બે વર્ષથી બંધ રહેલી મધ્યાહ્ન ભોજન યોજના આવતીકાલથી કરાશે ફરી શરૂ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-03-2022

આવતીકાલે રાજ્યની 8 મહાપાલિકા અને 2 નગરપાલિકામાં આ યોજનાની શરુઆત કરવામાં આવશે. ગાંધીનગર પાસે આવેલા બોરીજ ગામમાં જીતુ વાઘાણીના હસ્તે પુન: મધ્યાહન યોજનાનો પ્રારંભ કરવામાં આવશે. એટલે કે આવતી કાલથી શહેરની સરકારી શાળાઓમાં બાળકોને બપોરે ભોજન મળતુ થઇ જશે. અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, ભુજ, વડોદરા, ગાંધીનગર, નવસારી, સુરતમાં આવતી કાલે મધ્યાહન યોજનાનો પુન: પ્રારંભ કરાશે. ત્યાર બાદ ગુરુવારથી તમામ જિલ્લા અને તાલુકાઓમાં આ યોજના શરુ થશે.

મહત્વનું છે કે છેલ્લા બે વર્ષથી કોરોના હોવાને કારણે શાળાઓ બંધ હતી. ઓનલાઇન શાળા ચાલી રહી હતી. જેથી મધ્યાહન ભોજન યોજના બંધ કરવામાં આવી હતી. પરંતુ હવે શાળા રાબેતા મુજબ શરુ થતા વિદ્યાર્થીઓના હિતમાં રાજ્યસરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છેકે કોરોનાને કારણે આ યોજના બંધ હતી પરંતુ વિદ્યાર્થીઓને 2 લાખ 60 હજાર મેટ્રિક ટન જેટલુ અનાજનું વિતરણ કરવામાં આવ્યુ છે તેમજ મધ્યાહન ભોજન માટે રાજ્ય સરકારે 1400 કરોડની જોગવાઇ પણ કરી છે.

ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના વર્ષ-1984માં શરૂૂ કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારનો 25% તથા કેન્દ્ર સરકારનો 75% હિસ્સો છે. સરકારી તેમજ સરકારી સહાયતા મેળવતી, સ્થાનિક પંચાયતી સંસ્થા દ્વારા સંચાલિત પ્રાથમિક તેમજ ઉચ્ચ પ્રથમિક શાળાઓ ચાલુ હોય તેવા દિવસોમાં સંપૂર્ણ મફત મધ્યાહન ભોજન આપવાની જોગવાઇ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ પ્રાથમિક શાળાના વિધ્યાર્થીઓને ગરમ અને પોષણક્ષમ ખોરાક પૂરો પાડવાનો છે. આ ઉપરાંત સમાજના ગરીબ વિધ્યાર્થીઓ શાળામાં નિયમિત આવે, ભણવામાં રુચિ દાખવે તે માટે પ્રોત્સાહિત કરવાનો હેતુ છે. આ ઉપરાંત શાળાઓમાં અધવચ્ચે અભ્યાસ છોડી દેતા વિધ્યાર્થીઓનું પ્રમાણ ઘટે તે પણ છે.