GSRTC ની પણ દારૂની હેરાફેરીમાં મિલીભગત? જિલ્લાધિકારીએ દરોડો પાડતા તંત્રમાં હડકંપ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-09-2021

જૂનાગઢ : ગુજરાતમાં દારૂબંધી હોવાના કારણે બુટલેગરો દ્વારા અલગ અલગ પ્રકારનાં ગતકડા કરવામાં આવતા હોય છે. જેમાં ઘણી વખત પોલીસથી માંડીને સ્થાનિક તંત્રની પણ સંડોવણી સામે આવતી હોય છે. જો કે હવે દારૂની હેરાફેરીનો જે કિસ્સો સામે આવ્યો છે તે જાણીને તમે ચોંકી ઉઠશો. કેશોદ નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહેલી એસ.ટી બસમાં દારૂની હેરાફેરી થતી હોવાનું સામે આવતા તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. કારણ કે એસ.ટી બસને પોલીસ પણ ભાગ્યે જ ચેક કરતી હોય છે. તેવામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

ઉના-જૂનાગઢ રૂટની GJ 18 Z 6438 બસ કેશોદ નેશનલ હાઇવે પર શંકાસ્પદ હાલતમાં ઉભી હતી. એસટી બસમાંથી લગેજ કોઇ પ્રાઇવેટ કારમાં ટ્રાન્સફર થઇ રહ્યો હતો. તે જ સમયે એસટી તંત્રના ઉચ્ચ અધિકારી રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા. તેમણે આ શંકાસ્પદ પ્રવૃતિ જોતા તેમણે ગાડી અટકાવીને તપાસ કરતા દારૂની હેરાફેરી થઇ રહી હોવાનું અને દારૂનું કટિંગ થઇ રહ્યું હોવાનું સામે આવતા અધિકારી પણ ચોંકી ઉઠ્યા હતા. તેમણે તત્કાલ આ અંગે પોલીસને જાણ કરી હતી.

પોલીસે ઘટના સ્થળે પહોંચીને જપ્ત કરાયેલો દારૂનો જથ્થો પોલીસ સ્ટેશને લવાયો હતો. દારૂનુ કટીંગ ચાલી રહ્યું હતું ત્યારે જ જિલ્લાધીકારીની ગાડી પસાર થઇ હતી. તેમને શંકા ગઇ હતી કે એસ.ટી ડેપો સિવાય તો કોઇ પણ પ્રકારનો સામાન ઉતારી શકાતો નથી. આ હાઇવે પર એસ.ટી ઉભી રહીને કયો સામાન ઉતારી રહી છે. જેના કારણે તેમણે ગાડી ઉભી રખાવી હતી અને તપાસ કરતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. તેઓને ખબર પડી કે, આ કોઇ સામાન નહી પરંતુ દારૂની હેરાફેરી અને તે પણ સરકારી વાહનમાં થઇ રહી હતી.

સમગ્ર મુદ્દે જિલ્લાધિકારી દ્વારા પર્દાફાશ કરવામાં આવતા સ્થાનિક પોલીસ તંત્ર, એસટી તંત્ર સહિત તમામ સામે ન માત્ર સવાલો ઉઠી રહ્યા છે પરંતુ ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. સમગ્ર મુદ્દે હવે જિલ્લાધિકારીઓ અંગત રસ લઇ રહ્યા છે તેવામાં બુટલેગરોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત એસટીના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ ઉચ્ચ અધિકારીઓ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.