Home Blog

પધારો આદર્શ મતદાન મથકમાં ! -મોરબીના ધરમપુર ખાતે સિરામીક ઈન્ડસ્ટ્રીની થીમ આધારિત સવિશેષ મતદાન મથક

જિલ્લા ચૂંટણી અધિકારી કે.બી. ઝવેરીના માર્ગદર્શનમાં તૈયાર કરાયેલ સિરામીક મતદાન મથક જિલ્લાની ઔદ્યોગિક બાબતોને પ્રદર્શિત કરશે

મોરબીમાં લોકસભાની ચૂંટણી અન્વયે જિલ્લામાં સવિશેષ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. ત્યારે સખી મતદાન મથક, દિવ્યાંગ સંચાલીત મતદાન મથકોની સાથે ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તારમાં આવેલા ધરમપુર ખાતે મોરબી સિરામીક ઉદ્યોગની જ્વલંત સફળ યાત્રાને પ્રદર્શિત કરતું સવિશેષ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે.

સમગ્ર ગુજરાતની સાથે ગણતરીના કલાકોમાં મોરબી જિલ્લામાં પણ હાલ લોકસભાની ચૂંટણી અન્વયે મતદાન યોજાનાર છે. જેને ધ્યાનમાં રાખી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે, જિલ્લામાં મતદાન મથકો પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. સામાન્ય મતદાન મથકો સિવાય પણ જિલ્લામાં સવિશેષ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જેની સાથે જે તે જિલ્લાની ઓળખ સાથે જોડાયેલા મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે ત્યારે મોરબી ખાતે સિરામીક ઉદ્યોગની આગવી ઓળખ અને સિરામીક ઉદ્યોગની સિરામીક ઉદ્યોગની જ્વલંત સફળ યાત્રાને પ્રદર્શિત કરતું મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે.

મતદાન મથક ઉભું કરવા માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ સવિશેષ મતદાન મથકમાં સિરામીક ઉદ્યોગની સિદ્ધીઓ અને સિરામીક ઉદ્યોગની જ્વલંત સફળ યાત્રાને દર્શાવવામાં આવી છે. વિશ્વનું બીજુ સૌથી મોટું સિરામીક કલસ્ટર, મોરબી જિલ્લાના સિરામીક ઉદ્યોગની વિશેષતાઓ અને સિરામીક ઉદ્યોગમાં નળિયાથી વિક્ટ્રીફાઈ સુધીની સફરની થીમ આધારિત મતદાન મથકમાં વિશેષતાઓ ઉભી કરવામાં આવી છે. ઉપરાંત સિરામીક ઉદ્યોગ સંલગ્ન ટાઈલ્સ અને અન્ય સિરામીક પ્રોડક્ટ પણ પ્રદર્શનમાં મુકવામાં આવી છે.     

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર   કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી   કુલદીપસિંહ વાળા અને સમગ્ર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મોરબી આ મતદાન મથક ખાતે સિરામીક ઉદ્યોગનો ટુંકો ઈતિહાસ, ટર્ન ઓવર, કેટલા લોકોને રોજગારી આપવામાં આવે છે વગેરે બાબતોને ધ્યાનમાં રાખી મતદાન મથક ઉભુ કરવામાં આવ્યું છે.

મહિલા મતદાર મતદાન કરે તો લોટરી; ૭ મેના રોજ મોરબીના પાર્લરમાં ફ્રી આઈબ્રોસ અને હેર કટિંગ

મહિલાઓમાં મતદાન વધારવા મોરબીના Uma’s saloon ની આકર્ષક ઓફર

મોરબી જિલ્લામાં મતદારોને મતદાન કરવા માટે આકર્ષિત કરવા જિલ્લા ચૂંટણી તંત્રના પ્રયાસોની સાથે મોરબી જિલ્લામાં મહિલા મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા મોરબીના Uma’s saloon માં આકર્ષક ઓફર બનાવવામાં આવી છે.

મોરબી જિલ્લાના મતદારોને મતદાનનું મહત્વ સમજાવી તેમજ મતદાન કરવા માટે આકર્ષિત કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર KB ઝવેરીના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા તેમજ સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ આયોજનો અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ આયોજનની સમાંતર મોરબીમાં અનેક એસોસિએશન, સંસ્થાઓ અને વેપારીઓ દ્વારા આકર્ષક ઓફર બનાવી મતદારોને મતદાન કરવા આકર્ષિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે મોરબીની Uma’s saloon માં મહિલા મતદાર માટે ખાસ ઓફર બનાવવામાં આવી છે. જે અન્વય જે મહિલા મતદાન કરી પાર્લરમાં આવશે તેમને ૭મી મેના રોજ આઇબ્રોઝ અને હેર કટ વિનામૂલ્ય કરી આપવામાં આવશે.

મોરબીના ઉમા સોમૈયા દ્વારા મહિલા મતદારો માટે આ આકર્ષક ઓફર બનાવવામાં આવી છે. વધુમાં તેમણે મોરબીમાં મહિલાઓ સહિત તમામ લોકોને અવશ્ય મતદાન કરી લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા અપીલ કરી છે.

મોરબી દોડ્યું વોટ માટે; કલેક્ટર સહિતના અધિકારીઓ-કર્મચારીઓએ ઉત્સાહભેર જોડાયા

લોકસભાની ચૂંટણી અન્વયે યોજાનાર મતદાનને હવે ગણતરીનો સમય જ બાકી છે ત્યારે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન માટે લોકોને જાગૃત કરવા માટે અવનવા કાર્યક્રમો અને આયોજનો હાથ ધરવામાં આવી રહ્યા છે જે અન્વયે રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે યોજાયેલી આ દોડમાં નગરજનો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા.

જેમાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારી અને કર્મચારીઓ પણ જોડાયા હતા. વોટ માટે દોટ મૂકી સૌ અવશ્ય મતદાન કરવા સંકલ્પબદ્ધ બન્યા હતા તેમજ અન્ય લોકોને પણ જાગૃત કર્યા હતા. અને કલેક્ટર કે.બી. ઝવેરીએ 7 મી મેના રોજ મોરબી, ટંકારા અને વાંકાનેર સહિત સમગ્ર મોરબી જિલ્લાના 18 વર્ષ ઉપરના તમામ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાનની આ પવિત્ર ફરજ અવશ્ય અદા કરે તેવી અપીલ કરી હતી મોરબીના ઉમિયા સર્કલથી શરૂ કરી રવાપર ચોકડી સુધી 1500 મીટર જેટલા અંતરમાં દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.  

મોરબી સહિત ત્રણ વિધાનસભા વિસ્તારમાં ૪૫૦ મતદાન મથકોનું વેબ કાસ્ટિંગ થકી  ત્રીજી આંખ નજર રાખશે

૭ મે લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. મતદાનને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. મોરબી જિલ્લામાં કુલ ૮૮૯ મતદાન મથકો આવેલા છે. જેમાંથી ૪૫૦ મતદાન મથકોની વેબ કાસ્ટીંગ કરવામાં આવશે જેમાં મોરબીમાં ૧૫૧, ટંકારામાં ૧૪૬ અને વાંકાનેરમાં ૧૫૩ મતદાન મથકો આવેલા છે. મોરબી જિલ્લામાં ૪૫૦ મતદાન મથક પર વેબકાસ્ટિંગ માટે સીસીટીવી સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. તેમજ વેબ કાસ્ટીંગ નોડલ અધિકારી એસ.જે. ખાચરના માર્ગદર્શન હેઠળ નોડલ અધિકારીરમેશ ગોહિલ સહિતના અધિકારીઓએ જહેમત ઉઠાવી રહ્યા છે.

લોકશાહીના મહાપર્વની ઉજવણી માટે મોરબી જિલ્લો મતદાન માટે સજ્જ

સવારે ૭:૦૦ વાગ્યાથી સાંજના ૬:૦૦ વાગ્યા સુધી કરી શકાશે મતદાન, મતદાન ઓળખ માટે ચૂંટણી પંચે વિવિધ ૧૨ પ્રકારના આધારોને રાખ્યા છે માન્ય

મોરબી તા.૬ મે, મોરબી જિલ્લામાં આવતીકાલે શાંતિપૂર્ણ વાતાવરણમાં સમગ્ર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર  કે.બી.ઝવેરીના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી તમામ કામગીરી કરાઇ રહી છે. અને મતદાન મથકો ખાતે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

મતદાનનો સમય તા.૭ મે સવારના ૭:૦૦ વાગ્યાથી સાંજના ૬:૦૦ વાગ્યા સુધીનો છે. મતદાર માહિતી કાપલી માત્ર માહિતી માટે જ છે મતદાન માટે ઓળખનો પુરાવો નથી. મતદાન મથકે મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે. મતદાન માટે સવેતન રજા મળે છે. જો ન મળે તો ૧૯૫૦ પર ફરિયાદ કરી શકાય છે. દરેક નાગરિકે પોતાની મતદાનની ફરજ નિભાવી સપરિવર મતદાન કરવા અવશ્ય જવું જોઈએ.

મતદારો માટે ચૂંટણીકાર્ડ ઉપરાંતના વૈકલ્પિક પુરાવા

મતદારો જ્યારે મતદાન કરવા જાય ત્યારે મતદાર કાપલી સિવાય પણ એક પુરાવો લઈ જવાનો રહેશે. જેમાં ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ, મનરેગા જોબ કાર્ડ, પાસબુક(બેન્ક/પોસ્ટ ઓફિસ દ્વારા ઇસ્યુ કરાયેલ ફોટો સાથેની), લેબર મિનિસ્ટ્રી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ હેલ્થ ઈન્સ્યોરન્સ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, સ્માર્ટકાર્ડ(NPR અંતર્ગત RGI દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ), ભારતીય પાસપોર્ટ, ફોટો સાથેનું પેન્શન ડોક્યુમેન્ટ, રાજ્ય/કેન્દ્ર સરકાર,પી.એસ.યુ. દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ ફોટા સાથેનું સેવા ઓળખપત્ર, ઓફિશિયલ આઈ. ડી. કાર્ડ (એમ.પી./એમ. એલ.એ), યુનિક ડિસેબીલીટી આઈડી માન્ય રહેશે.

મતદાન મથક ખાતેની સુવિધાઓ

વ્હીલચેર, સ્વયંસેવક, લઘુતમ સુવિધાઓ જેવી કે પીવાનું પાણી, દિવ્યાંગો માટે રેમ્પ, ટોઇલેટ વગેરે, તમામ મતદાન મથકના સ્થળોએ મતદાન સહાયતા બુથ, ઓ.આર.એસ, મેડિકલ કીટ, બેસવા માટેની ખુરશીઓ, પંખો, શેડ તેમજ ૮૫ થી વધુ વયના મતદારો અને ૪૦% થી વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારો માટે ફ્રી ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

LATEST NEWS

error: Content is protected !!