પરસોત્તમ રૂપાલાને માફી આપવી કે નહીં? સંકલન સમિતિ નક્કી કરશે: દેવેન્દ્રસિંહ

રાજકોટમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં ભાજપના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલાએ ફરી એક વખત ક્ષત્રિય સમાજની માફી માંગી છે ત્યારે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના સભ્ય દેવેન્દ્રસિંહ જાડેજાએ પણ પત્રકાર પરિષદ યોજી જણાવેલ છે કે, રૂપાલાને માફી આપવા અંગે સંકલન સમિતિ નક્કી કરશે અને આગળની રણનીતિ જાહેર કરશે.

તેમણે જણાવ્યું હતું કે, અમે દરેક વાત ભુલવા તૈયાર છીએ પરંતુ બહેનોની અસ્મિતાની વાત આવે ત્યારે તે કોઈ રીતે સ્વિકાર્ય નથી. રૂપાલાએ અત્યાર સુધી એક પણ વખત ક્ષત્રિય સમાજની વચ્ચે જઈને માફી નથી માંગી તે તેમની ગંદી રાજનીતી દર્શાવી રહ્યું છે.

ક્ષત્રિય સમાજના સંકલન સમીતીના સભ્ય દેવેન્દ્રસિંહ જાડેજા એન મહિલા આગેવાન ભાર્ગવીબા ગોહિલે આજે પત્રકાર પરિષદમાં પરસોતમ રૂપાલા દ્વારા ફરીવખત માફી માંગી છે તેનો વળતો જવાબ આપ્યો હતો.

પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન-દિકરીઓ પર કરેલી અભદ્ર ટિપ્પણી બાદ તેમણે આજદીન સુધી એકપણ વખત ક્ષત્રિય સમાજની સામાજીક સંસ્થાની વચ્ચે જઈને માફી નથી માંગી એટલું જ નહીં દરેક વખત મીડિયા સમક્ષ માફી માંગીને પોતાની ગંદી રાજનીતી ખેલી રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતાં.

પરસોતમ રૂપાલા દરેક વસ્તુને રાજકારણ સાથે તોલી રહ્યા છે અને આજે જે માફી માંગવામાં આવી હતી તે પણ તેમની રાજકીય માફીનો એક ભાગ છે. આજે જે માફી માંગવામાં આવી છે તે ભાજપના પક્ષ માટે માફી માંગી હોય તેવું સ્પષ્ટ દેખાય રહ્યું છે જ્યારે રૂપાલાને માફી આપવી કે નહીં તે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠકમાં નિર્ણય લેવાશે તેમ જણાવ્યું હતું પરંતુ જ્યારે અસ્મીતાની વાત છે ત્યારે ક્ષત્રિય સમાજ કોઈ પણ સમાધાન માટે તૈયાર નથી. વધુમાં ઉમેર્યુ હતું કે, પરસોતમ રૂપાલા અને અન્ય આગેવાનો દ્વારા ક્ષત્રિય સમાજના આંદોલનને તોડી પાડવા અનેક દાવ ખેલ્યા હતાં. પરંતુ તેમના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા છે.