શાળા, બજારો ખુલી ગયા, છતાંય કેન્દ્ર કેમ ચેતવી રહી છે કે, તહેવાર ઘરે રહીને જ મનાવો!

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.2-09-2021

દેશમાં કોરોનાની બીજી લહેર નબળી પડી છે, પરંતુ કોરોના ગયો નથી. જેનું ઉદાહરણ કેરળ રાજ્ય છે. અહીં રોજના 30 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે

દેશમાં કોરોના વાયરસની બીજી ઘાતક લહેર નબળી પડવાથી કેટલાક રાજ્યોને છોડીને આખા દેશમાં રાહતના સમાચાર છે. રાજ્ય સરકારો કોરોના પ્રતિબંધોને હટાવી રહી છે અને બજારો, અહીં સુધી શાળાઓ પણ ખોલી ચૂકી છે. તો બીજી તરફ કેન્દ્ર સરકાર સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આવનારા તહેવારોની ઉજવણીને લઇવે ચેતવણી આપી રહી છે.

એક તરફ એક કે બે રાજ્યોને છોડીને આખો દેશ અનલોક થઇ રહ્યો છે, એવામાં કોરોનાનો ખતરો પણ દેશના માથે મંડળાઇ રહ્યો છે. દેશમાં દૈનિક સ્તરે કેસનો મોટો આંકડો સામે આવી રહ્યો છે અને ત્રીજી લહેરનો ખતરો યથાવત માનવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ રીતે કહી રહી છે કે કોરોનાની બીજી લહેર હજુ ખતમ નથી થઇ, એવામાં તહેવારોની ઉજવણી ઘરે રહીને કરો.

દેશવાસીઓ પણ મૂંઝવણ અનુભવી શકે છે કે એક તરફ શાળાઓ ખુલી રહી છે તો ટેન્શન કઇ વાતનું રહ્યું? આ મામલે જો સરકાર અને નિષ્ણાંતોનું માનીએ તો કોરોના હજુ ગયો નથી. જેનું ઉદાહરણ દક્ષિણનું રાજ્ય કેરળ છે. અહીં રોજના 30 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. એમાં પણ ખાસ વાત એ છે કે, વિતેલા દિવસોમાં ઓણમના તહેવારની ધામધૂમથી ઉજવણી પછી રાજ્યભરમાં કોરોના કેસનું પ્રમાણ વધી ગયું છે.

કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે કે ત્રીજી લહેરની સંભાવના વચ્ચે તહેવારમાં ઝમાવડો કરવો હિતાવહ નથી, દેશમાંથી કોરોના ગયો નથી. મહત્વનું હોય તો પણ વેક્સિનેશન વગર ભીડ ભેગી કરવી નહીં. સરકારે સ્પષ્ટ રીતે કહ્યું છે કે, જો કાળજી લેવામાં નહીં આવે તો વાયરસ મ્યૂટેટ થઇ શકે છે અને તમામ વ્યવસ્થાને પાયામાંથી હલાવી નાંખશે. સરાકરે દેશવાસીઓને કોવિડ પ્રોટોકોલનું પાલન યથાવત રાખવા અપીલ કરી છે. આ અંગે નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે કહ્યું કે દેશવાસીઓને અપીલ છે કે. માસ્ક ઉતારવાનો સમય હજુ સુધી આવ્યો નથી. તહેવારો પણ કોરોના પ્રોટોકોલ હેઠળ જ ઉજવવા જોઇએ.

વર્તમાન સ્થિતિને લઇને આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે વિતેલા 24 કલાકમાં દેશમાં કોરોનાના 47 હજાર કેસ સામે આવ્યા છે. બે રાજ્યોમાં કેસ વધવાને લીધે દેશમાં કોરોના કેસનો આંકડો ઉપર ગયો છે. આથી કોરોના વાયરસને લઇને કોઇપણ બેદરકારી જોખમી સાબિત થઇ શકે છે.