મોરબી જિલ્લાનું પીવા-સિંચાઇના પાણીનું સંકટ ટળ્યું: મચ્છુ 1 છલકાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-09-2021

મોરબી જિલ્લામાં મેઘરાજા ધીમીધારે વરસી રહ્યા છે જેના કારણે સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે તેવામાં ડેમના કેચમેટ વિસ્તારમાં અને ડેમના ઉપરના ભાગમાં સારો વરસાદ હોવાથી હાલમાં ખૂબ જ વિપુલ પ્રમાણમાં વરસાદી પાણીની આવક સ્થાનિક જળાશયોમાં થઈ રહી છે આજની તારીખે મોરબી જિલ્લાના 10 ડેમમાથી પાંચ ડેમ ઓવરફલો થઈ ગયા છે.

મોરબી જીલ્લામાં પડેલા વરસાદ બાદ હાલમાં ડેમોમાં પાણીના આવક ચાલુ છે અને જિલ્લામાં આવેલા 10 ડેમમાથી બંગાવડી, મચ્છુ-1, મચ્છુ-3, ડેમી-1 અને ડેમી-3 ઓવરફલો થઈ ગયા છે અને મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાઈ ગયો હોવાથી તેનો એક દરવાજો હાલમાં ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી સિચાઈ વિભાગના અધિકારી પાસેથી મળેલી માહિતી મુજબ હાલમાં પણ ડેમોમાં નવા નીરની આવક ચાલુ જ છે 10 પૈકીનાં પાંચ ડેમોમાં નવા નીરની આવક થયેલ હોવાથી તે 100 ટકા ભરાઈ ગયા છે અને દરવાજા હોય તે ડેમમાં દરવાજા ખોલીને પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે.

જો કે, મચ્છુ -2 ડેમ 65 ટકા ભરેલ છે, ડેમી -2 ડેમ 82 ટકા ભરેલ છે, બ્રાહ્મણી -1 ડેમ 32 ટકા ભરેલ છે, બ્રાહ્મણી -2 માં પણ નવા નીરની આવક થયેલ છે અને ધોડાધ્રોઈ ડેમ 78 ટકા ભરેલ છે.

મોરબી જીલ્લામાં 10 ડેમ આવેલા છે જે પૈકીના વાંકાનેર પંથકમાં આવેલ મહાકાય મચ્છુ-1 ડેમ ગઇકાલે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં ઓવરફલો થયો છે અને હાલમાં પણ ડેમમાં પાણીની આવક હોવાથી ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે.

સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે જો વાત કરીએ મોરબી જિલ્લાના મહાકાય મચ્છુ-1 ડેમની તો છેલ્લા દિવસોમાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ થતાં ડેમમાં પાણીની આવક થઈ રહી છે અને 49 ફૂટની ઊંડાઈ ધરાવતો આ ડેમાં ગઇકાલે સાંજે સાડા છ વાગ્યે ઓવરફલો થાય છે તેવું સિચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. હજુ પણ આ ડેમમાં નવા નીરની આવક ચાલુ જ હોવાથી ડેમના નીચાણ વાળા વિસ્તારમાં આવતા વાંકાનેર અને મોરબી તાલુકાનાં કુલ મળીને 24 ગામોને એલર્ટ પણ કરવાં આવ્યા છે.

અત્રે ઉલેખનીય છે કે, મોરબીના મચ્છુ-1 ડેમમાથી લોકોને પીવા માટે અને ખેડૂતોને સિંચાઇ માટેનું બારે મહિના પાણી આપવામાં આવે છે ત્યારે આ મહાકાય ડેમ હાલમાં છલોછલ હોવાથી મોરબી અને વાંકાનેર તાલુકાનાં મોટાભાગના વિસ્તાર માટે એક વર્ષ સુધીનું જળસંકટ ટળી ગયું છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી આજની તારીખ મચ્છુ-1 ડેમમાં 2435 એમસીએફટી જળ જથ્થો ભરાયેલ છે અને હાલમાં આ ડેમ આઠ ઇંચથી ઓવરફલો થઈ રહ્યો છે જે પાણી મચ્છુ નદીમાં થઈને મચ્છુ-2 ડેમમાં જઈ રહ્યું છે જેથી તે ડેમમાં પણ પાણીની આવક વધી રહી હોવાથી આજે સવારના સાડા આઠ વાગ્યા સુધીમાં મચ્છુ-2 ડેમ 33 ફૂટની ઊંચાઈમાથી 28.50 ફૂંટ ભરાયો છે.

હજુ પણ ઉપરથી પાણીની આવક ચાલુ જ છે તેવું સિચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યુ છે.