માળીયા 4, ટંકારા સાડા ત્રણ, મોરબી અને હળવદમાં ત્રણ ઇંચ: કોઝવે ડાયવર્ઝનના અમુક રસ્તા બંધ: રંગપર પાસે ટ્રેક્ટર તણાયું: બે વ્યક્તિનો બચાવ
મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે સાથો સાથ ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને પાણીની જરૂર હતી ત્યારે મેઘરાજાએ મહેર કરતા હાલમાં ખેડૂતોના હૈયે પણ ટાઢક છે. જો છેલ્લી 24 કલાકની વાત કરીએ તો મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં વરસાદ નોંધાયો છે અને તેમાં બે ઇંચથી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ પાંચેય તાલુકા નોંધાયો છે જોકે ધીમીધારે વરસાદ પડ્યો હોવાથી કોઈ જગ્યાએ નુકસાનીના સમાચાર સામે આવેલ નથી. પરંતુ અમુક વિસ્તારોમાં રોડ રસ્તા, કોઝવે અથવા તો ડાઈવર્ઝનમાં વરસાદી પાણી આવી જવાના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તે હકીકત છે.
સૌરાષ્ટ્ર ગુજરાતના ખેડૂતો મેઘરાજા ઉપર મીટ માંડીને બેઠા હતા કારણ કે છેલ્લા એક મહિનાથી વરસાદ પડ્યો ન હતો અને ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને નુકસાન થાય તેવી ભીતિ હતી જેથી કરીને નર્મદા સહિતની કેનાલોમાં પાણી છોડીને ખેડૂતોના જેટલા પાકને બચાવી શકાય તે પાકને બચાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા જોકે મેઘરાજાએ મહેર કરતા મોરબી સહિત સમગ્ર ગુજરાતની અંદર હાલમાં પાણી પાણી થઈ ગયું છે અને ખેડૂતોને પાક નિષ્ફળ જવાની જે ચિંતા હતી તે દૂર ધકેલાઈ ગઈ છે.મોરબી જિલ્લાના પાંચે તાલુકામાં કપાસ, મગફળી સહિતના જુદા જુદા પાકનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા એક મહિનાથી વરસાદ ન પડ્યો હોવાથી ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને બચાવવા મુશ્કેલ બન્યા હતા
ત્યારે કેનાલમાં વહેતા પાણીમાંથી સિંચાઈનું પાણી લઈને ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે થઈને મથામણ કરી રહ્યા હતા જો કે છેલ્લા બે દિવસથી મેઘરાજાએ મોરબી જિલ્લા ઉપર મહેરબાની કરતા મોરબી જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે અને ખેડૂતોમાં ખેતરોમાં ઊભા પાકને હાલમાં પાણી મળી જતા તેના પાકને જીવતદાન મળ્યું છે. જિલ્લામાં પાંચ તાલુકાનો સમાવેશ થાય છે જેમાં છેલ્લી 24 કલાકમાં માળીયા મીયાણામાં ચાર ઇંચ, મોરબી અને હળવદમાં ત્રણ ઇંચ, ટંકારામાં સાડા ત્રણ ઇંચ અને વાંકાનેર તાલુકામાં બે ઇંચ વરસાદ નોંધાયેલ છે અને ધીમીધારે વરસાદ વરસ્યો હોવાથી હાલમાં કોઈ જગ્યાએ નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી
પરંતુ સતત બે દિવસથી વરસાદ વરસતો હોવાના કારણે સ્થાનિક જળાશયોમાં પાણીની આવક સતત ચાલુ છે અને મોરબી નજીકના મચ્છુ-3 ડેમનો એક દરવાજો એક ફૂટ અને ઘોડાધ્રોઈ ડેમના બે દરવાજા બે ફૂટ સુધી ખોલીને તેમાંથી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. નદીમાં પાણી છોડતા પહેલા સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા ડેમના નીચેના વિસ્તારમાં આવતા ગામના સરપંચો સહિતના આગેવાનોને જાણ કરીને એલર્ટ કરવામાં આવ્યા હતા અને નદીના પટમાં ન જોવા માટે તેને સૂચના આપવામાં આવી હતી.જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે જુદા જુદા વિસ્તારોમાં કોઝવે કે પછી રોડ રસ્તાના કામ ચાલુ હોય ત્યાં ડાયવર્ઝનના રસ્તા ઉપર વરસાદી પાણી ફરી
વળ્યા હોવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જેમાં ખાસ કરીને મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી અણીયારી ચોકડી સુધી જે રસ્તો બનાવવાની કામગીરી ચાલુ છે તેમાં રંગપર ગામ પાસે પુલિયું બનાવવા માટેનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે પરંતુ ત્યાં જે ડાઈવર્ઝનનો રસ્તો આપવામાં આવ્યો છે ત્યાંથી વરસાદી પાણીનો નિકાલ થઈ શકે તેવી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હતી જેથી કરીને ડાયવર્ઝનના રસ્તા ઉપર લગભગ દોઢથી બે ફૂટ જેટલું પાણી વહેતું હોવાના કારણે તે રસ્તો ગઈકાલે સવારે 9 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી બંધ થઈ ગયો હતો જેથી વાહનોના થપ્પા લાગી ગયા હતા.
આવી જ રીતે રંગપર ગામ પાસે આવેલ મહાકાળી માતાજીના મંદિર તરફ જવાના રસ્તા ઉપરથી વીજ કંપનીના કોન્ટ્રાક્ટરના માણસો પોતાનું ટ્રેક્ટર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી હોવા છતાં તેમાં ટ્રેકટર ઉતાર્યું હતું અને ટ્રેક્ટર પાણીના પ્રવાહમાં તણાઈ જવાના કારણે પાણીમાં પડ્યું હતું જોકે ટ્રેક્ટરમાં બેઠેલા બંને વ્યક્તિઓને તરતા આવડતું હોવાથી તે બંનેનો આબાદ બચાવ થયો હતો તો વેણાસર ગામથી ખાખરેચી ગામ તરફ જવાનો જે રસ્તો છે તે રસ્તા ઉપર પણ વરસાદી પાણી આવી જવાના કારણે વેણાસરથી ખાખરેચી ગામ તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો અને આ રસ્તો બે વર્ષ પહેલા જ બનાવવામાં આવેલ છે તેમ છતાં પણ હાલમાં ઠેર ઠેર ગાબડા પડી ગયા છે તેવું ગામના લોકો જણાવી રહ્યા છે.