પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે PoKમાં લોકોએ પાકિસ્તાની અત્યાચાર સામે વિદ્રોહ શરૂ કરી દીધો છે. જેના કારણે ત્યાં યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે. કેમ કે પાકિસ્તાની સરકારે નાંખેલા ટેક્સ અને વધતી મોઁઘવારી સામે લોકોએ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કર્યુ.. તો સેનાએ વિરોધને ડામવા માટે લાઠીચાર્જ, ટિયર ગેસના સેલ અને લોકો પર ગોળીઓ વરસાવી ત્યારે PoKમાં કેમ પાકિસ્તાન સામે વિરોધનો વંટોળ ફૂંકાયો? જોઈશું આ અહેવાલમાં.

આ દ્રશ્યો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે PoKના છે. જ્યાં લોકો પાકિસ્તાનની શહબાઝ સરકારે નાંખેલા કમરતોડ ટેક્સ અને વધતી મોંઘવારીની સામે પ્રદર્શન કરી રહ્યા છે. પાકિસ્તાન હાલમાં વધતી મોંઘવારીનો સામનો કરી રહ્યું છે. જેની અસર હવે PoKના રસ્તાઓ પર જોવા મળી રહી છે. લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરીને શહબાઝ સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. ઠેર-ઠેર ધરણાં-પ્રદર્શન થઈ રહ્યા છે. તો સંયુકત આવામી એક્શન કમિટી સરકાર સામે મોટાપાયે વિરોધ પ્રદર્શન કરી રહી છે.

જોકે લોકોના વિરોધથી ડરી ગયેલા શહબાઝ સરકારે મોટી સંખ્યામાં સેના અને પોલીસના જવાનોને ઉતારી દીધા છે. જે વિરોધ કરી રહેલા લોકો પર લાઠીચાર્જ કરી રહ્યા છે.. ટિયર ગેસના સેલ છોડી રહ્યા છે અને ક્યાંક ફાયરિંગ પણ કરી રહ્યા છે.

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં શહબાઝ સરકાર અને કઠપૂતળી સરકાર સામે છેલ્લાં 4 મહિનાથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. જેમાં વીજળીનું તોતિંગ બિલ, ટેક્સ અને અન્ય ટેક્સના વિરોધમાં લોકો પ્રદર્શન કરી રહ્યા છે. જો સ્થાનિક લોકોની સમસ્યાનું તાત્કાલિક સમાધાન નહીં કરવામાં આવે તો સરકારની મુશ્કેલીમાં મોટો વધારો થઈ શકે છે. જે પ્રમાણે હાલ PoKમાં પૂરજોશમાં વિરોધ થઈ રહ્યો છે તે જોતાં ફરી એકવાર પાકિસ્તાન ટુકડામાં વહેંચાઈ જશે તેવું લાગી રહ્યું છે.

ભારત સરકારે 2019માં સંસદમાં કહ્યું હતું કે Pok ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને રહેશે અને સરકારના મંત્રીઓ પણ છડેચોક આ નિવેદનને વળગી રહ્યા છે ત્યારે એ સમય દૂર નથી જ્યારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના લોકો ભારતમાં ભળી જશે….

























































