મોરબી: જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત મોરબીમાં ૬૦ લાખ રૂપિયાના ખર્ચની વહિવટી મંજૂરી મળી

વર્ષ ૨૦૨૧-૨૨માં મોરબી જિલ્લાના ૨૩ ગામોમાં અંદાજે ૬૫ લાખ રૂપિયાના ખર્ચે કામો પૂર્ણ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-06-2021

રાજ્યમાં ગ્રામ્ય સ્તરે લોક વ્યવસ્થાપિત પેયજળ વ્યવસ્થાપન કાર્યક્રમના અમલીકરણ માટે જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત કરવાના થતાં કામો માટે જિલ્લા સ્તરની જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની રચના કરવામાં આવેલ છે જેની બેઠક જિલ્લા કલેક્ટર જે.બી પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી.

        કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં ગત ગુરુવારે યોજાયેલ આ બેઠકમાં જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત પ્રગતિ હેઠળના ગામોની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત વર્ષ ૨૦૨૧-૨૨ ગ્રામ્ય વિસ્તાર પાણી વિતરણ યોજનાઓને પણ વહિવટી મંજૂરી આપવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લામાં ૩૯૬ લાખ રૂપિયાના ખર્ચે ચાલી રહેલા કામોની સમીક્ષા કરવામાં આવી હતી. જ્યારે મોરબીના નીચી માંડલ, માળીયાના વવાણીયા અને વાકાંનેરના ધર્મનગર ખાતેના ૬૦ લાખ રૂપિયાના ખર્ચે તાંત્રીક મંજૂરી મળેલ ગામોને વહિવટી મંજૂરી પણ આપવામાં આવી હતી.

        અગાઉ મોરબી જિલ્લાના ૨૧ ગામોમાં ૨.૪૩ કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ કામોની મળેલ વહિવટી મંજૂરીને ૨.૮૦ કરોડ રૂપિયાની રીવાઇઝ વહિવટી મંજૂરી અંગે પણ આ બેઠકમાં સમીક્ષા કરાઇ હતી. જલ જીવન મિશન કાર્યક્રમ હેઠળ વર્ષ ૨૦૨૧-૨૨માં મોરબી જિલ્લાના ૨૩ ગામોમાં અંદાજે ૬૫ લાખ રૂપિયાના ખર્ચે પૂર્ણ થયેલ કામોની પણ ચર્ચા કરવામાં આવી હતી.

        આ બેઠકમાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના અધ્યક્ષ અને કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહીલ, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા, ગુ.પા.પુ.બોર્ડના કાર્યપાલક ઇજનેર વાય.એમ.વંકાણી, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સી.સી.કાવર, જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના સભ્ય સચિવ અને યુનિટ મેનેજર એન.જે.રૂપારેલ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કે.વી.ભરખડા, જિલ્લા કો-ઓડીનેટર કીરીટ બરાસરા તથા અન્ય સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો