Home Blog

હાઈકોર્ટે માંગેલી વિગતો એફીડેવિટમાં રજુ જ ન કરી મોરબી નગરપાલિકાને ઝુલતા પુલની સુરક્ષાને બદલે ટીકીટના ભાવ તથા કમાણીમાં વધુ રસ હતો: હાઈકોર્ટે ઉધડો લીધો

12મી ડિસેમ્બર સુધીમાં સંચાલન કરાર વિશે જવાબ રજુ કરવા નગરપાલિકા તથા રાજય સરકારને આદેશ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-11-2022

મોરબીમાં 135 લોકોનો ભોગ લેનારી ઝુલતા પુલ દુર્ઘટનાની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે મોરબી નગરપાલિકાની આકરી ઝાટકણી કાઢી હતી. પુલની સુરક્ષા કરતા ટિકીટના ભાવ નકકી કરવામાં તથા કમાણી કરવામાં વધુ રસ લીધો હોવાની ટકોર કરી હતી.

અદાલતના આદેશ બાદ મોરબી નગરપાલિકાએ ઝુલતા પુલની જાળવણી, સંચાલન તથા આવક સંબંધી ઓરેવા કંપની સાથેના કરારની વિગતો સાથેનું સોગંદનામુ રજુ કર્યુ હતું પરંતુ અદાલતે 16 નવેમ્બરે જે વિગતો આપવા આદેશ કર્યો હતો તે પેશ કરવામાં આવી ન હતી.

હાઈકોર્ટે 29 ડિસેમ્બર 2021ના રોજ અજંતા કંપનીએ નગરપાલિકાના ચીફ ઓફીસરને પાઠવેલો પત્ર લક્ષ્યમાં લીધો હતો. આ પત્રમાં કંપનીએ લખ્યું હતું કે ઝુલતો પુલ ખરાબ હાલતમાં છે અને માત્ર કામચલાઉ રીપેરીંગ જ થઈ રહ્યું છે. ગમે ત્યારે કોઈ દુર્ઘટના સર્જાઈ શકે છે. આ મામલે અનેક વખત ધ્યાન દોર્યુ છે અને તેને ધ્યાને લેવા વિનંતી છે. પ્રત્યુતરમાં નગરપાલિકાએ સુરક્ષા પાસાનો કોઈ ઉલ્લેખ કર્યા વિના કંપનીને એમ કહી દીધું હતું કે ઝુલતા પુલનો કબ્જો પરત સોંપી દો અથવા ટિકીટના ભાવ નહીં વધારવાની વાતનો સ્વીકાર કરો.

આ પત્રના આધારે કોર્ટે એવી ટકોર કરી હતી કે નગરપાલિકાને માત્ર ટિકીટના ભાવ અને કમાણીમાં જ રસ હતા. સુરક્ષા પાસાને ગંભીર ગણવાને બદલે ભાવને પ્રાથમીકતા આપી હતી. 19 જાન્યુઆરી 2022ના આ પત્રમાં નગરપાલિકાએ કંપનીએ પુલની ખરાબ હાલતની ચેતવણીને લક્ષ્યમાં લીધી ન હતી.

અદાલતે નગરપાલિકા તથા કંપની બન્નેની ઝાટકણી કાઢતા એવી ટીપ્પણી કરીહતી કે રીપેરીંગને મહત્વ આપવાના બદલે પુલના કબ્જા માટે જ પ્રયાસો થયા હતા. 2017માં કરાર ખત્મ થઈ ગયા પછી પણ કંપનીને સંચાલન કેમ ચાલુ રખાયુ તે સવાલ પણ વારંવાર પુછયો હતો ત્યારે એવો જવાબ અપાયો હતો કે કોઈએ મંજુરી આપી ન હતી. રીપેરીંગ કામનું આઉટસોર્સિંગ કરવાના પણ અજંતાને અધિકાર ન હતા. પુલ નગરપાલિકા તથા જીલ્લા કલેકટરની સંપતિ છે અને 2008માં સંચાલનના કરાર થયાનું કહેવાતા હાઈકોર્ટે નગરપાલિકા તથા રાજય સરકાર બન્નેને 12મી ડિસેમ્બર સુધી જવાબ આપવા આદેશ કર્યો હતો.

► નગરપાલિકાને સુપરસીડ કરો; ચીફ ઓફીસર સામે પગલા લ્યો

કોઈ કાર્યવાહી ન થતા વડીઅદાલત નારાજ

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના વિશે હાઈકોર્ટે રાજય સરકાર તથા નગરપાલિકાની આકરી ઝાટકણી કાઢી જ હતી. સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમના રિપોર્ટના વાંકે નગરપાલિકાના ચીફ ઓફીસર એસ.વી.ઝાલા સામે કોઈ પગલા નહીં લેવાયા મામલે પણ નારાજગી દર્શાવી હતી.

