મોરબી સુશાસન સપ્તાહની ઉજવણી : યુવાઓને રોજગારી પત્રો અને એપ્રેન્ટીસશીપ યોજનાઓના કરારપત્રો એનાયત કરાયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-12-2021

ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપાઈના જન્મદિવસ નિમિત્તે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત મોરબીના ટાઉનહોલ ખાતે ગુરુવારે જિલ્લા રોજગાર કચેરી તેમજ જિલ્લા શ્રમઆયુક્ત ની કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં રોજગાર કચેરી દ્વારા પ્રાથમિક પસંદગી પામેલા ૪૮૬ યુવાઓ અને ૫૨૦ જેટલા તાલીમાર્થીઓને એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ કરારપત્રો મહાનુભવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ અને મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમારે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી વિકાસની નવી દિશા અને નવી તકો મળી રહી છે. દેશના વિકાસમાં યુવાનોની ભાગીદારી મહત્વની છે ત્યારે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત રોજગાર કચેરીના માધ્યમથી ખાનગી એકમોમાં રોજગાર પામેલ તેમજ એપ્રેન્ટીસશીપ યોજના હેઠળના તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રંસગે આસીસટન્ટ લેબર કમિશ્નર ડી.જે. મહેતા એ મોરબી જિલ્લામાં ઇ-શ્રમ કાર્ડની ચાલી રહેલ કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં અત્યાર સુધી ૭૦ હજાર જેટલી ઇ-શ્રમ કાર્ડ કાઢવામાં આવ્યા છે. આ કાર્ડ થકી અસંગઠીત ક્ષેત્રના કામદારોને ૨ લાખ રૂપિયા સુધીનું વિમા કવચ મળે છે જેથી જે લોકો ઇ-શ્રમ કાર્ડથી વંચીત છે તેમને કાર્ડ કઢાવવા પ્રેરિત કરવા અને આંગણી ચીંધ્યાનું પુણ્ય મેળવી લેવા અનુરોધ કર્યો હતો.

મોરબી આઇ.ટી.આઇ.ના પ્રિન્સીપાલ  પરમારે મોરબીમાં સીરામીક ઉદ્યોગની ડિમાન્ડને ધ્યાને લઇ યુવાનોને આધુનિક ટેક્નોલોજીથી અવગત કરાવવા વિવિધ કોર્સ ડેવલપ કર્યા હોવાનું પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી બ્રિજેશભાઇ મેરજાની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના અમદાવાદમાં યોજાયેલ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત જિલ્લા રોજગાર અધિકારી બી.ડી. જોબનપુત્રા તેમજ કાર્યક્રમની આભારવિધિ નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન દિનેશભાઇ વડસોલાએ કર્યું હતું.

આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, તાલુકા પંચાયતના પ્રમુખ રમાબેન ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, અધિક નિવાસી કલેક્ટર એન.કે. મુછાર સહિત નગરપાલિકાના સદસ્યો, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ સ્થાનિક પદાધિકારી ઓ ઉપરાંત રોજગાર કચેરી અને શ્રમ આયુક્ત કચેરીના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.