સૌરાષ્ટ્રમાં વરસાદ થંભી રહ્યો નથી. દ્વારકા, જુનાગઢ, ખંભાળીયામાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગામો નદીમાં ફેરવાયા છે જેને કારણે વીજ પુરવઠો ખોરવાયો છે. 25 ગામોમાં વીજપુરવઠો ખોરવાતા અંધારપટ્ટ છવાયો છે. જેમાં પોરબંદરના 3, જુનાગઢના 13, જામનગરના 1, ભુજના 8 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.

અતિ ભારે વરસાદના કારણે રાજકોટ ગ્રામ્યના 30 વિજપોલ ડેમેજ થયા છે. આ ઉપરાંત પોરબંદરના 287 વિજપોલ અને 20 ટ્રાન્સફોર્મર, જુનાગઢના 167 વિજપોલ અને 17 ટ્રાન્સફોર્મર, જામનગરના 432 વીજપોલ અને 30 ટ્રાન્સફોર્મર, ભુજના 36 વીજપોલ અને અંજારના 15 વિજપોલ ધરાશાયી થયા છે.

હાલ રીપેરીંગ કામગીરી ચાલુ છે. પોરબંદર વિસ્તારમાં 5, જુનાગઢના 8, જામનગરના 68, ભુજના 65 અને અંજારના 21 ફીડર બંધ પડયા હતા. હાલ 168 ફીડરને નુકશાન થયુ છે અને 967 વીજપોલ અને 69 ટ્રાન્સફોર્મર ડેમેજ થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થમી રહ્યો નથી. જેના કારણે નુકશાનીમાં વધારો થઈ રહ્યો છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

