અદાલતે એવી ટીપ્પણી કરી હતી કે ખાતાકીય પગલા સરકારના કાર્યક્ષેત્રમાં જ છે અને તેમાં તપાસ ટીમના રિપોર્ટની જરૂર નથી. તાત્કાલીક ગેરશિસ્તના પગલા લઈને આગામી સુનાવણીમાં તેનો રિપોર્ટ રજુ કરવાનો આદેશ કર્યો હતો.

ઝુલતા પુલ દુર્ઘટનામાં નગરપાલિકાની બેદરકારી પણ સામે આવી જ છે ત્યારે ગુજરાત મ્યુનીસીપાલીટી એકટના કલમ 263 હેઠળ મોરબી નગરપાલિકાને વિખેરી નાખવા અથવા સુપરસીડ કરવાનું પણ સૂચવ્યુ હતું.

રાજય સરકારે એવી દલીલ કરીહતી કે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમના રીપોર્ટના આધારે પગલા લેવાનો ઈરાદો છે. તપાસ ટીમને એફએસએલ રીપોર્ટની પ્રતિક્ષા છે.

સજાતીય કપલની લગ્નની માગઃ કેન્દ્રને જવાબ આપવા સુપ્રીમનો આદેશ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-11-2022

સુપ્રીમ કોર્ટમાં સજાતીય લગ્નની માગણી સાથે બે કપલે અરજી કરી છે. એ સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સ્પેશિયલ મેરેજ એક્ટ પ્રમાણે લગ્નની નોંધણી શક્ય છે કે નહીં તે બાબતે કેન્દ્રને જવાબ આપવાનો આદેશ સુપ્રીમે કર્યો છે.

સુપ્રીમ કોર્ટમાં બે ગે કપલે લગ્નની મંજૂરી આપવાની માગણી કરતી અરજી કરી છે. સ્પેશિયલ મેરેજ એક્ટ-૧૯૫૪ અંતર્ગત સજાતીય લગ્નને પરવાનગી આપીને નોંધણી કરવાની રજૂઆત સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. એ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને એટર્ની જનરલને નોટિસ પાઠવીને ચાર સપ્તાહમાં જવાબ આપવાનો નિર્દેશ કર્યો છે.

સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત સજાતીય લગ્નની નોંધણી શક્ય છે કે નહીં તે બાબતે હવે કેન્દ્ર સરકાર સુપ્રીમમાં જવાબ આપશે તે પછી વધુ સુનાવણી થશે. મુખ્ય ન્યાયધીશ ડી. વાય ચંદ્રચૂડ અને હિમા કોહલીની બેંચે આ કેસની સુનાવણી કરી હતી.

ઉલ્લેખયની છે કે ૧૦ વર્ષની સાથે રહેતા એક કપલે પીઆઈએ કરી છે. બીજી અરજી ૧૭ વર્ષથી સાથે રહેતા ગે કપલે કરી છે. આ કપલ બે બાળકોની દેખભાળ રાખે છે, પરંતુ સત્તાવાર રીતે લગ્નની પ્રક્રિયા પૂરી થઈ નથી એટલે બાળકો સાથે કાયદાકીય સંબંધ રાખી શકતા નથી. બંનેની એક સરખી માગણી હોવાથી સુપ્રીમે બેય અરજીની સુનાવણી એકસાથે શરૃ કરી છે.

દિલ્હી હાઈકોર્ટ અને કેરળ હાઈકોર્ટમાં પણ સ્પેશિયલ મેરેજ એક્ટ, ફોરેન મેરેજ એક્ટ અને હિન્દુ મેરેજ એક્ટ એમ અલગ અલગ પ્રકારની માગણી સાથે ૯ જેટલી અરજીઓ પેન્ડિંગ છે. આ અરજીઓને સુપ્રીમમાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

મોરબીના બોરિયાપાટીના રહીશો દ્વારા મતદાન બહિષ્કાર

પ્રાથમિક સુવિધા નહીં મળતી હોવાથી નિર્ણય: કલેકટરને આવેદન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-11-2022

ગુજરાતમાં મતદાનને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. રાજકીય નેતાઓએ પોતાના પક્ષને જીતાડવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે મોરબીનાં છેવાડાના વિસ્તારમાં આવેલ બોરીયાપાટીના વાડી વિસ્તારના રહીશોએ પાયાની સવલતોન અભાવે ચુંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.

