LRD, PSI ભરતી: 26 નવે.થી કોલ લેટર ડાઉનલોડ થશે, ડિસે.માં ફિઝિકલ ટેસ્ટ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-11-2021

પોલીસ વિભાગમાં એલઆરડી અને પીએસઆઈની ભરતીમાં અરજી કરનારા ઉમેદવારો 26 નવેમ્બરથી ફિઝિકલ ટેસ્ટના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. પ્રાપ્ત વિગતો અનુસાર, ત્રીજી ડિસેમ્બરથી ફિઝિકલ ટેસ્ટ શરુ થવાની છે. રાજ્યભરમાં 15 કેન્દ્રો પર ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. એક ગ્રાઉન્ડ પર એક દિવસમાં 1200-1500 જેટલા ઉમેદવારોની પરીક્ષા લેવાય તેવી શક્યતા છે. સંયુક્ત રીતે જોવા જઈએ તો આ ભરતીમાં 9 લાખથી પણ વધારે ઉમેદવારોએ અરજી કરી છે. 9 નવેમ્બરના રોજ અરજી સબમિટ કરવાનો છેલ્લો દિવસ હતો.

ફિઝિકલ ટેસ્ટની વાત કરીએ તો, ભરતીની જાહેરાત અનુસાર ST ઉમેદવારો સિવાયના પુરુષ કેન્ડિડેટ્સની ઉંચાઈ 165 સેન્ટીમીટર નિર્ધારિત કરવામાં આવી છે, જ્યારે છાતી (ફુલાવ્યા વિના) 79 સે.મી. અને 84 સે.મી. (ફુલાવેલી) હોવી જરુરી છે. આ સિવાય ઉમેદવારોનું વજન ઓછામાં ઓછું 50 કિલો હોવું જોઈએ. જ્યારે મહિલા ઉમેદવારો માટે ઉંચાઈ એસટી કેટેગરીમાં 150 સેમી અને તે સિવાયની તમામ કેટેગરી માટે 155 સેમી તેમજ લઘુત્તમ વજન 40 કિલો હોવું જોઈએ.

ફિઝિકલ ટેસ્ટમાં પુરુષ ઉમેદવારોએ પાંચ કિલોમીટરની દોડ ઓછામાં ઓછી 25 મિનિટમાં પૂરી કરવાની રહેશે, જ્યારે મહિલાઓએ 1600 મીટરની દોડ વધુમાં વધુ સાડા નવ મિનિટમાં જ્યારે એક્સ સર્વિસ મેને 2400 મીટરની દોડ 12.30 મિનિટમાં પૂરી કરવાની રહેશે. જે પુરુષ ઉમેદવાર 20 મિનિટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરે તેને પૂરા 25 માર્ક્સ મળશે. જ્યારે 20 મિનિટ કરતા વધુ અને 20.30 મિનિટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરનારને 24 માર્ક્સ, 20.30 મિનિટથી વધુ અને 21 મિનિટથી ઓછા સમય માટે 23 માર્ક્સ, 21 મિનિટથી વધુ, 21.30 મિનિટ કે તેનાથી ઓછા સમય માટે 22 માર્ક્સ મળશે. જે ઉમેદવાર 24 મિનિટથી વધુ અને 25 મિનિટથી ઓછો સમય લેશે તેમને 10 માર્ક્સ મળશે, જ્યારે 25 મિનિટથી વધુ સમય લેનારાને નાપાસ જાહેર કરાશે.

મહિલા કેટેગરીમાં જોઈએ તો, 7 મિનિટમાં દોડ પૂરી કરનાર ઉમેદવારને પૂરા 25 માર્ક્સ, 7થી વધુ અને 7.30થી ઓછા સમય માટે 23, 7.30થી વધુ અને 8 મિનિટથી ઓછા સમય માટે 21, 8 મિનિટથી વધુ અને 8.30 મિનિટ માટે 18 માર્ક્સ, 8.30 મિનિટથી વધુ અને 9 મિનિટથી ઓછો સમય હોય તો 15 માર્ક્સ જ્યારે 9 મિનિટથી વધુ અને 9.30 મિનિટથી ઓછા સમય માટે 10 માર્ક્સ મળશે. તેનાથી વધુ સમય લેનારા ઉમેદવાર નાપાસ ગણાશે.