પાટીદાર સમાજે પુરૂષાર્થની પરાકાષ્ઠા સર્જી છે, અન્ય સમાજે શિખવા જેવું ઉમિયાધામ શિલાન્યાસ: પાટીદારોનું યોગદાન સુવર્ણ અક્ષરમાં નોંધાશે: શાહ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-12-2021

અમદાવાદના સોલા ખાતે વિશ્ર્વના સૌથી ઉંચા ઉમિયાધામ મંદિરનો આજથી ત્રિ-દિવસીય શિલાન્યાસ સમારોહનો પ્રારંભ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરાવ્યો હતો. આ તકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસમાં પાટીદારોનું યોગદાન સુવર્ણ અક્ષરે અંકિત થાય તેવું કાર્ય કરવામાં આવી રહ્યું છે.

અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, પાટીદાર સમાજે પુરૂષાર્થની પરાકાષ્ઠા સર્જી દીધી છે. ગુજરાતના વિકાસમાં પાટીદારોનો વિકાસ સમાંતર ચાલી રહ્યો છે. જે અન્ય સમાજે પાટીદાર સમાજથી શિખવા જેવું છે. અમિત શાહે વિશેષમાં જણાવ્યું હતું કે, મારા મતક્ષેત્રમાં ઉમિયાધામ બનશે તેનો મને ખૂબ આનંદ થાય છે અને માં ઉમિયા પાટીદાર સમાજના તમામ સંકલ્પ પુરા કરે તેવી પ્રાર્થના કરવામાં આવી છે. અમિત શાહે એવી માર્મીક ટકોર કરી વિપક્ષ ઉપર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, અનેક વર્ષોથી હિન્દુ સમાજના શકિતકેન્દ્રોને તોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ, હજુ સુધી કોઈની કારી ફાવી નથી. પાટીદારો માત્ર ગુજરાત પુરતા જ સિમિત નથી. દેશના ખૂણેખુણે વસેલા છે. અરૂણાચલ પ્રદેશની બોડર ઉપર પણ પાટીદારો વ્યવસાય કરી રહ્યા છે. તાજેતરની મુલાકાતમાં મને ત્યાં પાટીદારોનો ભેટો થયો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજનું સ્વપ્ન આજે સાકાર થવા જઈ રહ્યું છે. વિશ્ર્વનું સૌથી ઉંચુ મંદિર બનાવવાની સમાજની એકતાના દર્શન આજે ઉમિયાધામે કરાવ્યા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે જણાવ્યું હતું

કે, મંદિર નિર્માણથી સમાજની એકતા અકબંધ રહી છે. આ કાર્યક્રમમાં ઉંઝા મંદિરના મણીભાઈ પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મંત્રી બ્રિજેશ મેરજા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

આજે 11થી 13 ડિસેમ્બર સુધી ત્રણ દિવસ દરમિયાન મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે જ પાટીદાર સમાજે દાનની સરવાણી વહાવી દીધી છે. પાટીદાર સમાજના અગ્રણી દાતા સી.કે.પટેલે રૂા.11 કરોડના દાનની જાહેરાત કરી છે. આ ઉપરાંત અન્ય આગેવાનોએ પણ કરોડો રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ઉમિયાધામ મંદિર 74 હજાર વાર ક્ષેત્રમાં વિસ્તરેલું છે નાગરશૈલીની પ્રાચીન થીમ પર નિર્માણ પામનાર મંદિર રૂપિયા 1500 કરોડના ખર્ચે આકાર પામનાર છે જેમાં ધર્મ સંકુલ, શિક્ષણ સંકુલ સહિતની ઇમારતો બનાવવામાં આવશે.એટલું જ નહીં 1200 કરતા વધુ યુવક-યુવતીઓ ભણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવનાર છે. જેમાં દરેક સમાજને લાભ મળે તેવા ઉદેશ્ય સાથે આરોગ્ય સંકુલ બનાવવામાં આવ્યું છે.

અમદાવાદમાં સૌથી મોટું એવું ઉમિયાધામ મંદિર આકાર લેવા જઇ રહ્યું છે. ત્યારે આજે મંદિરનો શિલાન્યાસ થનાર છે મહત્વનું છે 1866 વર્ષ પહેલા જ ઉમિયા માતાજી ઊંઝામાં બિરાજમાન છે. ત્યારે અમદાવાદમાં ભવ્ય મંદિર ઉમિયાધાન મંદિરનું નિર્માણ થનાર છે આ ઉમિયાધાન કેમ્પસમાં ભોજનાલય પણ બનાવવામાં આવશે.

વિદ્યાર્થીઓને રહેવા માટે હોસ્ટેલ પણ બનાવાશે. 132 ફૂટ ઊંચા શિખર કળશ સાથે મંદિર બનશે. જેમાં મંદિરની લંબાઇ 255 ફૂટ અને 160 ફૂટ પહોંચાઇ હશે મંદિર નિર્માણમાં લોંખડનો વપરાશ નહીં થાય તેમજ મંત્રોચ્ચાર સાથે પોથીયાત્રા નીકળશે. અહીં ઉલ્લેખનિય કે અત્યાર સુધીમાં 60 કરોડનું દાન ઊંઝા ઉમિયાધામને મળ્યું, દેશ-વિદેશમાં અનેક દાતાઓનો સહકાર મળ્યો છે.