વર્લ્ડ કપ ભારતમાં જ રમાશે અનુરાગ ઠાકુરની સાફ વાત પાકિસ્તાનની ધમકીનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-10-2022

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત જ નથી આવી રહ્યો. કેટલાય સમયથી ચાલી રહેલ આ વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. બીજેપી સાંસદ અને ભારતના ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે પાકિસ્તાનની ધમકીનો જડબાતોડ જવાબ આપ્યો છે. અનુરાગ ઠાકુરે નવી દિલ્હીમાં યોજાયેલા ખેલો ઈન્ડિયા યુથ 2022ની ઘોષણા કરી હતી અને ત્યાં જ એમને પીસીબીને તીખો જવાબ આપ્યો હતો.

અનુરાગ ઠાકુરે સાફ શબ્દોમાં કહી દીધું હતું કે 50 ઓવરનો વર્લ્ડ કપ તો 2023માં ભારતમાં જ યોજાશે. પાકિસ્તાનને જે કરવું હોય એ કરી લે. એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન જય શાહે ભારતીય ટીમને પાકિસ્તાન જઈને એશિયા કપ 2023 રમી શકે એ વાત પણ સાફ મનાઈ ફરમાવી દીધી હતી અને એશિયા કપ કોઈ તટસ્થ સ્થળે યોજવા માટેનો પ્રસ્તાવ પીસીબીને કર્યો હતો.

જેના જવાબમાં પીસીબીએ કહ્યું હતું કે, જો ભારતીય ટીમ એશિયા કપ રમવા નહીં આવે તો પીસીબી 2023માં ભારતમાં યોજાનારા વનડે વર્લ્ડ કપ માટે પોતાની ટીમ નહીં મોકલે. પીસીબી ઈચ્છે છે કે એશિયા કપ પાકિસ્તાનમાં જ યોજાય.

મુંબઈમાં આયોજિત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની વાર્ષિક સામાન્ય સભામાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે એશિયા કપ કોઈ તટસ્થ સ્થળે રમાશે. એશિયા કપને 2023માં શિફ્ટ કરવા પર વિચાર ચાલી રહ્યો છે.

બીસીસીઆઈના સેક્રેટરી અને એસીસીના પ્રમુખ જય શાહે જણાવ્યું હતું કે, એશિયા કપ તટસ્થ સ્થળે રમવાની ઓફર કરવામાં આવશે અને અમે નિર્ણય લીધો છે કે અમારી ટીમ એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં જાય.થ જય શાહની વાત માનીએ તો ભારત સરકાર ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન જવા દેશે નહીં.

ઉલ્લેખનિય છે કે વર્ષ 2008માં શ્રીલંકાની ટીમ પર પાકિસ્તાનમાં એક સીરીઝ રમવા જઈ રહી હતી ત્યારે એ ટીમ પર હુમલો થયો હતો. શ્રીલંકન ટીમની બસ પર ખુલ્લેઆમ ગોળીબાર કરવામાં આવ્યો હતો અને એ ગોળીબારમાં શ્રીલંકન ટીમના ખેલાડીઓ સહિત ટીમ મેનેજમેન્ટના સભ્યો પણ ઘાયલ થયા હતા.

વાત એમ છે કે એ ટુર ભારતીય ટીમ કરવાની હતી પણ કેટલાક કારણોસર ભારતીય ટીમ પાકિસ્તાન નહતી ગઈ અને એ પછી શ્રીલંકાની ટીમ ત્યાં રમવા ગઈ હતી. એટલા માટે એવું માનવામાં આવે છે કે તે હુમલો ભારતીય ટીમ માટે હતો. આ પછી ભારતમાં 26/11ના હુમલા થયો હતો અને એ પછી ભારતીય ટીમ ક્યારેય પાકિસ્તાન કોઈ મેચ રમવા માટે નથી ગઈ.