ટ્રેક્ટરનું ટાયર બદલતી વેળાએ ટ્રકે ઠોકર મારતા એકનું મોત, બે ઘાયલ

મોરબીના પ્રેમનગર નજીક બનેલી ઘટનામાં ટ્રક રેઢો મૂકી ચાલક નાસી છૂટ્યો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-07-2021

(Report-Ajay Kanjiya) મોરબી : મોરબી તાલુકાના પ્રેમનગર ગામ પાસે ટ્રેકટરમાં પંચર પડતા ટાયર બદલતી વેળાએ ટ્રક ચાલકે હડફેટે લેતા એક વ્યક્તિનું મોત થયું હતું. અને અન્ય બે વ્યક્તિઓને ઇજા થઇ હતી. અકસ્માત બાદ ટ્રકચાલક ટ્રક રેઢો મૂકી ફરાર થઈ ગયો હતો.

આ બનાવની મળતી માહિતી મુજબ પ્રેમનગર ગામ નજીક નેશનલ હાઇવે રોડ પર ફરીયાદી બટુકભાઈ ગાંડુભાઈના પુત્ર ચંદ્રકાંતભાઈ, તેની સાથે વિજયભાઇ અને ટ્રેકટરનો ડ્રાઈવર ટ્રેકટર લઈ પસાર થતાં હતાં. ત્યારે ટ્રેકટરના આગળના વ્હીલમાં પંકચર થતાં તેઓ ત્રણેય રીપેરીંગ કરતા હતા. આ દરમિયાન ટ્રક નંબર MH-23-AV-5222નો ચાલક પોતાનો ટ્રક બેદરકારીથી ચલાવી ટ્રક ટ્રેકટરની ટ્રોલી સાથે ભટકાડી દીધો હતો.

આથી, ચંદ્રકાંતભાઈને માથા અને છાતીના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. તેમજ અન્ય બે વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ ટ્રકચાલક ટ્રક સ્થળ પર પડતો મૂકી નાસી ગયો હતો. હાલમાં મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.