ભારત અને અમેરિકા તથા ભારત અને ઈસ્લામિક દેશો વચ્ચે સંબંધો સુધરતા જાય છે, ત્યારે ભારત – કેનેડાના સંબંધોમાં ઓચિંતી તિરાડ પડી છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડામાં થયેલી એક હત્યા પાછળ ભારતીય એજન્સીઓનો હાથ હોવાની વાત કરી તેનાથી આખી દુનિયા ચોંકી ઉઠી છે અને ભારત ગુસ્સે ભરાયું છે. જૂન મહિનામાં કેનેડામાં એક ગુરુદ્વારા બહાર ખાલિસ્તાન તરફી આગેવાન હરદીપ સિંહ નિજ્જરની હત્યા થઈ હતી. આ હત્યાનો ભેદ હજુ ઉકેલાયો નથી પણ જસ્ટિન ટ્રુડોએ સીધો ભારત પર આરોપ મુકી દીધો છે. ટ્રુડો સરકારે કેનેડામાં RAWના સ્ટેશન ઓફિસરની હકાલપટ્ટી પણ કરી દીધી છે. તેના બદલામાં ભારતે પણ આજે કેનેડાના હાઈ કમિશનને બોલાવ્યા હતા અને માત્ર ત્રણ મિનિટ ચાલેલી બેઠકમાં ભારતે કડક શબ્દોમાં પોતાનો મેસેજ આપી દીધો તથા એક ડિપ્લોમેટને ભારત છોડવા હુકમ આપી દીધો છે.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ઘણા સમયથી ખાલિસ્તાનવાદી તત્વોની નિકટ ખસતા જાય છે જેના કારણે ભારત નારાજ છે. હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ હવે મામલો ખુલ્લેઆમ વિવાદમાં ફેરવાઈ ગયો છે. કેનેડામાં શીખ કટ્ટરવાદીઓ ખુલ્લેઆમ ભારતને ધમકીઓ આપી રહ્યા છે, ભારતીય દૂતાવાસમાં ઘુસીને તોડફોડ કરે છે અને વિદેશ મંત્રાલયના સ્ટાફને ધમકાવે છે. આ તત્વોએ કેનેડા ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં પણ હિંદુઓને ધમકી આપી છે અને કેટલાક મંદિરોમાં તોડફોડ કરી છે. તેના કારણે સંબંધોમાં કડવાશની શરૂઆત ઘણા સમયથી થઈ ગઈ હતી. તેવામાં શીખ
હરદીપ સિંહ નિજ્જર કોણ હતા?
હરદીપ સિંહ નિજ્જર ખાલિસ્તાન તરફી ઉગ્રવાદી હતા અને ભારતે તેને ત્રાસવાદી ગણાવ્યા હતા. ગઈ 18 જૂને વેનકુંવરમાં કેટલાક અજાણ્યા લોકોએ નિજ્જરને એક ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરી હતી. હરદીપ સિંહ ભારતમાંથી શીખો માટે એક અલગ દેશ બનાવવાની તરફેણ કરતા હતા. તેઓ ખાલિસ્તાન ટાઈગર ફોર્સના વડા હતા જેના પર ભારતે પ્રતિબંધ મુક્યો છે. નિજ્જરને કેનેડામાં સારો એવો સપોર્ટ પ્રાપ્ત હતો અને સ્થાનિક સરકારની મીઠી નજરના કારણે તેમના માણસો ખુલ્લેઆમ ભારત વિરોધી નફરત ફેલાવતા હતા, દિવાલો પર ભારત વિરોધી લખાણો લખતા હતા અને ભારતીયોની હત્યા કરવા માટે ઉશ્કેરણી પણ કરતા હતા. આમ છતાં ટ્રુડો સરકાર શીખ ઉગ્રવાદીએ પ્રત્યે કૂણું વલણ અપનાવતી હતી અને હવે ભારત પર સીધો આરોપ મુક્યો છે જેના કારણે બંને દેશ વચ્ચેના સંબંધો બગડ્યા છે.
જસ્ટિન ટ્રુડોને કટ્ટરવાદીઓના મતની જરૂર છે?
