કોરોનાની સારવાર માટે આઈવરમેક્ટિન દવાના ઉપયોગ સામે WHOની ચેતવણી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-05-2021

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કોરોનાના દર્દીઓની સારવાર માટે આઈવેરમેક્ટિન દવાના ઉપયોગ સામે ચેતવણી આપી છે.

WHOના મુખ્ય વૈજ્ઞાનિક ડો.સૌમ્યા સ્વામીનાથને એક ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, કોઈ પણ દવાનો ઉપયોગ કરતા પહેલા તેની સુરક્ષા અને તેનો દર્દી પર કેવો પ્રભાવ પડે છે તે જાણવુ જરુરી છે.WHO ક્લિનિકલ ટ્રાયલને છોડીને કોવિડની સારવાર માટે આઈવરમેક્ટિનના ઉપયોગ માટે પરવાનગી આપતુ નથી.

ડો.સ્વામીનાથને જર્મનીની દિગ્ગજ હેલ્થકેર કંપનીના એક જુના નિવેદનને ટ્વિટ સાથે શેર કર્યુ હતુ.જેમાં કહેવાયુ હતુ કે, વૈજ્ઞાનિકો કોરોનાની સારવારમાં આઈવરમેક્ટિનની સુરક્ષા અને તેની અસરની જાણકારી મેળવવા માટેના સંશોધનનો અભ્યાસ કરી રહ્યા છે.

છેલ્લા બે મહિનામાં બીજી વખત એવુ બન્યુ છે કે, WHO દ્વારા આઈવરમેક્ટિનના ઉપયોગ સામે ચેતવણી આપવામાં આવી હોય.ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા જ ગોવા સરકારે કોરોનાની સારવાર માટે 18 વર્ષથી વધારે વયના લોકોને આઈવરમેક્ટિનનો ઉપયોગ કરવા પર છૂટ આપી છે.ગોવાના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ હતુ કે યુકે, ઈટાલી અને સ્પેનના નિષ્ણાતોનુ માનવુ છે કે, આઈવરમેક્ટિનના ઉપયોગથી મૃત્યુ દર પર રોક લગાવી શકાય છે અને દર્દીઓ જલ્દી સાજા થઈ શકે છે.

WHOના ટ્વિટ બાદ હવે આઈવરમેક્ટિનના ઉપયોગ પર ફરી ચર્ચા છેડાઈ છે.કારણકે ભારતમાં આ દવાનો વ્યાપકપણે ઉપયોગ થઈ રહ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો