કેન્દ્ર આપે કે ન આપે, ગોવાની રાજ્ય સરકાર કોરોનાથી મૃત્યુ પામનારના પરિવારજનોને બે લાખનું વળતર ચૂકવશે

વાર્ષિક આવક આઠ લાખથી ઓછી અને 15 વર્ષથી ગોવામાં રહેતાં હોય તેવા લોકોને વળતર મળશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-07-2021

ગોવા સરકારે એક યોજનાનું એલાન કર્યું છે જે મુજબ કોરોનાથી મોતને ભેટનારા પરિવારજનોને આર્થિક મદદ કરવામાં આવશે. આ જાણકારી રાજ્યના સોશ્યલ વેલફેર ડાયરેક્ટર ઉમેશ ચંદ્ર જોશીએ જાહેર કરી છે. પાછલા મહિને મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ અંગેની જાહેરાત કરી હતી.

સરકાર દ્વારા આ યોજનાને લઈને જાહેર કરવામાં આવેલા જાહેરનામા અનુસાર કોવિડ-19થી મોતને ભેટનારા લોકોના પરિવારજનો કે જેમની વાર્ષિક આવક આઠ લાખ રૂપિયાથી ઓછી છે તેમને એક વખત બે લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવશે. પ્રત્યેક પીડિત પરિવારમાંથી એક જ વ્યક્તિ દાવો કરી શકશે. જાહેરનામામાં એવું પણ જણાવાયું છે કે લાભાર્થી છેલ્લા 15 વર્ષથી ગોવાનો રહેવાસી હોવો જોઈએ.

કોરોના પીડિતોને કેન્દ્ર તરફથી ચાર લાખ રૂપિયાનું વળતર આપવાના મામલે સુપ્રીમ કોર્ટની 3 જજની બેન્ચે રાષ્ટ્રીય આપત્તિ નિવારણ ઓથોરિટીને આદેશ આપ્યો છે કે તેઓ કોરોના સંક્રમણથી મોતને ભેટનારા લોકોના પરિવારજનોને વળતર આપવા માટે છ સપ્તાહની અંદર દિશા-નિર્દેશ તૈયાર કરે. વળતરની રકમ નિર્ધારિત ન કરતાં કોર્ટે કહ્યું કે આ નિર્ણય રાજ્ય સરકારોએ લેવાનો રહેશે. કોર્ટે વળતર આપવું બંધારણીય કર્તવ્ય ગણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગોવામાં 12 જૂલાઈ સુધી કર્ફયુ લંબાવી દેવામાં આવ્યો છે. આ દરમિયાન દુકાનો સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. રાજ્યના હેર સલૂન અને આઉટડોર સ્પોર્ટસ કોમ્પલેક્સ-સ્ટેડિયમને પણ ખોલવામાં આવી શકે છે.