વિરોધના વંટોળ વચ્ચે રૂપાલા માટે આવ્યા રાહતના સમાચાર, ક્ષત્રિય સમાજની મહિલાઓએ લીધો મોટો નિર્ણય

રાજકોટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા માટે આજે એક સારા સમાચાર મળ્યા છે. રૂપાલા સામે રણચંડી બનેલી ક્ષત્રિય સમાજની મહિલાઓ ફોર્મ નહીં ભરવાનો નિર્ણય કર્યો. પરષોત્તમ રૂપાલાના વિરોધમાં ફોર્મ નહિ ભરે. આ મુદ્દે ક્ષત્રિય સમાજના આગેવાન હેતલબા વાઘેલાએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે રાજકોટમાં 200+ ફોર્મ ઉપડ્યા હતા. 14 તારીખ સુધીમાં 50% ડોક્યુમેનટેશન પણ પૂર્ણ થઈ ગયું હતું. ફંડ પણ એકત્રિત થઈ ગયું હતું, પરંતુ પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાની જાહેરાત કરતા અમે અમારા જવતલિયા ભાઈ સાથે છીએ.

રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ બે વખત માફી માંગી લેવા છતાં ક્ષત્રિય સમાજે આ સવાલને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યો હતો અને રૂપાલાની ટિકીટ રદ ન થાય તો રાજકોટની બેઠક ઉપર ક્ષત્રિય સમાજ દ્વારા 400 ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી હતી. ક્ષત્રિય સમાજ દ્વારા 400 ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત સામે 180 જેટલા ફોર્મ ઉપાડવામાં આવ્યા હતાં. પરંતુ આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ક્ષત્રિય સમાજ દ્વારા એક પણ ફોર્મ ભરવામાં નહીં આવતાં ભારે આશ્ચર્ય સાથે ચર્ચા જાગી હતી. ક્ષત્રિય સમાજે રૂપાલા સામે આંદોલન ચાલુ જ રાખ્યું છે અને તા.19મી સુધીમાં ફોર્મ પાછું ખેંચે નહીં તો 20મીથી આંદોલન પાર્ટ-2 શરૂ કરવાની જાહેરાત કરી છે પરંતુ રૂપાલા સામે 400 ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાતની ફિયાસ્કા જેવી હાલ સર્જાયેલ છે.

નોંધનીય છે કે રાજકોટની ભાગોળે રતનપર ખાતે ગત 14 એપ્રિલે યોજાયેલ અસ્મિતા સંમેલનમાં લાખો ક્ષત્રિયો ઉમટી પડયા હતાં અને એકી અવાજે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકીટ રદ કરવાની માંગણી કરી ટિકીટ રદ ન થાય તો રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા તા.19મી સુધીમાં ફોર્મ પાછુ ન ખેંચે તો આંદોલન પાર્ટ-2 શરૂ કરવાની જાહેરાત કરનાર ક્ષત્રિય સમાજના આંદોલનનું સંકલન કરતી સંકલન સમિતિની આજે સાંજે અમદાવાદ ખાતે બેઠક મળી રહી છે. આ બેઠકમાં આંદોલન પાર્ટ-2ની ભાવી રણનીતિ ઘડવામાં આવનાર છે.