IT નું નવું પોર્ટલ કરદાતાઓ માટે બન્યું માથાનો દુખાવો, વેબસાઇટમાં ખામીઓ યથાવત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-07-2021

કરદાતાઓની સુવિધાનાં હેતુંથી શરૂ કરાયેલ ઇન્કમટેક્ષ વિભાગનું નવું પોર્ટલ શરૂઆતથી જ ચર્ચાઓમાં રહ્યું છે. લોન્ચિંગ થયાના દિવસથી લઈને આજ સુધી વેબસાઇટમાં ખામીઓ જોવા મળી રહી છે, જે હજી પણ યથાવત છે. આ સંદર્ભે ખુદ નાણામંત્રી નિર્મલા સીતારમણએ પણ બે અઠવાડિયા પહેલા સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં પોર્ટલની કામગીરી સુધારવા સુચના આપવામાં આવી હતી. પરંતુ લોન્ચ થયાને એક મહિનો વીતી ગયો હોવા છતાં પોર્ટલમાં બહુ સુધારો થયેલો જોવા મળતો નથી. લોકોને અનેક પ્રકારની ટેકનીકલ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ અંગે બીડીઓ ઇન્ડિયા પાર્ટનર (ટેક્સ અને રેગ્યુલેટરી સર્વિસિસ) ના અમિત ગણાત્રાએ જણાવ્યું કે 22 જૂને નાણાપ્રધાનની ઈન્ફોસિસની ટીમ સાથેની સમીક્ષા બેઠક પછી એવું લાગ્યું હતું કે તમામ પેન્ડિંગ મુદ્દાઓ ઝડપથી ઉકેલી લેવામાં આવશે. વેબસાઇટનાં કામકાજમાં સુધારો થયો છે, તેમ છતાં ટેકનીકલ પડકારો હજી પણ ઉકેલવાના બાકી છે અને સાઇટને સંપૂર્ણ રીતે કાર્યરત થવામાં થોડો વધુ સમય લાગી શકે છે.

તેમનું માનવું છે કે નવા ઇન્કમટેક્ષ પોર્ટલ પર ઘણી બાબતો જેવી કે ઇ-પ્રોસેસિંગ અને ડિજિટલ હસ્તાક્ષર પ્રમાણપત્ર જેવી ઘણી બાબતો પર હજી કામ શરૂ થયું નથી. આ ઉપરાંત કેટલીક વિદેશી કંપનીઓને પણ પોર્ટલમાં લોગ ઇન કરવામાં સમસ્યા આવી રહી છે.

તેમણે એમ પણ કહ્યું કે, ઇ-પ્રોસેસિંગ સંબંધિત ટેબ સંપુર્ણ રીતે કામ કરતી નથી. ઓનનલાઇન સુધારાનો વિકલ્પ પણ ઉપલબ્ધ નથી. ક્રમાંક 5, 6, 7 માં ઇન્કમટેક્ષ રીટર્ન ફાઇલ કરવા માટે JSON સુવિધા ઉપલબ્ધ નથી. પાછલી વેબસાઇટની જેમ આ પોર્ટલમાં પણ ‘વિવાદ સે વિશ્વાસ’ અંગેની વિસ્તૃત માહિતી આપનારી કોઈ ટેબ નથી. તે સાથે જ તમામ પેન્ડીંગ બાબતો વિશેની જાણકારી આપનારી કોઈ ટેબ નથી.

અત્રે ઉલ્લેખનિય છે કે ઇન્કમટેક્ષ વિભાગે ખુબ હર્ષોલ્લા સાથે જૂન મહિનામાં નવું ઇન્કમટેક્ષ પોર્ટલ શરૂ કર્યું હતું. શરૂઆતથી પોર્ટલ પર ટેકનીકલ સમસ્યાઓ આવી રહી છે. આને કારણે નાણાપ્રધાન નિર્મલા સીતારામણે 22 જૂનના રોજ ઇન્ફોસીસનાં અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ઇન્ફોસિસે આ નવી વેબસાઇટ તૈયાર કરી હોવાથી કંપનીના ચેરમેન પાસે જવાબ માંગવામાં આવ્યો હતો.

આ બેઠકના બે અઠવાડિયા અને પોર્ટલના લોન્ચિંગના એક મહિના પછી પણ યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓ પાછલા વર્ષોના ઇન્કમટેક્ષ રીટર્ન ફાઇલ કરી શકતા નથી. ઉપરાંત તેઓ આકારણી વર્ષ 2019-20 અને તેના પહેલાંના વર્ષોની નોટીસ ડાઉનલોડ કરી શકતા નથી.