્જેકશન મેળવવા એક શહેરથી બીજા શહેરમાં સંપર્ક કરતા લોકો માટે રેમડેસિવિર મેળવવાં મુશ્કેલ છે. રિપોર્ટ અને ડોક્ટરની ભલામણ સિવાય તેમજ દર્દીના ઓળખપત્ર વગર આ ઈન્જેકશન મળે જ નહીં એવી સ્થિતિમાં પાટીલ પાંચ હજાર ઈન્જેકશન ક્યાંથી લાવ્યા તે સૌથી મોટો સવાલ છે.

રેમડેસિવિર ઈન્જેક્શન લેવા માટે છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદ સ્થિત ઝાયડસ હોસ્પિટલ બહાર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. પરંતુ આજે હોસ્પિટલ તરફથી પણ આ વેચાણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો