ટાટા.. બાય.. બાય… ગૂગલ મેપ્સને ભૂલી જાવ, આ દેશી APP ડાઉનલોડ કરી લો, ટ્રાફિક મેમોથી પણ બચાવશે?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-09-2023

જ્યારે આપણે ક્યાંય જવું હોય અને રસ્તો ખબર ન હોય તો આપણે તરત જ ગૂગલ મેપ્સની મદદ લઈએ છે. પરંતુ તેમાં ઘણા પ્રોબ્લેમ આવે છે. કેટલીકવાર ખોટો રસ્તો પણ બતાવી દે છે. તેવામાં આવો જાણીએ આજે એક એવી સ્વદેશી મેપ એપ વિશે જે ગૂગલ મેપ્સ કરતાં પણ એડવાન્સ અને વધારે ફીચર્સ ધરાવે છે.

આ નવી મેપિંગ એપનું નામ Maples છે, જેને મેપ માય ઈન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ કંપની છેલ્લા 28 વર્ષથી કાર્યરત છે. જે ભારતમાં મોટાભાગના વાહનોમાં કંપની ફિટિંગ સિસ્ટમમાં મેપની સુવિધા પૂરી પાડે છે. મેપલ્સ એપને તમે ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ સ્ટોર પરથી મફતમાં ડાઉનલોડ કરી શકો છો

જ્યારે પણ આપણે કોઈ લાંબા બ્રિજ કે હાઈવે તરફ જઈએ છીએ, ત્યારે ઘણી વાર આપણે મૂંઝવણમાં પડી જઈએ છીએ કે પુલ પાર કરવો કે બાજુથી નીકળવું, કારણ કે ગૂગલ મેપ આપણને આ બરાબર દર્શાવતું નથી. પરંતુ મેપલ્સ સમગ્ર રૂટને વિશિષ્ટ 3D દૃશ્યમાં બતાવે છે, વોઇસ કમાન્ડ દ્વારા પણ સમજાવે છે.

કેટલીકવાર આપણે ઉતાવળમાં હોઈએ છીએ અને રસ્તાઓ પર ખૂબ ઝડપથી જતાં હોઈએ છીએ. તેવામાં ટ્રાફિક પોલિસના હાઇ સ્પીડ કેમેરા સ્પીડ પકડી પાડે છે અને તમારા મોબાઇલ પર મેમો મોકલે છે. તે પરિસ્થિતિને ટાળવા માટે મેપલ્સ એપ તમને રસ્તા પરના તમામ સ્પીડ કેમેરા અને રોડ સ્પીડ લિમિટની વિગતોની અગાઉથી જાણ કરે છે. તેથી આપણે સાવધાન રહીએ અને ઓવર સ્પીડિંગના મેમોથી બચી શકીએ છીએ.

આ દેશની એપ્સનો જાદુ એટલેથી જ નથી અટકતો, મેપલ્સ એપ્સ તમને મુસાફરીમાં રસ્તા પર આવતાં ખાડા વિશે પણ અગાઉથી માહિતી આપે છે જેથી તમારી મુસાફરી આરામદાયક રહે. જેથી તે અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરે છે. તેમજ ખાડાઓને કારણે વાહનને થતું નુકસાન ઘણું ઓછું થાય છે. ખાસ કરીને રાત્રિના સમયે માર્ગ અકસ્માતો ટાળી શકાય છે.

જ્યારે આપણે વેકેશન પર જઈએ છીએ ત્યારે ટોલ ટેક્સ ભરવામાં પણ આપણા ઘણા રુપિયા ખર્ચાય છે. તેવામાં મેપલ્સ તમને અગાઉથી જણાવે છે કે રસ્તામાં કેટલા ટોલ આવશે અને દરેક ટોલ પર કેટલા રુપિયા માંગવામાં આવશે. જેથી તમે તમારી સાથે પૂરતા રુપિયા લઈ જઈ શકો.