નકલી દૂધની ફેકટરી ઝડપાઇ : યુરીયા અને ડિટર્જન્ટ ભેળવતા હોવાનો ધડાકો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.27-07-2022

જામનગર જિલ્લાના કાલાવડ નજીક આવેલા હરીપર ગામે એસઓજીએ દરોડો પાડી બનાવટી દૂધ બનાવવાની ફેકટરી ઝડપી પાડી હતી. અહીં અમૂલ દૂધના પાઉડરમાં યુરીયા અને ડિટર્જન્ટ પાઉડર નાખી દૂધ બનાવવામાં આવતું હતું. પોલીસે 800 લીટર દૂધનો નાશ કર્યો છે.

આ અંગે મળતી વિગતો મુજબ આજે બપોરે બાતમીના આધારે જામનગર એસઓજીની ટીમે હરીપર મેવાસા ગામે ચાલતી દૂધની ફેકટરી પર દરોડો પાડયો હતો. અહીં સૌપ્રથમ પોલીસને દૂધના ભરેલા લગભગ 40 જેટલા કેન મળ્યા હતા અને અમુલ દૂધના પાઉડરના બાચકાઓ જોવા મળ્યા હતા. હાજર ત્રણ-ચાર લોકોની પુછપરછ કરવામાં આવી હતી.

જાણકારી મેળવતા આ દુધની ફેકટરી પાંચેક વર્ષથી ચાલતી હોવાનો ખુલાસો થયો હતો. પોલીસને પ્રથમથી જ દૂધનો જથ્થો શંકાસ્પદ જણાતો હતો જેથી તુરંત ફૂડ સેફટી વિભાગને જાણ કરાતા ફૂડ સેફટી ઇન્સ્પેકટર પોતાની લેબોરેટરી વાન સાથે સ્થળ પર દોડી આવ્યા હતા. ફૂડ વિભાગની ટીમે તુરંત દુધના જથ્થામાંથી જરૂરી સેમ્પલ લઇ પૃથ્થકરણ માટે સેમ્પલ કલેકટ કર્યા હતા અને પ્રાથમિક તપાસમાં ફેકટરી ચલાવનાર લોકો દૂધમાં યુરીયા ખાતર અને ડિટર્જન્ટ પાઉડર ભેળવતા હોવાનો ખુલાસો થયો હતો.

જામનગર એસ.પી. પ્રેમસુખ ડેલુના માર્ગદર્શનમાં જામનગર એસઓજીના પીઆઇ, પીએસઆઇ સહિતનો સ્ટાફ આ દરોડાની કામગીરીમાં જોડાયો હતો. પોલીસે મોટા પ્રમાણમાં અમુલ દુધનો પાઉડર, ડિટર્જન્ટ, યુરીયા સહિતનો માલ કબ્જે કર્યાનું ખુલ્યુ છે. આરોપીઓ અંગે હજુ સુધી પોલીસે કોઇ ફોડ પાડયો નથી પરંતુ ગુનો નોંધવા હાલ તજવીજ હાથ ધરી છે. સ્થળ પરથી મળી આવેલ 800 લીટર જેટલા દૂધના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.

જુદા જુદા શહેરોમાં દૂધની ડિલીવરી થતી હોવાની શંકા

હાલ પોલીસે દૂધની ફેકટરીઓમાંથી જુદો જુદો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અહીં ફેકટરીમાં મોટા પ્રમાણમાં દૂધ સાચવવા માટે તેને ઠંડા કરવા માટે મોટા મોટા ફ્રીઝો ગોઠવવામાં આવ્યા હતા ઉપરાંત દૂધમાં ફેટ માપવા માટેના યંત્રો અને તેમાં જરૂર પડતા લીકવીડ પણ રાખવામાં આવ્યા હતા જેથી કરીને આરોપીઓ દૂધમાં ફેટનું પ્રમાણ કેટલું રહે છે તે માપી શકતા હતા. બાદમાં અહીંથી કેન ભરી જુદા જુદા શહેરોમાં આ બનાવટી દૂધની સપ્લાય કરવામાં આવતી હતી.

આ રીતે બનાવટી દૂધ બનતું હતું

સુત્રોના જણાવ્યા મુજબ બનાવટી દૂધની ફેકટરીમાંથી અમુલ દૂધના પાઉડરનો મોટો જથ્થો મળ્યો છે. મોટા મોટા બાચકાઓમાં દૂધનો પાઉડર મળી આવ્યો છે. આ દૂધના પાઉડરમાં યુરીયા અને ડિટર્જન્ટ પાઉડર તેમજ પાણી ભેળવી બનાવટી દૂધ બનાવવામાં આવતુ હતું. ફૂડ વિભાગના પ્રાથમિક અભિપ્રાય મુજબ આ દૂધ લોકોના આરોગ્ય માટે ખુબ જોખમી બની શકે છે.

આ સિવાય અન્ય જગ્યાએ કારસ્તાન ચાલતું હતું કે કેમ? એસઓજી તપાસ કરશે

પોલીસ સુત્રોએ જણાવ્યું છે કે, હરીપર મેવાસા ગામે ચાલતી બનાવટી દૂધની ફેકટરી છેલ્લા પાંચેક વર્ષથી ચાલે છે. મોટા પ્રમાણમાં દરરોજ દૂધ બનાવવામાં આવતું હતું તેની ડીલીવરી પણ કરાતી હતી. જેથી પોલીસને શંકા છે કે આ ટોળકીએ અન્ય કોઇ જગ્યાએ પોતાની બીજી ફેકટરી અથવા પેટા સ્ટેશનો બનાવ્યા હોઇ શકે છે અને આ ઝેરી દૂધ અન્ય કઇ કઇ જગ્યાએ મોકલવામાં આવતું હતું તે અંગે તપાસ થશે.