આખરે Twitter લાઈન પર આવ્યું, દિલ્હી હાઇકોર્ટમાં કહ્યું આઠ અઠવાડિયામાં કરશે ફરિયાદ અધિકારીની નિમણૂક

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-07-2021

ટ્વિટરે દિલ્હી હાઇકોર્ટમાં કહ્યું છે કે નવા આઇટી નિયમોનું પાલન કરવા માટે ફરિયાદ અધિકારીની નિમણૂક કરવામાં માટે 8 અઠવાડિયાનો સમય લાગશે.

કેન્દ્ર સરકાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Twitter વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે આખરે Twitter ઝૂક્યું છે. જેમાં ટ્વિટરે સોગંદનામું દાખલ કરીને દિલ્હી હાઈકોર્ટને માહિતી આપી છે કે નવા આઇટી (IT) નિયમોનું પાલન કરવા માટે ફરિયાદ અધિકારીની નિમણૂક કરવામાં માટે તેને 8 અઠવાડિયાનો સમય લાગશે. ટ્વિટરે  કોર્ટને એમ પણ કહ્યું છે કે તે ભારતમાં સંપર્ક ઓફિસ સ્થાપવાની તૈયારીમાં છે જે તેનું કાયમી સરનામું હશે.

આઇટી નિયમોનું પાલન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે: ટ્વિટરે એમ પણ કહ્યું છે કે તે 11 જુલાઇ સુધીમાં નવા આઇટી(IT) નિયમો અનુસાર તેનો પ્રથમ અનુપાલન રિપોર્ટ સબમિટ કરશે. ટ્વિટરે કહ્યું, “ટ્વિટર નવા આઇટી નિયમોનું પાલન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જોકે ટ્વિટર નિયમોની માન્યતા અને અધિકારોને પડકારવાનો અધિકાર અનામત રાખે છે.” ટ્વિટરે સોગંદનામામાં જણાવ્યું છે કે ચીફ કોમ્પલયાન્સ અધિકારી માટે ટ્વિટર દ્વારા ભરતી પણ કરવામાં આવી છે.

દિલ્હી હાઈકોર્ટે કહ્યું ટ્વિટર જવાબ આપે: ઉલ્લેખનીય છે કે આ પૂર્વે Twitter દ્વારા ફરિયાદ અધિકારીની નિમણૂકને લઈને 6 જુલાઇના રોજ દિલ્હી હાઈકોર્ટે માઇક્રોબ્લોગિંગ સાઇટ Twitter ને મોટો ઝટકો આપ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે ટ્વિટર પર ટિપ્પણી કરતાં કહ્યું કે તમારી પ્રક્રિયામાં કેટલો સમય લાગે છે? જો ટ્વિટર એવું વિચારે છે કે દેશમાં ઈચ્છે તેટલો સમય લઈ શકે છે. તો કોર્ટ આ બાબતની મંજૂરી આપશે નહીં.

દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે ટ્વિટર નવા આઇટી(IT) નિયમો હેઠળ ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક ન કરીને કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યું છે. હાઈ કોર્ટે નવા આઈટી નિયમોને ધ્યાનમાં રાખીને ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક ટ્વિટર ક્યારે કરશે તે અંગે 8 મી જુલાઇ સુધીમાં આપવાનો આદેશ આપ્યો હતો.

ટ્વિટરને કોઈ રાહત આપી શકે તેમ નથી: ન્યાયમૂર્તિ રેખા પલ્લીએ નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે અદાલતને એવી માહિતી આપવામાં આવી ન હતી કે સ્થાનિક ફરિયાદ નિવારણ અધિકારી (આરજીઓ) ની અગાઉની નિમણૂક ફક્ત વચગાળાના આધારે કરવામાં આવી હતી. જેમણે રાજીનામું આપી દીધું છે.હાઈકોર્ટે આ અંગે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે હવે તે ટ્વિટરને કોઈ રાહત આપી શકે તેમ નથી અને કેન્દ્ર સરકાર પગલા લેવા સ્વતંત્ર છે. એડવોકેટ આચાર્ય દ્વારા દાખલ કરેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે આ ટિપ્પણી કરી હતી.