સરકારે હાથ ખંખેરી નાંખ્યા; હવે જીવવા માટે લોકો આત્મસૂઝ વાપરે…

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-04-2021

સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક નીવડી રહી છે. હાલ 4500 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. જેને પગલે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, મોરબી સહિત 20 જેટલા શહેરોમાં રાત્રિ કફર્યૂ લાદવામાં આવ્યો છે. જોકે શહેરોની સાથે સાથે નગરો અને ગામોમાં પણ કોરોનાએ કાળો કેર વર્તાવતાં હવે લોકો સ્વયંભૂ લોકડાઉનનું પાલન કરવા તરફ આગળ વધી રહ્યાં છે. પહેલેથી જ સમજુ એવી ગુજરાતી પ્રજા જાણે છે કે સ્વએ જાગ્યા વિના ઉદ્ધાર નથી, જેને પગલે આજે એટલે કે શનિ અને રવિવારે અંશત:લોકડાઉનનું પાલન કરીને ઘરમાં રહેવાના છે. આ બે દિવસ સુધી અનેક ગામ, શહેર અને નગરોમાં લોકડાઉન જેવો માહોલ જોવા મળશે.

શહેરો બાદ ગામડાં અને નગરોએ ક્યાંક પૂર્ણ તો ક્યાંક અંશત: લોકડાઉનનો અમલ કરવાની ફરજ પડી છે. સંક્રમણને આગળ વધતું અટકાવવા માટે રાજ્યનાં 100થી વધુ ગામો અને નગરોમાં સ્થાનિક તંત્ર, વેપારીઓ દ્વારા જુદા જુદા સમયે કોરોના કર્ફ્યૂ લાગુ કરવાનો નિર્ણય કરાયો છે.

સરકારે આર્થિક અને વેક્સિનેશન જેવા અનેક કારણોસર ભલે લોકડાઉન જાહેર કર્યું નથી, પરંતુ જનતા કર્ફ્યૂનો માહોલ ફરી જમાવીને કોરોનાને ઘર ભેગો કરવાનું આપણે નિર્ણય લઈ લીધો છે. જેથી આજે દૂધ-શાકભાજી અને દવા જેવી જીવન જરૂરી વસ્તુઓ લેવા જ લોકો બહાર નીકળશે. આ સિવાય ક્યાંય પણ ખોટી રીતે લોકો બહાર દેખાશે નહીં. જો સ્વયં શિસ્તમાં આવીને આપણે જાતને લોકડાઉન કરીએ અને તેની સાથે સાથે માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખીએ તો કોરોના મહામારી તો શું માનવજાત સામે ગમે એવી મહામારી કેમ ન આવે આપણે તેની સામે અચૂક વિજય મેળવી શકીએ એવા કાળા માથાનામાનવી છીએ.

આ શનિ-રવિ મોટા ભાગના ગામડાઓમાં તો બજારો બંધ જ રહેવાની છે. પરંતુ તેની સાથે સાથે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં પણ લોકો કામ સિવાય બહાર આવશે નહીં. જો કામ સિવાય બહાર જઈશું તો ચેપનો ભોગ બની શકીએ. જેથી સૌ કોઈએ કોરોનાને ખોખરો કરવા જાતે જ સોશિયલ ગેધરિંગ ટાળવાનું છે.

ગુજરાત પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ સંજય જોશીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી જણાવ્યું કે આગામી એક મહિના સુધી સમગ્ર ગુજરાતના દરેક પાન-મસાલાના ગલ્લા માલિકો દ્વારા દર શનિ-રવિ સ્વયંભૂ બંધ પાળી લોકોના આરોગ્ય હેતુસર સરકારને સહયોગ આપશે.

રાજકોટ શહેરમાં સતત વધતા કોરોના સંક્રમણને ધ્યાને રાખી શહેરમાં પાન એસોસિયેશન દ્વારા આગામી શનિ અને રવિવાર એમ કુલ બે દિવસ માટે બંધ પાડી સ્વયંભૂ લોકડાઉન કરવા નિર્ણય કર્યો છે. જેમાં એસોસિએશન સાથે જોડાયેલ 1100 દુકાનદારો જોડાઇ બે દિવસ સ્વયંભૂ લોકડાઉનમાં જોડાશે. આ ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સ અને પેલેસ રોડના ખ્યાતનામ જ્વેલર્સ પણ શનિ-રવિ બંધ પાડી સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે. જ્યાં ચેમ્બર સાથે 28 થી 30 એસોસિએશન જોડાઈને તમામ વેપાર ઉદ્યોગ બંધ રાખશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો