મોરબી જિલ્લામાં ગત ચૂંટણી કરતા 1.28 ટકા મતદાન ઘટયું

છતાં 62.79 ટકા જેવુ સંતોષકારક વોટીંગ: ચાર બેઠકો જિલ્લાને લાગુ પડે છે: શાંતિપુર્વક મતદાન બદલ સૌનો આભાર માનતા કલેકટર

મોરબી જિલ્લામાં લોકસભા 2024 નું મતદાન માહોલમાં પૂર્ણ થયું છે અને સવારના સાતથી સાંજના છ વાગ્યા સુધી કોઈપણ અનિચ્છનીય બનાવ વગર મતદાન કરવામાં આવ્યું હતું જેથી મોરબી જિલ્લાના કલેકટરે મતદારોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો લોકસભાની ચૂંટણીમાં જીલ્લામાં સરેરાશ 62.79 ટકા મતદાન નોંધાયેલ છે તેવું મોરબી જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેકટર કે.બી. ઝવેરીએ માહિતી આપતા જણાવ્યુ છેલોકસભાની 26 પૈકીની ચાર બેઠકો મોરબી જિલ્લાને લાગુ પડે છે તેના માટે મતદારો દ્વારા સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું બૂથ ઉપર મતદારો ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ તેઓના પત્ની જોત્સનાબેન અને દીકરા પ્રથમ તેમજ દીકરી સાથે ત્યાં આવીને સહપરિવાર મતદાન કર્યું હતું તો સાંસદ મોહનભાઇ કુંડારિયા અને માજી મંત્રી જયંતિભાઈ કવાડીયાએ પણ નીલકંઠ વિદ્યાલય ખાતે આવીને મતદાન કર્યું હતું આવી જ રીતે મોરબીના માજી ધારાસભ્ય અને માજી મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ તેઓના પત્ની સાથે તેના વતન ચમનપર ગામે જઈને મતદાન કર્યું હતુ અને પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જયંતીભાઈ ભાડેશિયાએ તેઓના પરિવારજનો સાથે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્ધયા છાત્રાલય ખાતેના મતદાન મથક ઉપર જઈને મતદાન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણીમાં જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકના 889 જેટલા મતદાન મથક (બુથ) ઉપર ચૂંટણી વિભાગના કર્મચારીઓ તેમજ પોલીસ વિભાગ દ્વારા પૂરતો સ્ટાફ મૂકવામાં આવ્યો જેથી કરીને શાંતિપૂર્ણ માહોલમાં કોઈપણ અનિચ્છનીય બનાવ વગર મતદાનની પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવેલ છે જો કે, મોરબીના રવાપર ગામે આવેલ બુથમાં ચૂંટણી ફરજ ઉપર રહેલા એક કર્મચારીને લો બીપી થઈ ગયું હતું જેથી તેને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે લઈ જવામાં સારું થઈ ગયું હતું.

વધુમાં કલેકટરે માહિતી આપતા જણાવ્યુ હતું કે, વર્ષ 2019 માં જે લોકસભાની ચૂંટણી યોજાઇ હતી ત્યારે મોરબી જીલ્લામાં 64.07 ટકા જેટલું મતદાન નોંધાયેલ છે જો કે, આ વર્ષે ચૂંટણી વિભાગના સ્ટાફે કરેલ મહેનત અને જનજાગૃતિ અભિયાનની અસરના લીધે મતદારોને ખૂબ જ સારી રીતે મતદાન કરેલ છે અને સવારે સાત વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધીના સમયમાં કોઈપણ અનિચ્છનીય બનાવ વગર મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું છે જેથી કરીને આ વર્ષે મોરબી જીલ્લામાં લોકસભાની ચૂંટણી માટે 62.79 ટકા મતદાન નોંધાયેલ છે અત્રે ઉલેખનીય છે કે, છેલ્લે યોજાયેલ લોકસભાની ચૂંટણી કરતાં આ વર્ષે યોજાયેલ ચુંટણીમાં 1.28 ટકા જેટલું મતદાન ઓછું થયેલ છે જેથી કરીને આ ઓછું મતદાન કોને નુકશાન કરશે અને કોને ફાયદો કરશે તે તો હવે આગામી સમય જ બતાવશે.