સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન માટે ગુજરાત સજ્જ, PM મોદી-શાહ પણ કરશે વોટિંગ

દેશમાં હાલમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે જેમાં 7મી મે મંગળવારે એટલે કે આવતીકાલે ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન થશે. ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો છે પરંતુ સુરતની બેઠક પર ભાજપે પહેલાથી જ કેસરીયો લહેરાવી દીધો છે. તેથી 25 બેઠકો માટે મતદાન યોજાશે. ભાજપ છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીત્યું છે અને આ વખતે પણ તે 26 બેઠકો જીતીને હેટ્રિક મારવાનો વિશ્વાસ ધરાવે છે. ભાજપે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ગુજરાતના મતદાતાઓ આ વખતે પણ પાર્ટીને તમામ બેઠકો જીતાડશે. આ વખતે ભાજપ દ્વારા ગુજરાતની તમામ બેઠકો પાંચ લાખથી વધુના માર્જિનથી જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવતા અને અન્ય ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચી લેતા ભાજપે આ બેઠક જીતી લીધી છે. ગુજરાતમાં મતદાન છે તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી પણ ગુજરાત આવીને પોતાની મતદાનની ફરજ નિભાવશે. વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી મતદાન માટે આવવાના હોવાથી સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે.

હાલમાં ગુજરાતમાં આકરી ગરમી પડી રહી છે તેથી મતદાનને અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નેતાઓ દ્વારા લોકોને મતદાનની અપીલ કરવામાં આવી રહી છે. રાજ્યમાં મતદાન દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ઈવીએમ સહિતની ચૂંટણી સામગ્રી તમામ બુથ પર પહોંચી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાનો મત આપવા માટે ગુજરાત આવવાના છે. વડાપ્રધાન મોદી 6મે એટલેકે સોમવારે જ અમદાવાદ આવી પહોંચવાના છે. તેઓ અમદાવાદમાં મતદાન કરીને ચૂંટણી પ્રચાર માટે રવાના થઈ જશે. વડાપ્રધાન મોદી સવારે 7.30 કલાકે રાણીપની નિશાન વિદ્યાલયમાં મતદાન કરશે. જ્યારે સીજે ચાવડા સેક્ટર-6 સરકારી સ્કૂલમાં મતદાન કરવાના છે. અમિત શાહ નારણપુરામાં મતદાન કરશે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શીલજ પ્રાથમિક સ્કૂલમાં પોતાનો મત આપશે.

ગુજરાતની ચૂંટણીમાં આ વખતે પહેલા ભરૂચની બેઠક હોટ સીટ માનવામાં આવતી હતી. જ્યાં કોંગ્રેસે આમ આદમી પાર્ટી માટે ઉમેદવાર ઊભો રાખ્યો નથી. જેના કારણે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ નારાજ થયા હોવાની ચર્ચા ચાલી હતી. આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ભાજપને ટક્કર આપવાના છે. જોકે, હવે ગુજરાતની સૌથી ચર્ચાસ્પદ બેઠક રાજકોટની બેઠક બની ગઈ છે.

જ્યાં ભાજપના પીઢ નેતા પરષોત્તમ રૂપાલા ઉમેદવાર છે. પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જેના કારણે ક્ષત્રિય સમાજ તેમના પર રોષે ભરાયો છે. રૂપાલાએ આ માટે માફી માંગી હતી છતાં તેમનો રોષ ઓછો થયો નથી. ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચી લેવાની માંગ સાથે વિરોધ પ્રદર્શનો થયા હતા. પરંતુ ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ પાછી ખેંચવામાં આવી ન હતી. તેથી ક્ષત્રિય સમાજ હવે ભાજપ વિરુદ્ધ મતદાન કરે તેવી શક્યતા છે. જોકે, ક્ષત્રિય સમાજ પણ બે ભાગમાં વહેંચાઈ ગયો છે. ઘણા રાજવીઓ અને ક્ષત્રિય આગેવાનો રૂપાલાને માફ કરવાની વાત કરી હતી. જ્યારે ઘણા ક્ષત્રિય નેતાઓ અને આગેવાનોએ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની હાકલ કરી છે. આ ઉપરાંત આ સ્થિતિનો લાભ લેવા માટે કોંગ્રેસે પરેશ ધાનાણીને રાજકોટ બેઠક પરથી ચૂંટણીમાં ઉતાર્યા છે. તેથી આ બેઠક હવે ઘણી રસપ્રદ બની ગઈ છે અને તેનું શું પરિણામ આવશે તેના પર સૌની નજર રહેલી છે.

ભાજપને આ વખતે ટક્કર મળી શકે તેવી બેઠખોમાં ભરૂચ બેઠક છે. જ્યાં આમ આદમી પાર્ટી ભાજપને ટક્કર આપી શકે છે. ભરૂચમાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ભાજપના મનસુખ વસાવાને ટક્કર આપે તેવી શક્યતા છે. ચૈતર વસાવા પહેલા ભારત ટ્રાઈબલ પાર્ટીના સભ્ય હતા પરંતુ બાદમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જ્યારે મનસુખ વસાવા છ વખત સાંસદ રહી ચૂક્યા છે. બનાસકાંઠાની બેઠક પણ રસપ્રદ બની છે. જ્યાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના ડો.રેખાબેન ચૌધરી આમને સામને છે. ગેનીબેનની ફાયરબ્રાન્ડ મહિલા નેતા છે અને પોતાના વિસ્તારમાં સારી એવી પકડ ધરાવે છે.