આ અંગે બોરીયાપાટી વાડી વિસ્તાર ખાતે રહેતા સમસ્ત સતવારા સમાજના રહીશો દ્વારા ચૂંટણી અધિકારી અને મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આ મુદ્દે આવેદનપત્રમાં રહીશો દ્વારા જણાવ્યા અનુસાર વોર્ડ નં.12ના વિસ્તારમાં વાડી વિસ્તારમાં પાણી, લાઈટ, પોસ્ટ-ટપાલ, રોડ-રસ્તા, સફાઈ સહિતની મૂળભૂત સુવિધાઓનો વર્ષોથી અભાવ છે. આ વિસ્તારમાં સતવારા સમાજની કુલ 21 જેટલીઓ વાડી વિસ્તાર આવેલ આવેલો છે. ટોટલ 3500 જેટલી વસ્તી આવેલ છે. 2 બુથો અને આશરે 1800થી 2200 જેટલાં મતદારોનો સમાવેશ થાય છે. જેમાં ખેડુતો તેમજ શ્રમિક વર્ગનો સમાવેશ થાય છે.

તેઓ વર્ષોથી નિયમિત મતદાન કરે છે. છેલ્લા 20 વર્ષથી તેમના વિસ્તારનો મોરબી નગરપાલીકામાં સમાવેશ પણ કરવામાં આવ્યો છે છતાં પાલીકા દ્વારા તેમને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા છે. આ મુદ્દે તેમણે સરકારી કચેરીઓમાં તેમજ નેતાઓને અનેક વખત રજુઆત કરી છે પરંતુ તેઓને આજ સુધી પ્રાથમિક સુવીધાઓ પ્રાપ્ત થઈ નથી.

વધુમાં રહીશોએ કહ્યું હતું, તેમણે 2020ની પેટા ચુટણીનો પણ બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. એ વખતે તેમના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો વાયદો લઈને સ્થાનીકથી લઈને રાજ્ય સ્તરના રાજકીય આગેવાનોએ બાંહેધરી લીધી હતી કે 3 જ મહિનામાં કામ ચાલુ થઇ જશે. આ વચનને 2 વર્ષ પૂર્ણ થશે છતાં હજુ સુધી સુવિધા પ્રાપ્ત નથી થઈ જેથી તેમણે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.

તમામ બ્રિજનો સરવે કરી 10 દી’માં રિપોર્ટ આપો: હાઈકોર્ટ

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાની સુનાવણી દરમિયાન હુકમ, માતા-પિતા ગુમાવનાર બાળકોને 37 લાખનું વળતર ચૂકવો, મૃતકોની યાદીમાં જ્ઞાતિના ઉલ્લેખ સામે વ્યક્ત કરેલી નારાજગી, 12મીએ ફરી સુનાવણી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-11-2022

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાની સુનાવણી દરમિયા મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના મામલે હાઈકોર્ટે આજે રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે મૃતકો માટે 4 લાખનું વળતર પુરતુ નથી. સરકારે ઓછામાં ઓછું 10 લાખનું વળતર આપવું જોઈએ કોર્ટે રાજ્યના તમામ બ્રીજનો સર્વે કરી 10 દિવસમાં રિપોર્ટ આપવા પણ તાકીદ કરી છે.હાઈકોર્ટે જણાવ્યું હતું કે મૃતકોના પરિવારજનોને ચુકવવામાં આવેલ રકમથી સંતોષ નથી. મૃતકોના પરિવારજનોને ચાર લાખનું વળતર પુરતું નથી. યોગ્ય વળતર ચૂકવવું એ પણ સમયની જરૂૂરિયાત છે. ગંભીર રીતે ઘાયલોને ચૂકવવામાં આવતું વળતર પણ ઓછું છે. 10 લાખનું વળતર આપવું જોઈએ. દુર્ઘટનામાં 7 બાળકોએ માતા-પિતા ગુમાવ્યા છે. પ્રત્યેક બાળકોને 37 લાખ રૂૂપિયા સરકાર તરફથી આપવામાં આવશે. આ ઉપરાંત હાઈકોર્ટે રાજ્યભરમાં તમામ બ્રિજનો સર્વે કરાવવા આદેશ કર્યા છે. 10 દિવસમાં સમગ્ર અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. જેમાં હાઈકોર્ટે તમામ બ્રિજની યાદી માંગી છે.

આ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો અને મૃતકોના પરિજનો તથા ઈજાગ્રસ્તોને અપાયેલું વળતર ખૂબ ઓછું હોવાની ટકોર કરી હતી. સાથે જ હાઈકોર્ટે ગુજરાતમાં તમામ બ્રિજનો સર્વે કરવાનો અને તેમની સ્થિતિ વિશેનો રિપોર્ટ 10 દિવસમાં જમા કરાવવાનો આદેશ કર્યો છે.