કેનેડામાં શીખ બહુ પ્રભાવશાળી સમાજ છે અને જસ્ટિન ટ્રુડોને આગામી ચૂંટણીમાં શીખોના મતની ખાસ જરૂર છે તેમ કહેવાય છે. ભારતમાં પંજાબ પછી દુનિયામાં સૌથી વધુ શીખો કેનેડામાં વસવાટ કરે છે. ભારત આઝાદ થયું તે પહેલાંથી ઘણા શીખો કેનેડા ગયા હતા અને પંજાબમાં ત્રાસવાદ ફેલાયો ત્યારે પોલીસથી બચવા માટે ઘણા લોકોએ કેનેડામાં શરણ લીધી હતી. તેમાં મોટી સંખ્યામાં ખાલિસ્તાન તરફી તત્વો પણ હતા. ઓપરેશન બ્લૂ સ્ટાર અને ઈંદિરા ગાંધીની હત્યાના સમયે પંજાબમાં ખાલિસ્તાની ચળવળ અને તેની હિંસા ચરમસીમાએ હતી.
પંજાબમાં ત્રાસવાદમાં 30 હજાર લોકોના મોત
1980 અને 1990ના દાયકામાં શીખોના અલગ દેશ માટે હિંસા થઈ જેમાં લગભગ 30,000 લોકોના મોત નિપજ્યાં હતા. શીખ ત્રાસવાદીઓએ 1985માં કેનેડાથી ભારત આવી રહેલા એર ઈન્ડિયાના વિમાનને બોમ્બથી ઉડાવી દીધું હતું જેમાં તમામ 329 લોકોના મોત નિપજ્યાં હતા. આટલી મોટી ત્રાસવાદી ઘટના બનવા છતાં કેનેડાએ ખાલિસ્તાનવાદી સામે સખત બનવાનું ટાળ્યું હતું. ત્યાર પછી ભારતીય પોલીસે ત્રાસવાદને ડામવા માટે કાનૂની અને ગેરકાનૂની પગલાં લીધા જેના કારણે ભારતમાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓને મોટા પ્રમાણમાં સફાયો કરી શકાયો હતો. પંજાબમાં શાંતિ સ્થપાયાના લગભગ અઢી દાયકા પછી કેનેડામાં કેટલાક અગ્રવાદીઓ આ ચળવણને સજીવન કરવા માંગે છે અને કેનેડા સરકારની નીતિ તેને માફક આવે છે.
આ સમગ્ર વિવાદમાં કેનેડાના બે ચહેરા પણ જોવા મળે છે. તાજેતરમાં જી-20 સમિટમાં તમામ દેશોએ ત્રાસવાદની નિંદા કરી તેમાં કેનેડા પણ સામેલ હતું. અફઘાનિસ્તાનમાં ત્રાસવાદને ખતમ કરવાના નામે અમેરિકાએ યુદ્ધ કર્યું તેમાં કેનેડાએ પણ પોતાના સૈનિકો મોકલ્યા હતા. બીજી તરફ હરદીપ સિંહ નિજ્જર અને તેના સાથીદારોને ભારતે ત્રાસવાદી ઘોષિત કર્યા હોવા છતાં કેનેડાએ કોઈ પગલાં લેવાના બદલે તેમને છાવરવાનું કામ કર્યું.
કેનેડામાં ભારત વિરોધી પ્રદર્શનો
જસ્ટિન ટ્રુડોના કાર્યકાળમાં કેનેડામાં વારંવાર ભારત વિરોધી પ્રદર્શનો થયા છે જેના કારણે ભારત નારાજ છે. આ વિવાદ હવે એટલો વકર્યો છે કે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ટ્રેડની વાતચીત પણ ખોરવાઈ ગઈ છે. હાલમાં ભારત અને કેનેડા વચ્ચે વર્ષે 100 અબજ ડોલરનો બિઝનેસ થાય છે.
કેનેડાએ ભારત સાથે બિઝનેસ વધારવાનો ચાલુ રાખ્યો પરંતુ કટ્ટરવાદી શીખો સામે ક્યારેય પગલાં ન લીધા. તાજેતરમાં જૂન મહિનામાં કેનેડામાં શીખોએ એક પરેડ કાઢી હતી તેમાં જુદા જુદા ફ્લોટ રજૂ કર્યા હતા. તેમાંથી એક ફ્લોટમાં શીખ ઉગ્રવાદીઓ ઈંદિરા ગાંધીની હત્યા કરતા હોય તે દર્શાવવામાં આવ્યું હતું. ખાલિસ્તાનવાદી ચરમપંથીઓ ભારતીય વડાપ્રધાનની હત્યાને કેનેડામાં ગ્લોરીફાઈ કરે તેની સામે ભારતે સખત વાંધો ઉઠાવ્યો હતો. પણ કેનેડાએ આ મામલે કોઈ સખત પગલાં ન લીધા. હવે મામલો એક બીજાના ડિપ્લોમેટની હકાલપટ્ટી સુધી પહોંચી ગયો છે.