કોરોના મૃત્યુ સહાય મામલે હવે ટેસ્ટ રીપોર્ટ અને હોસ્પિટલમાં દાખલ થવાની નોંધ માન્ય રાખવા તૈયારી

સુપ્રિમ કોર્ટે ઉધડો લેતા રાજય સરકાર પરિપત્ર સુધારશે, રાજય સરકારે વિચારણા શરૂ કરી: કોવિડ ડેથ સર્ટીફીકેટને બદલે કોઝ ઓફ ડેથ સર્ટીફીકેટ ઈસ્યુ કરાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-11-2021

કોરોના મૃત્યુ સહાયના મામલે રાજય સરકાર દ્વારા નિત-નવા નિયમો સાથેના પરિપત્ર ઈસ્યુ કરવા સામે સર્વોચ્ચ અદાલતે ઉધડો લેતા છેવટે રાજય સરકાર લાઈનમાં આવી જવાના નિર્દેશ હોય તેમ હવે સહાય મામલે કોરોના ટેસ્ટના રીઝલ્ટ તથા હોસ્પીટલમાં દાખલ થયાની નોંધ જેવી બાબતોને સામેલ કરીને નવો પરિપત્ર ઈસ્યુ કરવાની તૈયારી કરી રહી છે.

રાજય સરકારનાં માહિતગાર સુત્રોએ જણાવ્યુ કે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને એસડીઆરએફના ધારાધોરણ મુજબ રૂા.50 હજારની સહાય આપવામાં સરળતા રહે તે માટે સરકાર 20 નવેમ્બરના પરિપત્રમા સુધારો કરવાની તૈયારીમાં છે.કોવિ ડેથ સર્ટીફીકેટ મામલે અસમંજસની સ્થિતિ ઉભી થઈ હોવાથી અનેકવિધ ગેરસમજણ ઉભી થઈ છે અને તેવામાં સર્વોચ્ચ અદાલતે પણ સરકારનો ઉઘડો લીધો હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને નવા સુચિત પરિપત્રમાં સુધારો કરાશે.

જેમાં કોરોના ડેથ સર્ટીફીકેટના બદલે કોઝ ઓફ ડેથ સર્ટીફીકેટ આપવાની વિચારણા શરૂ કરવામાં આવી છે.કોરોનાથી મૃત્યુ થયુ હોય તેવા કિસ્સામાં ડેથ સર્ટીફીકેટ માટેના પરિપત્રમાં સુધારો કરી દેવાશે. આરટીપીસીઆર ટેસ્ટ, રેપીડ એન્ટીજન ટેસ્ટ અને હોસ્પીટલમાં દાખલ થયાની નોંધ પણ માન્ય રહે તેવો પરિપત્ર રાજય સરકાર દ્વારા ટુંકમાં જાહેર કરવામાં આવે તેવા સંકેત સાંપડયા છે.