વધુ એક યુદ્ધના ભણકારા! ભારતીયોને ઈરાન અને ઈઝરાયલની મુસાફરી ન કરવા વિદેશ મંત્રાલયની એડવાઈઝરી

ભારતીય વિદેશ મંત્રાલયે ઈરાન અને ઈઝરાયલ માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં ભારતીયોને આગળની સૂચના સુધી ઈરાન અને ઈઝરાયલની મુસાફરી ન કરવા સલાહ આપવામાં આવી છે. આ બંને દેશમાં વસતા ભારતીયોને દુતાવાસના સંપર્કમાં રહેવા વિનંતી કરી છે.

ઈરાન ઈઝરાયેલ પર હુમલો કરી શકે છે

વિદેશ મંત્રાલયે આજે (શુક્રવાર) એક એડવાઈઝરી જાહેર કરીને ભારતીયોને આગળની સૂચના ન મળે ત્યાં સુધી ઈરાન અને ઈઝરાયલની મુસાફરી ટાળવા જણાવ્યું હતું. આ ઉપરાંત જેઓ હાલમાં ઈરાન અથવા ઈઝરાયલમાં રહે છે તેઓ ભારતીય દૂતાવાસનો સંપર્ક કરે અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવે. તેઓ સુરક્ષાને લઈને ખૂબ કાળજી રાખે. અહેવાલો અનુસાર, ઈરાન આગામી 48 કલાકમાં ઈઝરાયલ પર હુમલો કરી શકે છે. ઈરાન ઈઝરાયલ પર હુમલો કરવાના રાજકીય જોખમોનું મૂલ્યાંકન કરી રહ્યું છે. બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો જ્યારે હુમલામાં સીરિયામાં ઈરાની કોન્સ્યુલેટની ઈમારત ધ્વસ્ત થઈ ગઈ હતી.

શું ઈઝરાયેલ યુદ્ધની તૈયારી કરી રહ્યું છે?

ઈરાને આ હુમલા માટે ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યું હતું જેમાં તેનો એક સૈન્ય કમાન્ડર અને છ અધિકારીઓ માર્યા ગયા હતા. ઈરાન ઈઝરાયલ પર સીધો હુમલો કરે તેવી શક્યતા નથી. તે હુમલા કરવા માટે લેબનોનમાં હિઝબુલ્લાહ અને યમનમાં હુથી જેવા સંગઠનોનો ઉપયોગ કરી શકે છે. આ દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું, ‘અમે સંરક્ષણ અને હુમલા બંનેમાં ઈઝરાયલની સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવાની તૈયારી કરી રહ્યા છીએ.’