મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબી કલેક્ટરને શહેરમાં લગાવવામાં આવેલ બીનકાયદેસર હોર્ડિંગ્સ હટાવવા અંગે અરજી કરાઈ છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં રસ્તાઓ ઉપર બિનકાયદેસર રીતે કોઈ પણ પ્રકારની પરવાનગી વગર આકસ્મિક બનાવો બને તે રીતે હોર્ડિંગ્સ લગાવવામાં આવેલા છે. આ કારણે ભવિષ્યમાં ગંભીર અકસ્માત બને તેવી દહેશત છે. તેમજ હાલમાં મહેન્દ્રનગર વિસ્તારમાં પસાર થયેલ બાઈક ચાલક પર હોર્ડિંગ્સ પડવાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

આ બાઈક ચાલકને ગંભીર ઈજા થતા તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આ્યો હતો. અરજીમાં જણાવ્યા અનુસાર, શહેરમાં શનાળા ગામથી ઉમિયા સર્કલ, ઉમિયા સર્કલથી લીલાપર ગામ સુધી, નવા બસ સ્ટેન્ડથી મહારાણા પ્રતાપ સર્કલ હાઉસિંગ બોર્ડ સુધી, ત્રાજપર ચોકડીથી લાલપુર ગામ, ત્રાજપર ચોકડીથી પીપળી ગામ, અને ત્રાજપર ચોકડીથી ધરમપુર-ટીંબડી ગામ સુધીના વિસ્તારોમાં હોર્ડિંગ્સ લગાવેલા છે. આ વિસ્તારોમાં જે બિનકાયદેસર રીતે કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર લગાવવામાં આવેલ હોર્ડિંગ્સ દૂર કરવા તેમજ જ લોકોએ પરવાનગી લીધેલી ન હોય તેવા હોર્ડિંગ્સના માલીકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે.

































