ચીફ જસ્ટીસ અરવિંદ કુમારે કહ્યું કે, રાજ્યમાં જે પણ અધિકારીઓ આ પ્રકારના બ્રિજનું મોનિટરિંગ, મેનેજિંગ કે ક્ધટ્રોલિંગ કરે છે તેઓ સુનિશ્ચિત કરે તે તેમના વિસ્તારના બ્રિજ યોગ્ય સ્થિતિમાં હોય. બ્રિજ કાર્યક્ષમ સ્થિતિમાં હોય તેની ખાતરી કરો અને કોઈપણ દુર્ઘટનાને અટકાવવા માટે જરૂૂરી પગલા લો. હાઈકોર્ટે આ સાથે જ સરકાર પાસેથી ગુજરાતમાં રહેલા બ્રિજનો આંકડો, તેમની સ્થિતિનું એન્જિનિયર પાસેથી ઈન્સ્પેક્શન કરાવી સર્ટિફિકેટ 10 દિવસની અંદર જમા કરવાનો આદેશ કર્યો છે.

આ સાથે જ હાઈકોર્ટે મોરબી દુર્ઘટનામાં મૃતકોના પરિજનો અને ઈજાગ્રસ્તોને અપાયેલા વળતર મુદ્દે પણ સરકારને ટકોર કરી હતી. હાઇકોર્ટે કહ્યું કે, ગંભીર રીતે ઈજાગ્રસ્તોને આપવામાં આવેલું વળતર ખૂબ જ ઓછું છે. વળતર અત્યારના સમયની જરૂૂરિયાત મુજબનું હોવું જોઈએ.

આ માટે સરકારને વળતરની પોલિસીનું વિગતવાર એફિડેવિટ રજૂ કરવા કહ્યું છે. કોર્ટે કહ્યું કે, મોરબી દુર્ઘટનામાં અનાથ બાળકોને મહિને 3 હજારનું વળતર કંઈ નથી. માત્ર સ્કૂલના યુનિફોર્મ અને પુસ્તકોનો ખર્ચ 3 હજારથી વધુ થાય છે. અમે આ ચૂકવેલા વળતરથી સંમત નથી, તે ડબલ અથવા 10 લાખ સુધી હોવું જોઈએ.

નોંધનીય છે કે, મોરબી દુર્ઘટનામાં 7 બાળકોએ માતા-પિતા બંને ગુમાવી દીધા હતા, જ્યારે 12 બાળકોએ માતા અથવા પિતા ગુમાવી દીધા છે. ઉપરાંત કોર્ટે મૃતકોની યાદીમાં તેમની જાતિ દર્શાવવાનો પણ વિરોધ કર્યો હતો. હાઇકોર્ટે મોરબી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ 135 મૃતકોના આશ્રિતોની સંપૂર્ણ વિગતો સાથેની યાદી માગી છે. વધુ સુનાવણી 12મીએ રાખવામાં આવી છે.ન હુકમ, માતા-પિતા ગુમાવનાર બાળકોને 37 લાખનું વળતર ચૂકવો, મૃતકોની યાદીમાં જ્ઞાતિના ઉલ્લેખ સામે વ્યક્ત કરેલી નારાજગી, 12મીએ ફરી સુનાવણી

મોરબી: આદર્શ આચારસંહિતાના અમલ માટે જિલ્લા પોલીસ ઓબ્સર્વરની નિમણુંક કરાઈ

સવારે ૧૦ થી ૧૨ દરમિયાન ઓબ્સર્વરનો ધ ફર્ન હોટલ ખાતે રૂબરૂ સંપર્ક થઈ શકશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-11-2022

આગામી વિધાનસભા ચૂંટણી -૨૦૨૨ માટે મોરબી જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલમાં છે. ચૂંટણી પંચના દિશા નિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે મોરબી જિલ્લાની ૬૫-મોરબી, ૬૬-ટંકારા, ૬૭-વાંકાનેર વિધાનસભા બેઠકો પર પોલીસ ઓબ્ઝર્વર  (Police Observer ) તરીકે   કે.એજીલઅરેશન.IPS (Mr. K. EjilearassaneIPS)ની નિમણૂંક કરવામાં આવી છે. જેઓનો સંપર્ક મોબાઈલ નંબર: ૯૬૩૮૮ ૫૦૦૮૩, લેન્ડલાઈન નંબર: ૦૨૮૨૨-૨૯૯૩૧૩ પર તથા રૂબરૂ ધ ફર્ન હોટલ, રૂમ નંબર ૩૩૧, ખાતે સવારના કલાક ૧૦:૦૦ થી કલાક ૧૨:૦૦ સુધી થઇ શકશે તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ.કાથડની યાદીમાં જણાવાયું છે.

LATEST NEWS

error: Content is protected !!