દેશની પ્રમુખ કાર નિર્માતા કંપની મારુતિ સુઝૂકીએ ભારતમાં પોતાની 4th જનરેશન સ્વિફ્ટને લોન્ચ કરી છે. નવી સ્વિફ્ટમાં નવું Z સિરીઝનું પેટ્રોલ એન્જિન લાગ્યું છે. જે 14% વધુ માઈલેજ ઓફર કરે છે. અત્રે જણાવવાનું કે મારુતિ સુઝૂકીએ ફર્સ્ટ જનરેશન સ્વિફ્ટને સૌપ્રથમ વર્ષ 2005માં ભારતમાં લોન્ચ કરી હતી. હાલ ભારતમાં તેના 3 મિલિયન જેટલા ગ્રાહકો છે.

એટલે કે સ્વિફ્ટને ભારતમાં આવ્યે 19 વર્ષ થઈ ગયા. સુઝૂકીએ જણાવ્યું કે ભારતીય કાર બજાર તેમના માટે ખુબ મહત્વનું છે. કંપનીએ નવી સ્વિફ્ટના નિર્માણ માટે 1450 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

નવી સ્વિફ્ટની કિંમત અને વેરિએન્ટ
મારુતિ સુઝૂકીની આ નવી સ્વિફ્ટના મોડલની એક્સ શો રૂમ કિંમત 6.49 લાખ રૂપિયાથી લઈને 9.64 લાખ રૂપિયા સુધી જાય છે. આ કાર 6 વેરિએન્ટમાં ઉપલબ્ધ છે જેમાં LXi, VXi, VXi (O), ZXi, ZXi+ અને ZXi+ Dual Tone સામેલ છે.

ઈન્ટીરિયર
નેક્સ્ટ જનરેશન સ્વિફ્ટમાં ઓલ ન્યૂ બ્લેક ઈન્ટીરિયર આપવામાં આવ્યું છે જે યુથને ટાર્ગેટ કરે છે. તેમાં 9 ઈંચનું ટચસ્ક્રીન ઈન્ફોટેન્મેન્ટ સિસ્ટમ, સ્ટીયરિંગ માઉન્ટેડ કંટ્રોલ, વાયરલેસ ફોન ચાર્જર, અને પુશ બટન સ્ટાર્ટ/સ્ટોપ જેવા ફીચર્સ મળે છે. કારની સીટો સ્પોર્ટી છે. સ્પેસમાં તેમાં કમી જોવા મળશે નહીં. કારમાં રિયર AC વેન્ટની સુવિધા મળે છે.

એન્જિન અને માઈલેજ
નવી સ્વિફ્ટમાં નવું Z સિરીઝનું પેટ્રોલ એન્જિન લાગેલું છે જે 82hp નો પાવર અને 112 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન દરેક પ્રકારની ડ્રાઈવિંગ કન્ડિશનમાં સારું પ્રદર્શન કરવાની ક્ષમતા રાખે છે. એટલું જ નહીં હવે આ એન્જિનથી 14%થી વધુ માઈલેજ પણ મળશે. આ એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ અને 5 સ્પીડ AMT ગિયરબોક્સથી લેસ છે.

માઈલેજની વાત કરીએ તો તે મેન્યુઅલ ગિયરબોક્સ પર 24.8kmpl ની માઈલેજ અને AMT પર 25.75 kmpl ની માઈલેજ ઓફર કરે છે. સેફ્ટી માટે નવી સ્વિફ્ટના તમામ વેરિએન્ટમાં 6 એરબેગ્સ, 3 પોઈન્ટ સીટ બેલ્ટ, હિલ હોલ્ડ કંટ્રોલ ESC, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ સાથે EBD જેવા ફીચર્સ લાગેલા છે.























































