કરદાતાઓની સુવિધા માટે નવા-નવા સુધારા કરતા આવકવેરા વિભાગે પોર્ટલ પર વધુ એક સુવિધા શરૂ કરી છે જેની મદદથી એક જ કલીકના આધારે કરદાતા આવકવેરા વિભાગની તમામ નોટીસો જોઈ શકશે. નવા ઈ-પ્રોસીડીંગ સેકશનમાં આ સુવિધા જોડવામાં આવી છે.
આવકવેરા વિભાગ દ્વારા એક પ્રશ્નોતરી જારી કરીને નવા ફિચર વિશે જાણકારી આપવામાં આવી છે. ઈ-ફાઈલીંગ પોર્ટલ પર ઉપલબ્ધ ઈ-પ્રોસીડીંગ ટેબમાં આવકવેરા વિભાગે જારી કરેલી તમામ નોટીસ, ઈન્ટીમેશન તથા પત્રો એક જ સ્થળે નિહાળી શકાશે.
નવા ટેબ પર કલીક કરવાની સાથે જ તમામ નોટીસ અને પેન્ડીંગ ટેકસની વિગતો મળી શકશે અને તેનો ઓનલાઈન જવાબ પણ આપી શકાશે. ટેબમાં સર્વેનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે તેના આધારે કરદાતા સરળતાથી કોઈ ચોકકસ નોટીસ અલગ તારવી શકે છે.
કરદાતા દ્વારા આવકવેરા રીટર્ન ફાઈલ કરવામાં ન આવે અથવા બેંક, વ્યાજ, પ્રોપર્ટી ભાડા કે તેના વેચાણની આવક કે અન્ય મોટા વ્યવહારોની માહિતી આપવામાં ન આવે તો વિભિન્ન જોગવાઈઓ હેઠળ નોટીસ ઈસ્યુ કરવામાં આવતી હોય છે. ચાલુ વર્ષે નોટીસ મેળવનારા કરદાતાઓને જવાબ આપવાની મુદત 30 જૂન હોય છે.