SBIએ પોતાના 40 કરોડ ગ્રાહકોને કર્યા એલર્ટ! બંધ થઈ શકે છે તમારી બેન્કિંગ સેવા, જાણો કારણ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-01-2022

SBIએ પોતાના દરેક ખાતાધારકોને એલર્ટ મોકલ્યું છે બેન્કે કહ્યું છે કે ગ્રાહક 31 માર્ચ સુધી પાન-આધાર કાર્ડને લિંક નહીં કરે તો તેમની બેન્કિંગ સેવા બંધ થઈ શકે છે.

સાર્વજનિક ક્ષેત્રની દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્કે પોતાના ગ્રાહકોને એલર્ટ મોકલ્યું છે. બેન્કે પોતાના એકાઉન્ટ હોલ્ડર્સને 31 માર્ચ 2022 પહેલા પાન-આધાર કાર્ડને લિંક કરવા માટે એલર્ટ કર્યા છે. બેન્કે કહ્યું છે કે જો ગ્રાહક આમ નહીં કરે તો તેમની બેન્કિંગ સેવા ઠપ્પ થઈ શકે છે. SBIએ તેના માટે ટ્વીટ પણ કર્યું છે.

31 માર્ચ સુધી છે મોકો

SBIએ કહ્યું, “અમે પોતાના ગ્રાહકોને સલાહ આપી રહ્યા છીએ કે કોઈ પણ અસુવિધાથી બચવા માટે તમારા પાનને આધાર સાથે લિંક કરો અને બેન્કિંગ સેવાનો આનંદ લેતા રહો. તેની સાથે જ પાન આધાર સાથે લિંક કરવું જરૂરી છે. જો પાન અને આધાર લિંક નહીં થાય તો પાન નિષ્ક્રિય થઈ શકે છે અને સ્પેસિફાઈડ ટ્રાન્ઝેક્શન કરવા માટે પાનનો ઉપયોગ ન કરી શકાય.”

જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે કોરોના વાયરસ મહામારીને જોતા પાન કાર્ડને આધાર સાથે જોડવાની સમય મર્યાદા 30 સપ્ટેમ્બર 2021થી વધારીને 31 માર્ચ 2022 કરી દીધી છે.