વાંકાનેર તાલુકાના જાલીડા પાસે રઘુવંશી સમાજ દ્વારા નિર્માણ પામનાર રામધામ ખાતે સૌરાષ્ટ્રભરના રઘુવંશી અગ્રણીઓની શુભેચ્છા મુલાકાત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-01-2022

(Ajay Kanjiya) વાંકાનેર બાઉન્ટ્રી – કુવાડવા વચે નેશનલ હાઇવે નજીક જાલીડા ગામે ૩૫ એકરથી વધુ જમીન પર રઘુવંશી સમાજ દ્વારા ભવ્ય રામધામ નિર્માણ પામશે

રામધામ ખાતે મંદિર નિર્માણ કાર્ય પહેલા રામ યજ્ઞ કરવામાં આવશે

રામધામના નિર્માણ માટે વાંકાનેરના રઘુવંશી અગ્રણી પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણીએ પગમાં પગરખાં નહિ પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી જે રામધામ માટે નિશ્ચિત કરાયેલી જમીનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટેક પૂરી કરી પગરખાં પહેરશે

રામધામ ખાતે ભવિષ્યમાં ભોજનાલય , હોસ્પિટલ , શૈક્ષણિક સંકુલ , ગૌશાળા સહિતની સેવાકીય પ્રવૃતિઓ વિચારાધીન છે

સમસ્ત રઘુવંશી સમાજના આસ્થાના પ્રતિક રૂપે ભવ્યાતિભવ્ય નિર્માણ થનાર રામધામ મંદિરના નિર્માણ માટે વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં રાજકોટ ચોટીલા નેશનલ હાઇવે પર ચોટીલા બાઉન્દ્રી પાસેની હોનેસ્ટ હોટેલથી જમણી તરફ જમીનની ખરીદી કરવામાં આવેલ છે. રામધામના નિર્માણ બાદ હાલ શ્રી રામ દરબાર , શ્રી વીરદાદા જશરાજ તેમજ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની સ્થાપના કરવામાં આવશે. આગામી સમયમાં રામધામ સંકુલ ખાતે આરોગ્યલક્ષી સેવાઓ શરૂ કરવામાં આવશે તથા ગૌ શાળા તેમજ શૈક્ષણિક સંકુલની સ્થાપના થશે તેમ રામધામના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણીએ જણાવ્યું હતું. સોમાણીએ વધુમાં જણાવ્યું હતું કે આ રામધામ દેશના સમગ્ર રઘુવંશી સમાજના સહયોગથી બનશે જેમાં તમામે તન મન અને ધનથી સહયોગ આપવા જણાવેલ.

હાલ આ સ્થળે મંદિર નિર્માણ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેના ભાગરૂપે જમીનને સમથળ બનાવવાની કામગીરી ટ્રેકટર , જે સી બી વડે પૂરજોશમા ચાલી રહી છે. તા ૦૨.૦૧.૨૦૨૨ ના રોજ રામંધામ ખાતે શુભેચ્છા મુલાકાત માટે સૌરાષ્ટ્રના અનેક સ્થળેથી લોહાણા સમાજના અગ્રણીઓ , રઘુવંશી સમાજના પ્રમુખો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભગીરથ કાર્ય ને બિરદાવી જીતુભાઈ સોમાણીનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતુ.

મંદિર નિર્માણ પહેલા ભગવાન શ્રી રામનો રામ યજ્ઞ કરવામાં આવશે જેના માટે મુહૂર્ત તેમજ તારીખ પૂજ્ય ગુરુદેવ શ્રી હરિચરણદાસજી બાપુની આજ્ઞા મુજબ શ્રી રામ યજ્ઞનું આયોજન કરવામાં આવશે અને આ યજ્ઞમાં ગુરુદેવ શ્રી હરિચરણદાસજી ઉપસ્થિત રહે તેવી શક્યતા રહેલી છે.