મોરબી બ્રિજ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલ ભાગેડુ જાહેર થતાં જ કોર્ટમાં હાજર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.31-01-2023

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાને 3 માસ જેટલો સમય વીત્યો છે ત્યારે ઝૂલતો પુલ દુર્ઘટનાને પગલે તાજેતરમાં પોલીસે કોર્ટમાં 1262 પાનાંની ચાર્જશીટ રજુ કરી હતી જે ચાર્જશીટ રજુ કરવામાં આવ્યા બાદ આજે કેસ અંગે પ્રથમ સુનાવણીમાં તમામ આરોપીને ચાર્જશીટની એક એક નકલ આપવામા આવી હતી અને કેસની વધુ સુનાવણી તા. 01 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાઈ તે પહેલા ઓરેવા કંપનીના માલીક જયસુખ પટેલ આજે મોરબી કોર્ટ સમક્ષ હાજર થઈ ગયા હતાં.

પરિણામે કોર્ટમાંથી પોલીસે તેની અટકાયત કરી હતી. મોરબી ઝૂલતો પુલની ગોઝારી દુર્ઘટનામાં 135 નિર્દોષ માનવ જિંદગી હોમાઈ ગયા બાદ પોલીસે ગુનો ઓરેવા ગૃપના મેનેજર સહીત નવ આરોપીને ઝડપી લીધા હતા અને ગુના અંગે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી જે ચાર્જશીટમાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલનું નામ ભાગેડુ આરોપી તરીકે ઉમેરવામાં આવ્યું હતું તો ચાર્જશીટ રજુ થયા બાદ આજે પ્રથમ સુનાવણી મોરબીની કોર્ટમાં થઇ હતી જેમાં તમામ નવ આરોપીને હાજર રાખવામાં આવ્યા હતા અને તમામ આરોપીને ચાર્જશીટની એક એક નકલ આપવામાં આવી હતી અને હવે વધુ સુનાવણી 1 તારીખે હાથ ધરવામાં આવનાર હતી. પરંતુ આજે બપોરે ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ સમક્ષ જયસુખ પટેલ હાજર થઈ ગયા હતાં.

ઝૂલતો પુલ દુર્ઘટનાની એફઆઈઆરમાં ઓરેવા ગ્રુપના એમડીનું નામ દાખલ કરવામાં આવ્યું ના હતું અને કોર્ટમાં ચાર્જશીટ રજુ થઇ તેમાં જયસુખ પટેલને ભાગેડુ આરોપી દર્શાવ્યા છે જેઓએ મોરબી કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે જેની સુનાવણી પણ તા. 01 ફેબ્રુઆરીના થનાર હતી.