PM મોદીના બર્થ-ડે પર બન્યો રેકોર્ડ, દેશમાં બે કરોડથી વધુને લાગી કોરોના રસી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર બન્યો વર્લ્ડ રેકોર્ડ, આજે દેશમાં 2 કરોડથી વધુ લોકોને અપાઈ કોરોના વેક્સીન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-09-2021

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર કોરોના વેક્સિનેશનનો નવો રેકોર્ડ બની ગયો છે. આજે બે કરોડથી વધુ લોકોને કોરોના રસી લગાડવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપનો પીએમ મોદીના જન્મદિવસ પર કોરોના વેક્સિનેશનની સ્પીડ ડબલ રાખવાનો લક્ષ્યાંક હતો. બપોરે દોઢ વાગ્યા સુધીમાં જ દેશમાં એક કરોડથી વધુને રસીનો ડોઝ લાગી ચૂક્યો હતો.

5.10 PM: એક જ દિવસમાં બે કરોડથી વધુને રસી

દેશમાં શુક્રવારે કેટલી ઝડપે વેક્સિનેશન કરવામાં આવ્યું તેનો અંદાજો આના પરથી લગાવી શકાય છે કે સાંજે 5 વાગ્યા સુધીમાં બે કરોડથી વધુને રસી આપી દેવામાં આવી છે. તેનો અર્થ એ છે કે, ન્યૂઝીલેન્ડની કુલ વસ્તી કરતા પણ 4 ગણા વધારે લોકોનું આજે વેક્સિનેશન કરવામાં આવ્યું છે.

3.45 PM: દર સેકન્ડે 527 ડોઝ વેક્સીન લગાડવામાં આવી રહી છે.

આજે વેક્સિનેશન કાર્યક્રમની સ્પીડનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે, દર સેકન્ડે 527 ડોઝ લગાડવામાં આવી રહી છે. જ્યારે દર કલાકે 19 લાખ ડોઝ આપવામાં આવી રહ્યા છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વેક્સીનની 77.77 કરોડથી પણ વધૂ ડોઝ ઉપલબ્ધ કરવામાં આવી છે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની પાસે હવે વેક્સીનના 6.17 કરોડથી પણ વધારે ડોઝ છે.

કાલે ગોવાના લોકો સાથે વાત કરશે મોદી

પીએમ મોદી 19 સપ્ટેમ્બરના રોજ હેલ્થ વર્કર્સ, કેબિનેટ મિનિસ્ટર્સ, ઓફિસર્સ અને પબ્લિક સાથે વાત કરશે. ગોવામાં કોવિડ વેક્સિનેશનના પહેલા ડોઝની 100 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. જ્યારે ઉત્તરપ્રદેશમાં કોરોના વેક્સિનેશનને પાત્ર 50 ટકા લોકોનું રસીકરણ કરી દેવામાં આવ્યું છે.

20 દિવસ સુધી ચાલશે ભાજપના કાર્યક્રમ

ભાજપે તેમના કાર્યકર્તાઓને કહ્યું છે કે, કોવિડ વેક્સિનેશન કાર્યક્રમમાં મદદ કરે. પાર્ટી ઈચ્છે છે કે, શુક્રવારે રેકોર્ડ સંખ્યામાં વેક્સિનેશન થાય. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ મોદીના જન્મદિવસ પર 20 દિવસના ‘સેવા અને સમર્પણ’ અભિયાનની શરૂઆત કરી છે જે 7 ઓક્ટોબર સુધી ચાલશે. પાર્ટી આ સમયગાળા દરમિયાન મોદીના જાહેર જીવનમાં બે દાયકા પૂર્ણ થયાની ઉજવણી પણ કરશે. જેમાં તે સમયનો પણ સમાવેશ થાય છે જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા.