Intel ભારતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા તૈયાર, કેન્દ્રીય મંત્રીએ લખ્યું, ‘Intel – welcome to India’

આઇટી અને ઇલેક્ટ્રોનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને ઇન્ટેલનું ભારતમાં સ્વાગત કર્યું હતું. તેમણે લખ્યું કે, ઇન્ટેલ – ભારતમાં તમારું સ્વાગત છે.

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-12-2021

નવી દિલ્હી: Intel semiconductor plant in India: કેન્દ્રીય મંત્રીમંડળે દેશને હાઇટેક ઉત્પાદનોના વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાન આપવા તાજેતરમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ (semiconductor manufacturing) માટે ₹ 76,000 કરોડના પ્રોત્સાહનને મંજૂરી આપી હતી. સરકાર (central government)નું આ પગલું રંગ લાવી રહ્યું છે. ઇન્ટેલ ભારતમાં તેનું સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાની યોજના બનાવી રહી છે. અમેરિકાની કંપની ઇન્ટેલના નિર્ણયથી આત્મનિર્ભર ભારત કાર્યક્રમને મજબૂત બનશે.

‘ઇન્ટેલ – ભારતમાં તમારું સ્વાગત છે’

આઇટી અને ઇલેક્ટ્રોનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને ઇન્ટેલનું ભારતમાં સ્વાગત કર્યું હતું. તેમણે લખ્યું કે, ઇન્ટેલ – ભારતમાં તમારું સ્વાગત છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં ખાસ કરીને ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી (Automobile sectors) સેમિકન્ડક્ટર્સની અછતને પગલે પરેશાન છે. આ જ કારણે નવી કારનું વેઇટિંગ લિસ્ટ (New car waiting list) મોટું થતું જાય છે. સેમિકન્ડક્ટર્સની અછતને પગલે કાર ઉત્પાદક કંપનીઓ કારની ડિલિવરી નથી કરી શકતી.

નવા યુગની શરૂઆત

ઉલ્લેખનીય છે કે, સરકારની આ યોજના સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ તેમજ ડિઝાઇનમાં કંપનીઓને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક પ્રોત્સાહન પેકેજ પૂરું પાડી ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં નવા યુગની શરૂઆત કરશે તેવી અપેક્ષા છે. સરકારે સિલિકોન સેમિકન્ડક્ટર ફેબ્સ, ડિસ્પ્લે ફેબ્સ, કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર્સ, સિલિકોન ફોટોનિક, સેન્સર ફેબ્સ, સેમિકન્ડક્ટર પેકેજિંગ અને સેમિકન્ડક્ટર ડિઝાઇનમાં રહેલી કંપનીઓ માટે આકર્ષક પ્રોત્સાહન પુરા પાડ્યા છે.

સરકાર કરશે સહાય

યોજના હેઠળ ભારતમાં સેમિકન્ડક્ટર ફેબ્સ અને ડિસ્પ્લે ફેબ્સ સ્થાપવાની યોજના લાયક અરજદારોને પ્રોજેક્ટ ખર્ચના 50 ટકા સુધીનો ફિસ્કલ સપોર્ટ આપવામાં આપશે. આ સાથે જ કેન્દ્ર દેશમાં ઓછામાં ઓછા બે ગ્રીનફિલ્ડ સેમિકન્ડક્ટર ફેબ્સ અને બે ડિસ્પ્લે ફેબ્સ સ્થાપવા માટેની અરજીઓને મંજૂરી આપવા માટે જમીન, સેમિકન્ડક્ટર ગ્રેડ વોટર, પાવર, લોજિસ્ટિક્સ અને રિસર્ચ ઇકોસિસ્ટમની દ્રષ્ટિએ જરૂરી માળખાગત સુવિધાઓ અને ઉચ્ચ તકનીકી ક્લસ્ટર પર રાજ્ય સરકારો સાથે મળીને કામ કરશે.

આ યોજના હેઠળ સરકારી સહાયથી કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર્સ અને સેમિકન્ડક્ટર પેકેજિંગના આવા ઓછામાં ઓછા 15 યુનિટ સ્થાપિત થવાની અપેક્ષા છે.

ખાસ સુવિધા અપાશે: ઇન્ટિગ્રેટેડ સર્કિટ (ICs), ચિપસેટ્સ, સિસ્ટમ ઓન ચિપ્સ (SoCs) અને સેમિકન્ડક્ટર લિંક્ડ ડિઝાઇન માટે સેમિકન્ડક્ટર ડિઝાઇનની 100 સ્થાનિક કંપનીઓને ટેકો પૂરો પાડવામાં આવશે. આગામી પાંચ વર્ષમાં ₹1,500 કરોડથી વધુ ટર્નઓવર હાંસલ કરી શકે તેવી 20 કરતાં ઓછી કંપનીઓને ખાસ સુવિધા આપવામાં આવશે અને આ સાથે વિશિષ્ટ અને સ્વતંત્ર ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન પણ સ્થાપિત કરવામાં આવશે.

નોંધનીય છે કે, વર્તમાન સમયે ઓટોમોબાઇલથી લઈને ગેજેટ્સ સુધીના ઉત્પાદનોમાં સેમિકન્ડક્ટર્સનો ઉપયોગ થાય છે. ત્યારે કેન્દ્રનું આ મેગા પેકેજ સેમિકન્ડક્ટર્સ માટે વૈશ્વિક પુરવઠાની તંગી વચ્ચે આવ્યું છે. વૈશ્વિક સપ્લાઈમાં અસંતુલન ઉભું થયું છે. ત્યારે ભવિષ્ય માટે ભારતનું આ પગલું મહત્વનું બની જાય છે.