આજે જાહેર થશે ધોરણ-12નું પરિણામ, આ રીતે જાણી શકશો તમારું રિઝલ્ટ

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ધોરણ-12ના પરિણામો 9મી મે એટલે કે આજે ગુરૂવારે સવારે 9 વાગ્યે જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થયા બાદ પરિણામની તારીખ જાહેર કરવામાં આવશે તેવું બોર્ડ દ્વારા પહેલાથી જ જાહેર કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પરથી પોતાનું પરિણામ જાણી શકશે.

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે 9 મે ના રોજ જાહેર કરવામાં આવશે. આજે સવારે 9:00 વાગે બોર્ડની વેબસાઈટ ઉપર બંને પરિણામ ઉપલબ્ધ હશે. વિદ્યાર્થીઓ વેબસાઈટથી તેમનું પરિણામ જોઈ શકશે. માર્ચ 2024માં લેવાયેલી પરીક્ષાઓમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 1.11 લાખ અને ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 3.50 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

ગુજરાત બોર્ડની પરીક્ષાનું પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓએ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જઈને તેને જોવું પડશે. આ માટે વિદ્યાર્થીઓએ વેબસાઈટ પર જવાનું રહેશે અને બાદમાં ત્યાં પોતાનો બેઠક ક્રમાંક નાખીને એન્ટર બટન દબાવવાનું રહેશે. આ સાથે જ તેમનું પરિણામ જાણવા મળશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સએપ પર પણ પોતાનું રિઝલ્ટ જોઈ શકે છે. જેના માટે વિદ્યાર્થીએ 6357300971 નંબર પર પોતાનો બેઠક ક્રમાંક લખીને મોકલવાનો રહેશે.

જોકે, વિદ્યાર્થીઓને આવતીકાલે એટલે કે 9મી મેએ માર્કશિટ નહીં આપવામાં આવે. વિદ્યાર્થીઓ ફક્ત ઓનલાઈન જ તેમનું રિઝલ્ટ જોઈ શકશે. પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓની માર્કશીટ, પ્રમાણપત્રો ક્યારે આપવામાં આવશે અને વિદ્યાર્થીઓ ક્યારે સ્કૂલમાંથી પોતાની માર્કશીટ મેળવી શકશે તેની જાહેરાત પછીથી કરવામાં આવશે. પરીક્ષાની ગુણચકાસણી, નામમાં સુધારો, અસ્વીકાર અને રિચેકિંગ અંગેની જરૂરી સચૂનાઓ પણ પછીથી જાહેર કરવામાં આવશે. બોર્ડ દ્વારા એક પરિપત્ર જાહેર કરીને તેની જાણ કરવામાં આવશે. તે મુજબ વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલમાંથી માર્કશીટ મેળવી શકશે. ગુજરાત બોર્ડ દ્વારા પરિણામ થોડું વહેલું જાહેર કરવામાં આવ્યું હોત. પરંતુ બોર્ડ દ્વારા પહેલાથી જ જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટેના મતદાન બાદ બોર્ડના પરિણામો જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં લોકસભાની તમામ બેઠકો માટે 7મી મેના રોજ મતદાન થયું હતું. તેના એક દિવસ બાદ બોર્ડે ધોરણ 12ના પરિણામની તારીખ જાહેર કરી છે.