સસ્તું અનાજ બારોબાર સગેવગે કરવાનું રાજય વ્યાપી કૌભાંડ ઝડપાયું, આવી રીતે પાડતા ખેલ

પોલીસની પ્રાથમિક તપાસમાં આઠ આરોપીઓની ધરપકડ કરી ફરિયાદમાં 48 આરોપીઓના નામ પોલીસે બહાર પાડ્યા, અનેક મોટા માથાઓની સંડોવણી બહાર આવે તેવી શકયતા ક્રાઇમ બ્રાન્ચ સેવી રહી છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-06-2021

અમદાવાદ, સરકારી રેશનિંગ કાર્ડ ધારકોના હક્કનું સસ્તું અનાજ બારોબાર સગેવગે કરવાનું રાજય વ્યાપી કૌભાંડ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આઠ આરોપીઓની ધરપકડ કરી ફરિયાદમાં 48 આરોપીઓના નામ પોલીસે બહાર પાડ્યા છે. સસ્તા આનાજના કરોડો રૂપિયાના કૌભાંડમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને સરકારી બાબુઓની મિલીભગત છે કે કેમ તે જાણવા ક્રાઇમ બ્રાન્ચે તપાસનો તખ્તો તૈયાર કર્યો છે.

બનાસકાંઠાની સરકારી કચેરીમાં કામ કરતા અને કૌભાંડના મુખ્ય આરોપી રફીક મહેસાણીયા, જાવેદ રંગરેજ, લતીફ માણેસિયા અને મુસ્તફા માણેસિયા સહિત ક્રાઇમ બ્રાન્ચે 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે. બનાસકાંઠાની સરકારી કચેરીમાં કામ કરતા આ આરોપીઓને સસ્તા અનાજને સગેવગે કરવાનો આઈડિયા આવ્યો અને તેમણે ગેમસ્કેમ અને સેવડેટા નામના સોફ્ટવેર બનાવી સરકારી અનાજની દુકાનમાંથી અનાજ ના ખરીદતા હોય તેવા ગ્રાહકોને પોતાના ષડયંત્રમાં સામેલ કર્યા હતા અને છેલ્લા બે વર્ષથી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં સસ્તા અનાજને ગેરકાયદે સગેવગે કરી કરોડોમાં કૌભાંડને અંજામ આપ્યો છે.

સસ્તા અનાજનું ષડયંત્ર એટલું મોટું થઈ ગયું કે જોત જોતામાં સંખ્યાબંધ લોકો આ કૌભાંડનો હિસ્સો બની ગયા. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે તપાસ કરી હાલ આઠ આરોપીઓની ધરપકડ કરી છે. જેનની પૂછપરછમાં બહાર આવ્યું કે પાલનપુરના કૌશિક જોશી અને હિતેશ ચૌધરીએ ગેમસ્કેમ અને સેવડેટા નામની એપ્લિકેશન રૂપિયા 70,000માં બનાવી આપી હતી. તેની સાથે MSC IT માં અભ્યાસ કરતો દિપક ઠાકોર પણ જોડાયો હતો. આ તમામ આરોપીઓ સોફ્ટવેરના માધ્યમમાંથી સસ્તું અનાજ મેળવતા ગ્રાહકોના નામ, આધારકાર્ડ, રેશનિંગ કાર્ડ, સરનામું, ચાર અલગ અલગ ફિંગરનો ડેટા મેળવી લેતા હતા. ગ્રાહકની આ તમામ વિગતો મેળવીને સસ્તા અનાજનો બારોબર સોદો કરી દેવામાં આવતો હતો.

અત્યાર સુધીમાં સસ્તા અનાજના ષડ્યંત્રમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમ્યાન સોફ્ટવેરમાંથી 35962 એન્ટ્રીઓ મળી આવી છે. આરોપીઓ છેલ્લા બે વર્ષથી આ કૌભાંડ આચરતા હોવાથી ક્રાઇમ બ્રાન્ચને આશંકા છે કે કરોડો રૂપિયાનું સસ્તા અનાજનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. જેથી ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવેલા 49 આરોપીઓ ઉપરાંત પડદા પાછળ અનેક મોટા માથાઓની સંડોવણી બહાર આવે તેવી શકયતા ક્રાઇમ બ્રાન્ચ સેવી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો