ગુજરાતના 3 તાલુકામાં થઈ પસાર થશે ચતુર્ભુજ રાષ્ટ્રીય રાજમાર્ગ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-02-2022

જિલ્લામાં 50 કિલો મીટરના અંતરને આવરી લેતો થરાદને અમદાવાદથી જોડતો સુવર્ણ ચતુર્ભુજ રાષ્ટ્રીય રાજમાર્ગ મહેસાણા, વિસનગર અને ઊંઝા તાલુકાઓમાં થઈ પસાર થશે. આ સુવર્ણ ચતુર્ભુજ રાષ્ટ્રીય રાજમાર્ગના (ભારતમાલા) નિર્માણ માટે 34 ગામડાઓની ખેતીલાયક જમીનોનું અધિગ્રહણ કરવામાં આવશે.

સૌથી વધુ મહેસાણા તાલુકાના 17, વિસનગર તાલુકાના 11 અને ઊંઝા તાલુકાના 6 ગામડાંના ખેડૂતોની જમીન આ રાષ્ટ્રીય રાજમાર્ગ માટે જમીન સંપાદિત કરવા કાર્યવાહી હાથ ધરાશે. આ મહત્વકાંક્ષી રાષ્ટ્રીય યોજનાના શહેરથી 10 કિમી.ના અંતરે આવેલા આ વિસ્તારનાં વિકાસ થવાની સંભાવનાઓ વધી જશે. જો કે ખેડૂતોએ પોતાની ખેતીલાયક જમીન ગુમાવવાનો વારો આવશે.

ઉલ્લેખનીય છે કે, આ રાષ્ટ્રીય યોજનાના કારણે ટ્રાફિકનો નિયમન સારી રીતે થશે. અન્ય રાજમાર્ગો ઉપર સર્જાતી ટ્રાફિક સમસ્યાઓનો પણ અંત આવશે. મહેસાણાને અર્ધચંદ્રાકાળે પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર પણ ટ્રાફિક સમસ્યા હળવી બનશે. જયારે સુવર્ણ ચતુર્ભુજ રાષ્ટ્રીય રાજમાર્ગનું નિર્માણ થઈ જશે, ત્યારે પસાર થનાર વાહનોમાં ડીઝલ, પેટ્રોલ અને અન્ય ઈંધણની બચત થશે.

વાહન વ્યવહાર ઝડપી બનતાં નિયત સ્થળે પહોંચવા માટે માનવ કલાકનો પણ ઘટાડો થશે. હવે, જોવાનું રહ્યું કે આ રાષ્ટ્રીય રાજમાર્ગનું નિર્માણ કરવામાં કેટલો સમય લાગે છે અને જમીન ગુમાવનાર ખેડૂતોને કેટલો લાભ થશે?

વિકાસશીલ 3 નગરો ઈન્ફ્રાસ્ટ્રકચરથી સજ્જ બનશે

આ રાષ્ટ્રીય રાજમાર્ગનું નિર્માણ થશે, ત્યારે મહેસાણા જિલ્લાનાં વિકાસશીલ મહેસાણા, વિસનગર અને ઊંઝા શહેરોનો વિકાસ તીવ્ર ગતિએ શરૂ થશે. તેમજ આ વિસ્તારમાં આવેલાં ઔદ્યોગિક ગૃહો, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ વેપારી મથકોને મહત્વનું ઈન્ફ્રાસ્ટ્રકચર મળશે. આ યોજનાની હદમાં આવતા ત્રણે નગરો વર્તમાન સમયે ત્વરિત ગતિથી વિકસી રહ્યાં છે અને આ યોજના ઉદ્દીપકનું કામ કરશે.

સંપાદિત જમીનોનાં વળતરમાં લાલીયાવાડી ન થાય તે જોવું જ રહ્યું

મહેસાણામાં થઈ પસાર થતા બાયપાસ હાઈવેના નિર્માણ માટે સંપાદિત કરાયેલી જમીનોનાં વળતર માટે હજુ પણ ખેડૂતો ન્યાયીક સંઘર્ષ કરી રહ્યા છે. આ ઉપરાંત નર્મદા યોજનાની નહેરો તેમજ સુજલામ સુફલામ્ કેનાલમાં 20 વર્ષ પૂર્વે જમીન ગુમાવનાર સંખ્યાબંધ ખેડૂતો વળતરથી વંચિત છે.

આ રાષ્ટ્રીય રાજમાર્ગ યોજનામાં અધિગ્રહણ કરાનાર જમીનોનો જંત્રીના બદલે બજાર ભાવે તાત્કાલીક ધોરણે વળતર ચુકવવાની જોગવાઈ કરવી જોઈએ.

થરાદથી અમદાવાદને જોડતો રાજમાર્ગ વિકાસ માટે સિમાચિહન રૂપ બનશે

બનાસકાંઠાના થરાદથી અમદાવાદને જોડતો આ નવો એકસપ્રેસ હાઈવે બનવાથી રાજસ્થાન અને બનાસકાંઠાના તેમજ પાટણ જિલ્લાના લોકોને ગાંધીનગર-અમદાવાદ જવા માટે ખુબ જ સુલભ થશે. દિલ્હીથી મુંબઈને જોડવા માટે સુવર્ણ ચતુર્ભુજ યોજના અટલબિહારી બાજપઈએ શરૂ કરી હતી. આ યોજના હેઠળ હાલના રાજમાર્ગોથી અલગ નવા વિસ્તારોમાં આ રાજમાર્ગ બનશે જેના કારણે શહેરથી દુરના અંતરે આવેલા ગામડાઓનો વિકાસ થશે.

કયા-કયા ગામડાંના સીમાડામાંથી પસાર થશે હાઈવે

મહેસાણા તાલુકાના 18 ગામ: મેઘાઅલિયાસણા, મોટીદાઉ, બામોસણા, ગઢા, પીલુદરા, ચિત્રોડીપુરા, દેલા, ઉચરપી, લાખવડ, દેવરાસણ, મુલસણ, મેઉ, બલવંતપુરા, આખજ, લાંઘણજ, ચરાડુ, સાલડી, ખેરવા.

વિસનગર તાલુકાના 10 ગામ: બોકરવાડા, ભાન્ડુ, વડુ, બાસણા, ચિત્રોડામોટા, ચિત્રોડીપુરા, ગુંજાળા, ઉદલપુર, ધારુસણા, ધામણવા,

ઊંઝા તાલુકાના 6 ગામ: સુણક, ડાભી, ઉનાવા, સુરપુરા, પાલી, નવાપુરા