મોરબી પુલ દુર્ઘટનાનો મુખ્ય આરોપી ઓરેવા કંપનીના મુખ્યા જયેશ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજુર: આગામી દિવસોમાં ચાર્જશીટ દાખલ થવાની શક્યતા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-01-2023

રાજ્યમાં ચકચાર મચાવી દેનાર મોરબી ઝુલતા બ્રીજ દુર્ઘટનાના મુખ્ય આરોપી અને ઓરેવા ગૃપના ચેરમેન જયસુખ પટેલના મોરબી કોર્ટે 7  દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. ગઈકાલે મોરબી કોર્ટમાં શરણાગતિ સ્વીકાર્યા બાદ આજરોજ પોલીસે આરોપી જયસુખને કોર્ટમાં રજૂ કર્યો હતો અને તેના 14 દિવસના રીમાન્ડની માગ કરી હતી. જયસુખ ને પોલીસની સુરક્ષા વચ્ચે આજરોજ કોર્ટમાં તેને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો.

આ કેસને પગલે મોરબી કોર્ટના પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આજના દિવસ સહીત જયસુખ પટેલ કુલ 7 દિવસ પોલીસ રીમાન્ડમાં રહેશે. જયસુખ પટેલના રીમાન્ડની પૂછપરછ દરમિયાન આ કેસમાં અનેક નવા ખુલાસો થાય એવી શક્યતા છે.

મોરબીમાં ગતવર્ષે દિવાળીની રજાઓમાં પ્રખ્યાત ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 135 જેટલા લોકોનું મૃત્યુ થયું હતું. જે બાદ આ બ્રીજનું સમારકામ કરનાર ઓરેવા કંપની અને તેના માલિક જયસુખ પટેલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જયસુખ પટેલ ઘણા દિવસોથી ફરાર હતો પરંતુ ગઈ કાલે તેણે મોરબી કોર્ટમાં શરણાગતિ સ્વીકારી હતી. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. પૂલનું સંચાલન કરતી ઓરેવા ગ્રુપના જયસુખ પટેલે ધરપકડ પહેલા મોરબી સેશન્સ કોર્ટ ખાતે આગોતરા જામીન મેળવવા માટે પણ અરજી કરી હતી. જે અરજી કોર્ટે ફગાવી દીધી હતી.

આ પ્રકરણમાં હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે જેના પગલે કોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. ઝાટકણી કાઢ્યા બાદ સરકાર અચાનક જાગી હતી અને કોર્ટે આપેલા નિર્દેષો પ્રમાણે કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસ ગણતરીના દિવસોમાં કોર્ટના સમગ્ર ઘટનાક્રમ સાથે ચાર્જશીટ દાખલ કરવાની છે.