799 ચોરસ કિલોમીટર સાથે રાજ્યનો કચ્છ જિલ્લો મેન્ગ્રોવ કવરમાં અગ્રેસર
ગુજરાતે છેલ્લા 3 દાયકાઓમાં મેન્ગ્રોવ (ચેર) વૃક્ષોના ક્ષેત્રમાં નોંધપાત્ર વધારો કર્યો છે, જે પર્યાવરણીય સંરક્ષણનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ગુજરાત મેન્ગ્રોવ વૃક્ષોના સંરક્ષણમાં દેશના અગ્રણી રાજ્યોમાંનું એક બન્યું છે. રાષ્ટ્રીય સ્તરે ગુજરાત રાજ્ય મેન્ગ્રોવ વિસ્તારની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ બાદ બીજા ક્રમે આવે છે.
ગુજરાતમાં મેન્ગ્રોવ વૃક્ષોનું ક્ષેત્ર, 1991માં 397 ચોરસ કિલોમીટરથી વધીને 2021માં 1,175 ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારના મેન્ગ્રોવના વાવેતર અને સંરક્ષણ માટેના સતત પ્રયાસો ફળ્યા છે, જે પર્યાવરણીય સંરક્ષણ માટે રાજ્યને એક મોડલ તરીકે પ્રદર્શિત કરે છે.
મેન્ગ્રોવ કવરમાં વધારો કરવાથી ધોવાણ અને ભારે હવામાનની ઘટનાઓ સામે દરિયાકાંઠાની સ્થિતિસ્થાપકતા પણ મજબૂત બને છે. જે રાજ્યના દરિયાકાંઠાના સમુદાયો અને ઇકોસિસ્ટમ માટે ટકાઉ ભવિષ્ય સુનિશ્ચિત કરે છે. મેન્ગ્રોવ વૃક્ષોની મહત્વપૂર્ણ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી ગુજરાત સરકારે વર્ષ 2014-15 થી 2022-23 દરમિયાન મેન્ગ્રોવ વૃક્ષોના વાવેતરનું વ્યાપક અભિયાન હાથ ધર્યું હતું. ગુજરાતનું મેન્ગ્રોવ કવર વ્યૂહાત્મક રીતે રાજ્યના ચાર મુખ્ય વિસ્તારોમાં વહેંચાયેલું છે. રાજ્યનો કચ્છ જિલ્લો 799 ચોરસ કિલોમીટર મેન્ગ્રોવ કવર સાથે અગ્રેસર છે, જે રાજ્યના મેન્ગ્રોવ કવરનો મોટાભાગનો હિસ્સો ધરાવે છે.
ગુજરાતના વાર્ષિક વાવેતરના પ્રયાસો વર્ષ 2016-17માં 9,080 હેક્ટર સુધી વિસ્તર્યા હતા. 4,920 હેક્ટર વિસ્તારમાં નવા વાવેતરો સાથે, કચ્છના અખાતમાં સૌથી વધુ વાવેતર થયું હતું. વિવિધ વિસ્તારોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સતત ધોરણે વૃક્ષારોપણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વર્ષ 2023-24માં રાજ્યમાં 6930 હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રોવનું વાવેતર કરવામાં આવ્યું હતું અને વર્ષ 2024-25 દરમિયાન કુલ 12,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં મેન્ગ્રોવનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.