મોરબી નજીક સિરામીક ઉદ્યોગ માટે નવી GIDC મંજૂર

જમીનના સર્વે બાદ પ્રાથમિક કામગીરી શરૂ થઇ ગઇ: પાનેલી રોડ પર આકાર લેશે સિરામીકનું ક્લસ્ટર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-06-2021

કોરોના મહામારીમાં પણ કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ કમાઈ આપનાર મોરબીના સિરામિક હબને 500 હેક્ટર જમીનમાં વિશાળ જીઆઇડીસીનું નિર્માણ કરવાની લીલીઝંડી આપી દીધી છે. મોરબી નજીક પાનેલી રોડ ઉપર જમીનનો સર્વે કરીને કાર્યવાહી પણ આરંભી દેવાઇ છે. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના મેનેજીંગ ડાયરેક્ટર એમ. થેન્નરાશનએ ઉદ્યોગના વિકાસની હરણફાળ જોઇને મોરબીથી 11 કિલોમીટર દૂર પાનેલી રોડ ઉપર આ જમીન ફાળવી છે. સિરામિક ઉદ્યોગને આનુષંગિક ઉદ્યોગ માટે પણ જગ્યા ઉપલબ્ધ બનાવવામાં આવશે.

સરકારે સ્પેશિયલ જીઆઇડીસી બનાવવાની સત્તાવાર જાહેરાત કરવાની સાથે સાથે મોરબી સીરામીક એસોસીએશનના હોદેદારો સાથે એક અગત્યની બેઠક યોજી હોવાથી વોલ, ફ્લોર અને વીટ્રીફાઇડ ટાઈલ્સના પ્રમુખો ગાંધીનગર દોડી ગયા હતા. દરમિયાન સિરામિક એસો. ફ્લોર ટાઇલ્સ પ્રમુખ નિલેશભાઈ જેતપરીયા અને વીટ્રીફાઇડ ટાઈલ્સના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ સરકારના સિરામિક પાર્ક નિર્માણના નિર્ણયને આવકારી આવનાર દિવસોમાં સિરામિક ઉદ્યોગ બમણા જોશથી પોતાની તાકાત બતાવશે તેમ ઉમેર્યું હતું.

મોરબીમાં 800થી વધુ યુનિટ ધમધમી રહ્યા છે અને જુદા-જુદા વિસ્તારમાં હજુ પણ મોટી સીરામીક ફેકટરીઓ આકાર લઇ રહી છે ત્યારે મોટી પાનેલી નજીક 500 હેકટર એટલે કે, 1250 એકરથી વધુ જમીન ઉપર આંતરિક રોડ રસ્તા, ભૂગર્ભ ગટર, પાણી, લાઈટ સહિતની સુવિધા તેમજ ટ્રાન્સપોર્ટેશનની જરૂરિયાત પણ એક જ સ્થળે ઉપલબ્ધ બને તે માટે આગોતરું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા પાર્કમાં અંદાજે રૂપિયા 1500 કરોડના નવા રોકાણ આવશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, કોરોના કાળમાં એક તરફ સમગ્ર દેશના વ્યાપાર ઉદ્યોગ લોકડાઉન અને કોવીડ ગાઈડલાઇનના નિયંત્રણ વચ્ચે ઓક્સિજન ઉપર આવી ગયા હતા. તેવા સમયે કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં મોરબી સીરામીક ક્લસ્ટર દ્વારા 15 હજાર કરોડનું વિદેશી હૂંડિયામણ દેશને કમાઈ આપ્યું હતું. સાથે સાથ મોટાપ્રમાણમાં રોજગારીનું પણ સર્જન કરી બીજી લહેર વચ્ચે પણ લોકોને રોજગાર પૂરો પાડ્યો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો