હવે ‘ડાયરા’ બંધ: ક્ષત્રિય સમાજે આંદોલન બાદ નવો ચીલો પાડયો

રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી અભદ્ર ટિપ્પણી સામે શરૂ થયેલું આંદોલને મોટુ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ભાજપની સામે મેદાને ઉતરેલ ક્ષત્રિય સમાજે પોતાની એકતાના દર્શન કરાવી ભાજપ વિરૂધ્ધ મતદાન કરાવવાનો નિર્ણય લીધો હતો હવે મતદાન પૂર્ણ થઈ ગયું છે ત્યારે ક્ષત્રિય સમાજે ફરી એક નવો ચીલો પાડી ડાયરા બંધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટ લોકસભાના ઉમેદવાર સામે 45 દિવસ સુધી ક્ષત્રિય સમાજે અસ્મીતા આંદોલન ચલાવ્યું હતું જેમાં જુદા જુદા સમાજે ટેકો જાહેર કરી આંદોલનમાં જોડાયા હતાં. 45 દિવસ સુધી ચાલેલા આંદોલનમાં ક્ષત્રિય સમાજનાં ટેકામાં એક પણ ડાયરાના કલાકારો આવ્યા નહોતા જેના કારણે સોશ્યલ મીડિયામાં ‘બોય કોટ ડાયરા’ના મેસેજ વાયરલ થયા હતાં.

ક્ષત્રિય સમાજનું આંદોલન મતદાન પૂર્ણ થતાં જ પુરુ થઈ ગયું છે ત્યારે હવે ક્ષત્રિય સમાજે એક નવો ચીલો પાડયો છે જેમાં ડાયરા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરી કલાકારો પાછળ ઘોર કરવાના બહાને લાખો રૂપિયા ઉડાવી દેતા હોય છે. જે રૂપિયા અને સમયનો વ્યય થતો હોવાનું અને કલાકારો ખરા ટાણેજ ક્ષત્રિય સમાજની બાજુમાં ઉભો નહીં રહેતાં હવે ડાયરા બંધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ક્ષત્રિય સમાજ દ્વારા સોશ્યલ મીડિયાના તમામ ગ્રુપમાં લોકડાયરા પાછળ પૈસાનો વ્યય કરવાને બદલે હવે રાજપૂત સમાજની સામાજિક સંસ્થાઓ અને કન્યા કેળવણી પાછળ ખર્ચ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ડાયરાના બદલે લાખો રૂપિયા સામાજિક સંસ્થાઓને દાન કરવાની પહેલ કરવામાં આવી છે જેના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં ટૂંક સમયમાં ક્ષત્રિય સમાજની કન્યાઓ માટે સંકુલ પણ બનાવવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.