મોરબીમાં ક્ષત્રિય સમાજ દ્વારા અસ્મિતા ધર્મ રથ સાથે વિશાળ રેલી

મોરબીમાં ક્ષત્રિય સમાજ દ્વારા આજે ધર્મરથ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના મહારાણા પ્રતાપ સર્કલથી શનાળા મંદિર સુધી નારી અસ્મિતા ધર્મરથ રેલી યોજાઈ હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં પરંપરાગત વેશભૂષા સાથે રાજપૂત સમાજનાં લોકો વાહનો સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા. ધર્મ રથ રેલી દરમિયાન વાઘજી બાપુ અને લખધીરસિંહજી બાપુના સ્ટેચ્યૂ ખાતે ફૂલહાર પણ કરવામાં આવ્યા હતા અને જય ભવાનીના નારા સાથે રેલી આગળ વધી હતી. રેલી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો. રેલીના સમાપન બાદ શનાળા ખાતે ક્ષત્રિય સમાજની સભાનું પણ આયોજન કરાયું હતું.

આ રેલી દરમિયાન મોરબી જિલ્લા કરણી સેનાના પ્રમુખ જયદેવસિંહએ જણાવ્યું હતું કે, આ રેલી મહારાણા પ્રતાપ સર્કલથી શનાળા સુધી યોજાઈ છે અને શનાળા ખાતે ક્ષત્રિય સમાજની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજના આ ધર્મ રથ રેલીમાં અન્ય સમાજના લોકો પણ જોડાઈ રહ્યા છે.

આ ધર્મ રથ રેલીમાં જોડાયેલા સંકલન સમિતિના મુખ્ય સંયોજક ક્ષત્રિય આગેવાન રમજુભા જાડેજાએ જણાવ્યું હતું કે, છેલ્લા 40 દિવસથી ક્ષત્રિય અસ્મિતા અંગેની લડત ચાલી રહી છે. જેના ભાગરૂપે આજે મોરબીમાં ધર્મ રથના સમાપન પ્રસંગે ધર્મ રથ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અન્ય સમાજના લોકો પણ ક્ષત્રિય સમાજની આ લડાઈમાં જોડાઈ રહ્યા છે તે આનંદની વાત છે. દેશ હિતની વાત છે, ધર્મ હિતની વાત છે અને પ્રજા હિતની વાત છે જે તમામ લોકો સમજ્યા છે. જે દેશ અને રાજ્ય માટે સારી વાત છે. સંકલન સમિતિના નેજા હેઠળ ગુજરાતભરનો ક્ષત્રિય સમાજ એક છે એમાં કોઈ ભાગ પડ્યો નથી. તેઓએ ગોંડલ ખાતે આવતીકાલે મળનારી ક્ષત્રિય સમાજની મીટીંગ રાજકીય હોવાનું જણાવ્યું હતું. રમજુભાએ આગળ જણાવ્યું હતું કે, ‘જય ભવાની, ભાજપ જવાની. હવે બહુ થયું, રૂક જાઓ ભાજપ’. 7 તારીખે તમામ સમાજો ભાજપની સામેના ઉમેદવારના સમર્થનમાં મતદાન કરશે.