સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈ સુવિધાઓ અંગે જાત નીરિક્ષણ કર્યું
“સિવિલમાં જેટલી સગવડો ઉપલબ્ધ છે તેનો મહત્તમ ઉપયોગ કરી દર્દીઓની સારવાર માટેની સારી કામગીરી કરવામાં આવી રહી છે”
“હોસ્પિટલમાં મેડિકલ સર્વિસની સાથે હોસ્પિટાલિટી સર્વિસ પણ એટલી જ મહત્વની”
મોરબી સિવિલ હોસ્પિટલ માં દર્દીઓ માટે ઉપલબ્ધ મેડિકલ સર્વિસ તેમજ અન્ય તમામ સગવડો અંગે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષ સ્થાને મોરબી સિવિલ હોસ્પિટલના કોન્ફરન્સ હોલ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક અન્વયે કલેક્ટર એ સિવિલના વિવિધ વિભાગોના કી-પર્ફોમન્સ, ઉપલબ્ધિઓ તેમજ કામગીરી અંગે સમીક્ષા કરી હતી.
આ બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ મોરબી સિવિલ હોસ્પિટલની સુંદર કામગીરી માટે અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, સિવિલમાં ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે. આપણી સિવિલમાં જેટલી સગવડો ઉપલબ્ધ છે તેનો મહત્તમ ઉપયોગ કરી દર્દીઓની સારવાર માટેની સારી કામગીરી કરવામાં આવી રહી છે. આપણી હોસ્પિટલમાં કોઈ વ્યક્તિ ભલેને ટ્રેચર, વ્હીલચેર કે વેન્ટિલેટ ઉપર આવે અને સારવાર બાદ તે પોતાના પગ પર ઉભો થઈને જાય તે માટેની સર્વશ્રેષ્ઠ કામગીરી આપણે કરવાની છે. હોસ્પિટલમાં સૌથી અગત્યનું કંઈ હોય તો તે છે દર્દીઓની સેવા, માટે સૌ દર્દીઓને સારામાં સારી ટ્રીટમેન્ટ મળે અને મોરબી જિલ્લાના નાગરિકોને સર્વ શ્રેષ્ઠ સારવાર મળી રહે તે અપેક્ષા રાખું છું તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, હોસ્પિટલ એ સામાજિક સેવાનો મહત્વનો ભાગ છે, ત્યારે જે લોકો સારવાર માટે સિવિલ સહિત સરકારી દવાખાનાઓમાં સારવાર લે છે તેમની આશા અને ભરોસો આપણે કાયમ રાખવાનો છે. હોસ્પિટલમાં મેડિકલ સર્વિસની સાથે હોસ્પિટાલિટી સર્વિસ પણ એટલી જ મહત્વની છે જેથી અધિકારીઓથી લઈને નીચેના સ્ટાફ સુધી તમામ લોકો દરેક દર્દી સાથે યોગ્ય વર્તન કરે તો જ ઇન્સ્ટિટ્યૂટનું સમાજમાં નામ બને છે.
આ બેઠક દરમિયાન જનરલ મેડિસિન, રેસ્પીરેટરી મેડિસિન, જનરલ સર્જરી, ગાયનેક, ઓર્થોપેડિક, ઈ.એન.ટી., પિડીયાટ્રીક્સ, સ્કિન, મોલલોજી, સાયકેટ્રીક્સ, પેથોલોજી, બાયોકેમીસ્ટ્રી માઇક્રોબાયોલોજી, રેડિયોલોજી, એનેસ્થેસિયા તેમજ મેડિકલ કોલેજ સહિતના ડિપાર્ટમેન્ટની કામગીરી તેમજ ઉપલબ્ધિઓ અંગે કલેક્ટર ને માહિતગાર કરવામાં આવ્યા હતા.
કલેક્ટર એ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈને દર્દીઓને વધુ ને વધુ સારી સુવિધા મળી રહે તે માટેના સુચનો કર્યા હતા.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. પ્રદીપ દુધરેજીયા, મેડિકલ કોલેજના ડીન નીરજ બિશ્વાસ, જિલ્લા ક્ષય અધિકારી ધનસુખ અજાણા સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારી ઓ, વિવિધ વિભાગના વડા, ડોક્ટર્સ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.