લગ્નમાં 400 નહીં 150 લોકોને જ મંજૂરી

રૂપાણી સરકારે જાહેરનામાંમાં એમ કહીને ફેરફાર કર્યો કે લગ્ન એ સામાજિક કાર્યક્રમ ન ગણાય !

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-07-2021

રાજ્યમાં તાજેતરમાં જ 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુને લઇને મહત્વનો નિર્ણય લેવાયો હતો. જેમાં રાત્રિ કરફ્યુની સમય મર્યાદા 31 જુલાઈથી 1 કલાક ઘટાડવામાં આવી હતી. એટલે કે આ 8 મહાનગરોમાં 31 જુલાઈથી રાત્રિના 11થી સવારના 6 વાગ્યા સુધીનો કરફ્યુ રહેશે એવો નિર્ણય લેવાયો હતો.
આ સાથે જ રાજયમાં જાહેર સમારંભો તેમજ ખુલ્લી જગ્યામાં યોજવામાં આવતા પ્રસંગો જેવાં કે લગ્ન પ્રસંગ કે જેમાં 200 વ્યક્તિઓની પહેલાં મર્યાદા હતી જેને 31 જુલાઈથી વધારીને 400 વ્યક્તિઓની કરવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં જ ફરી રાજ્ય સરકાર દ્વારા તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
કોરોના ગાઈડલાઈન અંગે ગુજરાત સરકારે સ્પષ્ટતા કરી છે. રાજ્ય સરકારે નવું જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં લગ્નને સામાજિક કાર્યક્રમમાં નહીં ગણવાનો ઉલ્લેખ કરાયો છે. આ સાથે જ લગ્ન પ્રસંગમાં માત્ર 150 લોકોને જ મંજૂરી મળશે તેનો પણ ઉલ્લેખ કર્યો છે.સામાજિક કાર્યક્રમમાં મહત્તમ 400 લોકોને મંજૂરી રહેશે અને મરણ પ્રસંગમાં 40 લોકોને જ સરકારે મંજૂરી આપી છે.
રાજ્ય સરકારે અમદાવાદ સહિતના આઠેય મહાનગરોમાં રાત્રિ કરફયુ યથાવત રાખ્યો છે. જો કે, રાત્રિ કરફ્યૂમાં વધુ એક કલાકની છૂટ આપી છે. આ ઉપરાંત સાર્વજનિક ગણેશોત્સવ ઉજવવા પણ મંજૂરી આપી છે. સાથે સાથે જાહેર સમારંભ-લગ્ન સમારોહમાં 150 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાના કેસોમાં ખાસ્સો એવો ઘટાડો નોંધાયો છે.છેલ્લાં કેટલાંય દિવસોથી કોરોનાને કારણે એકેય વ્યક્તિનું ગુજરાતમાં મૃત્યુ થયુ નથી. આ સંજોગોમાં રાજ્ય સરકારે કોરોનાકાળથી લાદેલાં પ્રતિબંધો હળવા કર્યા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કેટલાંક મહત્વની નિર્ણય લેવાયા હતાં.